કમોસમી વરસાદ, યોગ્ય પરિવહન અને સંગ્રહ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, ઉત્પાદનમાં ઘટાડો સહિતના કારણોસર ખાદ્યચીજોના ભાવમાં ઉછાળો
વર્તમાન સમયમાં આખા વિશ્વ ઉપર ખાદ્ય સંકટ તોળાઈ રહ્યું છે. ભારતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. જેને કારણે અર્થતંત્ર પણ પ્રભાવિત થઈ રહ્યું હોય, હવે અર્થતંત્રને બુસ્ટર આપવા માટે આરબીઆઈએ ફરી ડિસેમ્બરમાં રેપોરેટ વધારવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
ખેત ઉત્પાદનમાં ઘટાડો, કમોસમી વરસાદ સહિતના કારણોસર ખાદ્ય સંકટનું જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત યોગ્ય પરિવહન અને સંગ્રહ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને પરિણામે પણ વર્ષોથી ભારતમાં ખાદ્ય સંકટને વેગ મળી રહ્યો છે. આના પરિણામે મુખ્યત્વે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 7.41% ની 5-મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. અનાજ, શાકભાજી, કઠોળ અને દૂધના ભાવમાં વધારો થવાને કારણે આ સ્થિતિ ઉદભવી હોવાનું નિષ્ણાંતો માને છે.
આઇસીઆરએના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે ઑક્ટોબરની શરૂઆતમાં અતિશય વરસાદ ખરીફ લણણી પર અસર કરી શકે છે અને રવિ વાવણીમાં વિલંબ કરી શકે છે, જેનાથી ખાદ્ય ફુગાવામાં વધારાનું જોખમ ઊભું થાય છે.
તેમના જણાવ્યા અનુસાર, ગરીબો પર ફુગાવાનો બોજ વધુ છે કારણ કે ખોરાક અને ઇંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો ઓછી આવક ધરાવતા વર્ગના વપરાશમાં મોટો હિસ્સો ધરાવે છે.
સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 7.41% થયો
સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 7.41 ટકા થયો હતો. તેની પાછળનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોની કિંમત હોવાનું માનવામાં આવે છે. જ્યાં એક વર્ષ પહેલા સપ્ટેમ્બર 2021માં તે 4.35 ટકા અને ગયા મહિને ઓગસ્ટમાં 7 ટકા હતો તે હવે વધીને 7.41 ટકા થઈ ગયો છે. બુધવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગ્રાહક ભાવાંક પર આધારિત છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં 7.41 ટકા રહ્યો હતો. ફૂડ બાસ્કેટમાં ફુગાવો આ વર્ષે સપ્ટેમ્બરમાં વધીને 8.60 ટકા થયો હતો જે ઓગસ્ટમાં 7.62 ટકા હતો. આવી સ્થિતિમાં, આરબીઆઈએ પણ કેન્દ્ર સરકારને એક રિપોર્ટ સોંપવો પડશે, જેમાં ફુગાવાના 2 ટકાના વધારા અને ઘટાડાના પૂર્વગ્રહ અને કારણો વિશે માહિતી આપવામાં આવશે.