જુની કલેક્ટર કચેરી ખાતે કાર્યરત એકમાત્ર ઈ-સ્ટેમ્પ કેન્દ્રમાં કામગીરી સજ્જડ બંધ, ૨૫૦ જેટલી અરજીનો ભરાવો થતા અરજદારોનો મંગળવારે વારો આવે તેવી સ્થીતી
કનેક્ટિવિટી ડાઉન થવાના કારણે આજે રાજ્યભરમાં ઇ સ્ટેપની કામગીરીને ભારે અસર પહોંચી છે. અનેક જગ્યાએ ઇ સ્ટેમ્પની કામગીરી સજ્જડ બંધ રહી છે. તો અનેક જગ્યાએ આ કામગીરી ખૂબ ધીમી રીતે ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે જૂની કલેક્ટર સ્થિત એકમાત્ર ઇ સ્ટેમ્પ કેન્દ્રમાં તો ઇ સ્ટેમ્પની કામગીરી સાવ બંધ રહેતા અરજદારોને ધક્કા થયા હતા.
આજે ઇ સ્ટેમ્પના સર્વરમાં કનેક્ટિવિટી ડાઉન રહેતા રાજ્યભરમાં તેની અસર જોવા મળી હતી. રાજકોટના અનેક કેન્દ્રોમાં ઇ સ્ટેમ્પની કામગીરી ખૂબ ધીમી થતી જોવા મળી હતી. જ્યારે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલા એકમાત્ર ઇ સ્ટેમ્પ કેન્દ્રમાં તો ઇ સ્ટેમ્પની કામગીરી આજે સાવ બંધ જ રહી હતી. આ કેન્દ્રમાં દરરોજ અરજદારોની ભારે ભીડ રહેતી હોય છે. તેવામાં આજે ઇ સ્ટેમ્પની કામગીરી બંધ રહેતા ૨૫૦ જેટલી અરજીઓનો ભરાવો થઈ ગયો છે. જેથી હવે અરજદારનો વારો છેક મંગળવારે આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આજે આ ઇ સ્ટેમ્પ કેન્દ્ર ખાતે અનેક અરજદારો આવ્યા હતા. પરંતુ સર્વરની ખામીના કારણે કામગીરી બંધ હોવાથી માત્ર તેઓની અરજીઓ જ લેવામાં આવી હતી. જેથી આ અરજદારોને આજે ધક્કો થયો હતો.