કોમર્શિયલ મિલકતો માટેના આકરા નિયમ હળવા કરાશે: ચાર્જમાં પણ ઘટાડો થવાની પ્રબળ સંભાવના: મુદ્ત વધારવા અંગે ગમે ત્યારે જાહેરાત

અનઅધિકૃત બાંધકામોને નિયમીત કરતી રાજ્ય સરકારની ઇમ્પેક્ટ ફી યોજનાની મુદ્ત આવતીકાલે પૂર્ણ થઇ રહી છે. આકરા નિયમોના કારણે આ યોજનાને ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. જેના કારણે અવધિમાં છુટછાટ સાથે વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આવતીકાલ સાંજ સુધીમાં મુદ્ત વધારવા માટે ગમે ત્યારે જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજ્ય સરકાર દ્વારા વટ હુકમ લાવી ગત 17મી ઓક્ટોબર-2022ના રોજ અનઅધિકૃત બાંધકામોને નિયમીત કરતી ઇમ્પેક્ટ ફી યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી હતી. કોઇપણ વટહુકમની મુદ્ત 120 દિવસની હોય આવતીકાલે ઇમ્પેક્ટ ફીની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. શરૂઆતના ત્રણ મહિનાથી વધુ સમય માટે ઇમ્પેક્ટની અરજીઓ માત્ર ઓનલાઇન રાજ્ય સરકારના પોર્ટલ ઇ-સરકાર પર જ સ્વીકારવામાં આવતી હતી. થોડા સમય પૂર્વ અરજી ઓફલાઇન પણ સ્વીકારવાનું શરૂ કરવામાં આવતા ધસારો વધ્યો હતો. કોમર્શિયલ મિલકતોમાં 50 ટકા પાર્કિંગ ખુલ્લુ હોય તો જ અનિયમિત બાંધકામ નિયમિત થશે. રહેણાંક મિલકતોમાં પણ લો-રાઇઝ બિલ્ડીંગોમાં ફાયર એનઓસી ફરજીયાત જેવા આકરા નિયમ તો હોવાના કારણે ઇમ્પેક્ટ ફીના કાયદાને ધારી સફળતા મળી નથી.

દરમિયાન વિધાનસભાની ચૂંટણીના કારણે દોઢ મહિના સુધી અરજીઓ મંજૂર કરવાની કામગીરી મંથરગતીએ ચાલી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ઇમ્પેક્ટ ફીની મુદ્ત વધારવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. નવી સરકાર દ્વારા પ્રથમ વિધાનસભા સત્રમાં જ ઇમ્પેક્ટ ફીના વટહુકમને વિધેયકનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. હવે સરકાર દ્વારા ગમે ત્યારે મુદ્તમાં વધારો કરી શકાય છે અને નિયમોમાં પણ છુટછાટ આપી શકાય છે. આજથી બે દિવસ ધારાસભ્યોની ટ્રેનીંગ હોવાના કારણે આવતીકાલે સાંજે ઇમ્પેક્ટ ફી યોજનામાં છુટછાટ સાથે અવધીમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. નિયમો થોડા હળવા કરવામાં આવશે અને ચાર્જમાં ઘટાડો થવાની શક્યતા જણાય રહી છે.

ઇમ્પેક્ટ ફીની મુદ્તમાં વધારો કરવો જોઇએ કે કેમ? તે અંગે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આઠેય મહાપાલિકા પાસે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. દરમિયાન તમામ મહાપાલિકાના ટીપીઓ દ્વારા એવુ સુચન કરવામાં આવ્યું હતું કે ઇમ્પેક્ટ ફીની અરજીઓ ઓનલાઇન તો છેલ્લા ત્રણ માસથી પણ વધુ સમયથી સ્વીકારવામાં આવી રહી છે. ઓફલાઇન અરજી સ્વીકારવાનું માત્ર 10 દિવસ પૂર્વ જ શરૂ કરવામાં આવ્યું હોય મુદ્તમાં ચોક્કસ વધારો કરવો જોઇએ. તેવો અભિપ્રાય આપ્યો હતો.

રાજ્ય સરકારે પણ ઇમ્પેક્ટની અવધિ વધારવાનું મન બનાવી લીધું છે.  આજે સાંજ અથવા આવતીકાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.  જો મુદ્તમાં વધારો કરવામાં નહી આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે અરજી સ્વીકારવાના અંતિમ દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી ઓફલાઇન અરજી સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.