ઇમ્પેક્ટ ફી યોજનાને ધાર્યો પ્રતિસાદ ન મળતા મુદ્તમાં બે થી ત્રણ મહિનાનો વધારો થવાની અટકળ
રાજ્યમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરતા ઇમ્પેક્ટ ફી યોજનાની મુદ્ત ગઇકાલે પૂર્ણ થઇ જવા પામી છે. 120 દિવસ સુધી ચાલેલી આ યોજનાને ધાર્યો પ્રતિસાદ ન મળવાના કારણે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટની મુદ્તમાં બે થી ત્રણ મહિનાનો વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આજે સાંજ સુધીમાં ગમે ત્યારે ઇમ્પેક્ટ ફી ની મુદ્ત વધારવા અંગેની જાહેરાત કરવામાં આવશે.
રાજ્યમાં ખડકાયેલા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વ એક વટહુકમ દ્વારા ગત 17મી ઓક્ટોબર-2022 થી ઇમ્પેક્ટ ફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેની મુદ્ત 120 દિવસની રાખવામાં આવી હતી. ગઇકાલે 16મી ફેબ્રુઆરીના રોજ ઇમ્પેક્ટ ફીની મુદ્ત પૂર્ણ થઇ જવા પામી હતી. મોડી રાત સુધી ઓનલાઇન અને ઓફલાઇન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. રાજકોટમાં 6400 આસામીઓ દ્વારા ઇમ્પેક્ટ ફી અંતર્ગત પોતાના બાંધકામોને નિયમિત કરવા અરજી કરવામાં આવી હતી.
બુધવાર અને ગુરૂવારે ધારાસભ્યોની કાર્યશાળા હોવાના કારણે અને આજે સુજલામ-સુફલામ જળ અભિયાનનો આરંભ થયો હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા મુદ્ત પૂર્ણ થઇ જવા છતા ઇમ્પેક્ટ ફી યોજનાની અવધિ લંબાવવામાં આવી ન હતી. આજે સાંજ સુધીમાં ઇમ્પેક્ટ ફી યોજનાની મુદ્તમાં લંબાવવા અંગે સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
વટહુકમ સ્વરૂપે કોઇપણ કાયદો કે યોજના લવાયા બાદ તેની મુદ્તમાં વધારો કરી શકાતો નથી. જો કે 15મી વિધાનસભાની રચના થયા બાદ મળેલા પ્રથમ સત્રમાં જ નવી સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીના કાયદાને વિધેયકનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. હવે સરકાર ઇમ્પેક્ટ ફીમાં ગમે તેટલી વખત અને ગમે ત્યારે મુદ્ત વધારો કરવા કે નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લઇ શકે છે. સરકાર દ્વારા હવે ગમે ત્યારે ઇમ્પેક્ટ ફીના કાયદામાં અવધિ લંબાવવામાં આવશે.