ફાયર સેફટીનાં સાધનો વસાવવા ટયુશન કલાસીસનાં સંચાલકોએ એક માસની મુદત માંગી
સુરતનાં સરથાણા વિસ્તારમાં તક્ષશીલા નામની બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગમાં ટયુશન કલાસીસમાં અભ્યાસ કરતાં ૨૨ બાળકોનાં કરૂણ મોત નિપજયાની ઘટનાથી રાજયભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. રાજય સરકારનાં આદેશનાં પગલે હાલ મહાપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
ફાયર સેફટીનાં સાધનો વસાવવા માટે એક માસની મુદત આપવાની માંગ સાથે આજે ટયુશન કલાસીસનાં સંચાલકો કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા અને ડીએમસી તથા મેયરને રજુઆત કરી હતી. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે એવું સ્પષ્ટ જણાવ્યું છે કે, ઈમ્પેકટ ફિ ભરી નિયમીત કરાવેલા ડોમવાળા બાંધકામ કે જેનાથી આગ લાગવાની સંભાવના રહે છે તે તમામ તોડી પાડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. માનવ જીંદગી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે પ્રિ-મોનસુનની કામગીરી અંગે બોલાવવામાં આવેલી મીટીંગમાં અધિકારીઓને એવી તાકીદ કરવામાં આવી છે કે, શહેરનાં તમામ વિસ્તારોનાં બિલ્ડીંગોમાં તપાસ હાથ ધરવી જો ડોમવાળા કે ફાયબરથી ખડકેલા માળ તોડી પાડવા પછી ભલે તે ઈમ્પેકટ ફી નિયમિત કરાવવામાં આવ્યા હોય આ માટે કોઈપણ ભલામણ કે ચરમબંધી ચલાવી લેવામાં આવશે નહીં. ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.
ફાયર બ્રિગેડ શાખા દ્વારા છેલ્લા ૩ દિવસથી શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ટયુશન કલાસીસ સીલ કરવામાં આવી રહ્યા હોય આજે ટયુશન કલાસીસનાં સંચાલકો કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા અને મેયર બીનાબેન આચાર્ય તથા ડીએમસી ચેતન નંદાણીને એવા મતલબની રજુઆત કરી હતી કે, ટયુશન કલાસીસમાં ફાયર સેફટીનાં સાધનો માટે એક માસની મુદત આપવામાં આવે. હાલ જે રીતે કલાસીસ બંધ કરાવવામાં આવી રહ્યા છે તેનાથી વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે.
નજીકનાં દિવસોમાં બોર્ડની પુરક પરીક્ષા આવી રહી છે ત્યારે ફાયર સેફટી માટે થોડી છુટછાટ આપવામાં આવે તેવી માંગણી કરી હતી જોકે જે રીતે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે એવી સ્પષ્ટતા કરી છે કે ફાયર સેફટીનાં સાધનો વિના ધમધમતા એકપણ ટયુશન કલાસ, શાળા-કોલેજ, હોટેલ, હોસ્પિટલ કે અન્ય કોઈપણ બાંધકામ ચલાવી નહીં લેવાય તેના પરથી એવું લાગી રહ્યું છે કે, ટયુશન કલાસનાં સંચાલકોને ફાયર સેફટીનાં સાધન માટે મુદત આપવામાં નહીં આવે.