મુખ્યમંત્રી નિવાસસ્થાન અને મંત્રીઓના નિવાસ સ્થાને જાતે જઇને રાજ્યપાલે ફળઝાડનું વાવેતર કરી પ્રેરણા પૂરી પાડી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો.
રાજ્યપાલે રાજભવન ખાતે મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને વનમંત્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં વીટામીન-સી થી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેસર આંબાનું વાવેતર કર્યુ હતું. ત્યારબાદ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઇને ફળઝાડનું વાવેતર કર્યુ હતું.
આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી અને મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફળઝાડનું વાવેતર કર્યુ હતું.રાજ્યપાલ સ્વયં પગે ચાલીને નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓના નિવાસસ્થાને ગયા હતા અને દરેક મંત્રીની સાથે મંત્રી નિવાસસ્થાને વિવિધ પ્રકારનાં ફળઝાડનું વાવેતર કર્યુ હતું. તેમણે ફળઝાડ અને શાકભાજી સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોક જાગૃતિ કેળવવા મંત્રીઓને અનુરોધ પણ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વર્ષ 2021ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
જેનો મુખ્ય ઉદેશ ફળ અને શાકભાજીના વપરાશથી સ્વાસ્થ્યરક્ષા અને પોષણ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. લોકો ઘર આંગણે તેમજ ખેતરમાં ફળઝાડના વાવેતર માટે પ્રેરાય તે ઉદેશથી રાજ્યપાલે ફળઝાડ અને બાગાયતી વૃક્ષોનાં વાવેતરનું આ અભિયાન શરૂ કર્યુ છે.
આ અભિયાન અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા લીંબુ, આમળા, જામફળ અને સરગવાના 400 રોપા, નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા ચીકું અને કેળાંના 200 રોપા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કેસર આંબાના 100 રોપા, દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા સીતાફળના 100 રોપા, ગોધરા કેન્દ્ર દ્વારા બીલી અને જાંબુના 200 રોપા મળી કુલ 1000 રોપાનું વાવેતર કરવામાં આવ્યુ હતું.