ચાલુ માસમાં કર્મચારી-અધિકારીઓનો પગાર જેમ-તેમ કરી ચૂકવી દેવાશે, જાન્યુઆરીથી પગારના પણ પડશે ફાંફાં: રૂા.2291 કરોડનું અંદાજપત્ર 1150થી 1200 કરોડ વચ્ચે જ હાંફી જશે: સખત નાણાંકીય ભીડના કારણે વિકાસકામો પર સિધી અસર
હાલ રાજકોટ મહાનગરપાલિકા સખત નાણાંકીય ભીડ ભોગવી રહ્યુ છે. આવાસ યોજનાના કોન્ટ્રાક્ટરને 3 મહિનાથી પેમેન્ટ ચૂકવવામાં આવ્યુ ન હોવાના કારણે લગભગ મોટાભાગની સાઇટ પર ધીમે ગતિએ આવાસનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. હવે કોર્પોરેશનની તીજોરી સંપૂર્ણપણે વેન્ટીલેટર પર આવી ગઇ છે. ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં રાખવામાં આવેલો 300 કરોડ રૂપિયાનો જમીન વહેચાણનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તાત્કાલીક અસરથી જમીન વેંચાણની પ્રક્રિયા હાથ ધરવા માટેની કામગીરી કરવા ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ટીપીઓને વિનંતીની ભાષામાં એક પત્ર લખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સખત નાણાંકીય ભીડના કારણે વિકાસ કામો પર સીધી અસર પડી રહી છે. અનેક પ્રોજેક્ટો હજુ સુધી બજેટની ફાઇલમાંથી બહાર નીકળી શક્યા નથી તો શરૂ થયેલા અનેક પ્રોજેક્ટો નાણાંકીય તંગીના કારણે ધીમી ગતિએ આગળ ચાલી રહ્યા છે.
વર્ષ-2021-22નું મહાપાલિકાનું બજેટ રૂા.2291 કરોડનું હતું પરંતુ હાલ તીજોરી સંપૂર્ણપણે વેન્ટીલેટર પર આવી ગઇ છે. જેના કારણે બજેટ 1150થી 1200 કરોડ વચ્ચે જ હાંફી જાય તેવી સંભાવના જણાઇ રહી છે. હાલ તિવ્ર નાણાંકીય કટોકટીના કારણે અલગ-અલગ આવાસ યોજનાના કોન્ટ્રાક્ટરને છેલ્લાં 3 મહિનાથી અંદાજે 35 કરોડ રૂપિયાનું પેમેન્ટ ચુકવવામાં આવ્યું નથી. જેના કારણે કેટલીક સાઇટ પર આવાસના કામો અટકી પડ્યા છે તો કેટલી સાઇટ પર ખૂબ જ ધીમી ગતિએ આવાસનું કામ ચાલી રહ્યું છે. નાણાંકીય ખેંચના કારણે અનેક પ્રોજેક્ટ પર અસર પડી રહી છે. મોટા ઉપાડે જે પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે તે પ્રોજેક્ટ હાલ નાણાંની ખેંચના કારણે ઢીલાઢફ પડી ગયા છે. ચાલુ નાણાંકીય વર્ષ બજેટમાં જમીન વહેંચાણનો રૂા.300 કરોડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસરને એક પત્ર લખવામાં આવ્યો છે કે જેમાં એવી વિનંતી કરવામાં આવી છે કે બજેટમાં જમીન વેંચાણનો જે 300 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તે પૂર્ણ કરવા માટે તાત્કાલીક અસરથી જમીન વેંચાણની પ્રક્રિયા શરૂ કરો. કોર્પોરેશનની પોતિકી કહી શકાય તેવી એકમાત્ર આવક ટેક્સની જ છે. ટેક્સ બ્રાન્ચ રૂા.340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે હજુ 50% પણ આવક થવા પામી નથી. ટેક્સની આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો ન હોય ડિસેમ્બર માસમાં અધિકારી અને કર્મચારીઓને જેમ-તેમ કરી વેતન ચૂકવી દેવામાં આવશે. જો જાન્યુઆરી માસમાં જમીન વહેંચવામાં નહીં આવે તો પગાર કરવાના પણ ફાંફાં પડશે.
ચાલુ વર્ષના બજેટમાં જે મોટા પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવી હતી તે નાણાંકીય ખેંચના કારણે હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. બીજી તરફ જે પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે તેમાં પણ લેઇટ પેમેન્ટના કારણે વિલંબ ઉભો થઇ રહ્યો છે. બજેટનું કદ ભલે ઐતિહાસિક રૂા.2291 કરોડ રહ્યું પરંતુ આ સ્થિતિ જોતા આ વર્ષે બજેટ 1150થી 1200 કરોડ વચ્ચે જ અટકી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્વે ટીપી શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સોના લગડી જેવા 9 પ્લોટ વેંચવા માટે ઇ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ અમુક બિલ્ડરોના કહેવાથી અને રાજકીય ભલામણોના કારણે છેલ્લી ઘડીએ જમીન વેંચાણની પ્રક્રિયા રદ્ કરવામાં આવી હતી અને એવું જાહેર કરવામાં આવ્યું હતું કે દિવાળી પછી જમીન વેંચવામાં આવશે પરંતુ દિવાળી વિત્યાના દોઢ મહિના પછી પણ હજુ સુધી જમીન વેંચાણ માટેની કોઇ જ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. હવે સ્થિતિ એવી આવીને ઉભી છે કે જો જમીન વેંચવામાં નહીં આવે તો જાન્યુઆરી માસથી પગારના ફાંફાં પણ પડી જશે.