રાજકોટ જિલ્લામાં આવેલા 17 વિદેશીઓને કવોરન્ટાઇન કરાયા: તમામના એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટિવ
વિશ્વભરમાં જોવા મળી રહેલા કોરોનાના નવા વેરિયન્ટ એમીક્રોનથી જિલ્લાના નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરીત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પગલે રાજકોટ જિલ્લાના વિવિધ શહેરોમાં વિદેશથી આવેલા કુલ 17 નાગરિકોને કવોરન્ટાઇન કરાયા છે.
આ અંગેની વિગતો આપતાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલ તાલુકાના બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયાથી અને એક વ્યક્તિ નૈરોબીથી આવેલ છે. જામકંડોરણામાં અબુધાબીથી ચાર અને ત્રણ વ્યક્તિઓ યુ.કે.થી આવેલી છે.
ટાન્ઝાનીયાથી બે વ્યક્તિઓ ઉપલેટા અને અમેરિકાથી ત્રણ વ્યક્તિઓ રાજકોટ આવી છે, જ્યારે કેનેડાની એક વ્યક્તિ ધોરાજી અને યુનાઈટેડ આરબ અમિરાતની બે વ્યક્તિઓ જેતપુર આવી છે. વિદેશથી આવેલા આ તમામ 17 નાગરિકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ તથા આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે નેગેટિવ આવ્યા છે. તેમ છતાં સુરક્ષાના કારણોસર આ તમામ નાગરિકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.