રાજકોટ જિલ્લામાં ઇમિટેશન જ્વેલરી, મેડીકલ ડિવાઇસ અને ફૂડ પાર્ક બે વર્ષમાં શરૂ થઇ જશે. રાજ્યમાં નવા મંજુર થયેલા 18 જેટલા ઔદ્યોગીક પાર્કને કાર્યરત કરવાની પ્રક્રિયા તેજ કરાઈ છે.  આગામી જુલાઇ-2025 સુધીમાં તમામ પાર્ક શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં 18 વિવિધ સેક્ટરને લગતા ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવનાર છે. આ ઔદ્યોગિક પાર્ક બનાવવા માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) દ્વારા ઔદ્યોગીક પાર્ક બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રાજ્યમાં નવા મંજુર થયેલા 18 જેટલા ઔદ્યોગીક પાર્કને કાર્યરત કરવાની પ્રક્રિયા તેજ, આગામી જુલાઇ-2025 સુધીમાં તમામ પાર્ક શરૂ કરવાનો લક્ષ્યાંક

ઔદ્યોગીક વિકાસ નિગમના વાઇસ ચેરમેન અને એમ.ડી. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં નવા સ્થપાઇ રહેલા ઔદ્યોગીક પાર્કમાં મૂડી રોકાણ આકર્ષવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રાજકોટમાં ઇમિટેશન જ્વેલરી પાર્ક અને મેડીકલ ડિવાઇસ પાર્ક સ્થપાશે. જ્યારે પોરબંદર તેમજ વલસાડમાં દરીયા કિનારે બે સી-ફૂડ પાર્ક બની રહ્યાં છે. તેવી જ રીતે જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક ઉભો કરવામાં આવશે.

મોરબી, પાનેલી અને સૌરાષ્ટ્રમાં અન્ય વધુ સ્થળોએ સીરામીક પાર્ક, ઉત્તર ગુજરાતના અમીરગઢ અને રાજકોટ પાસેના છાપરામાં ફૂડ પાર્ક બનાવાશે. આદિવાસી જિલ્લાઓમાં અલગ-અલગ આઠ જેટલા પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. અમદાવાદ પાસેના સ્થપાઇ રહ્યો છે.

ઔદ્યોગીક વિકાસ નિગમના વાઇસ ચેરમેન અને એમ.ડી. રાહુલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સનસાઇઝ સેક્ટર તરીકે સેમી સેમિકન્ડક્ટર, સ્પેસ પ્રોડકટ્સ, ઇલેક્ટ્રીક વાહનો-બેટરી, ગ્રીન, હાઇડ્રોજન પ્રોજેકટ્સ સાથે ગિફ્ટ સિટી અને ધોલેરા સિટીમાં અનેક પ્રોજેકટ્સ આવી રહ્યાં છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં જાપાનીઝ કંપનીઓનું મૂડી રોકાણ આવી રહ્યું છે. આવનારા દિવસોમાં 18 જેટલા વિવિધ સેક્ટરોને લગત ઔદ્યોગીક પાર્ક બનાવવા કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. આ તમામ પાર્ક જુલાઇ-2025 સુધીમાં કાર્યરત થાય તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સરકારે જે 18 ઔદ્યોગિક પાર્કને મંજૂરી આપી છે. તે તમામ પાર્ક સ્થાનિક કક્ષાએ ખૂબ મહત્વ ધરાવે છે. ગુજરાત દેશના અર્થતંત્રમાં જે મહત્વનું યોગદાન આપે છે તેમાં આ સ્થાનિક ઉદ્યોગો મહત્વની ભૂમિકા ભજવે છે. હવે આવા ઉદ્યોગો માટે ખાસ પાર્ક સાથે અનેક સુવિધાઓ જે તે વિસ્તારમાં જ ઉપલબ્ધ કરવામાં આવતા ગુજરાત આગામી સમયમાં ઉદ્યોગ ક્ષેત્રે વધુ મજબૂતાઈથી આગળ વધશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

બીજી તરફ મળતી માહિતી મુજબ રાજકોટમાં ઇમિટેશન અને જવેલરી પાર્ક જે જગ્યાએ બનવાનો હતો. તે જગ્યાએ ઈટોના ભઠ્ઠાનું દબાણ હતું. જ્યાં જે તે સમયે ડીમોલેશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. પણ મિનિટો પૂર્વે જ અહીં ડીમોલેશન ઉપર તંત્રએ રોક લગાવી અરજદારોને સાંભળવાનો નિર્ણય લીધો હતો. તેવામાં થોડા દિવસો વીતી જતા આ મામલો હાઈકોર્ટમાં પહોચ્યો હતો. એટલે હવે ઇમિટેશન અને જવેલરી પાર્કને અગાઉ કરતા ઓછી જમીન મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.