- વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દુશ્મનાવટ થાય તેવા વીડિયો વાયરલ કરનાર લેભાગુઓનું પોલીસ દ્વારા શોધખોળ
- પોરબંદર ‘અબતક’ દૈનિક અને ચેનલના પ્રતિનિધિ અશોક થાનકીએ કમલા બાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી
- ફેસબુક પેજ પર ન્યુઝ પોર્ટલ ચલાવી તંત્રને ગુમરાહ કરતા શખ્સો સામે તવાઇ
વિધાનસભાની ચૂંટણી દરમિયાન બિલાડીના ટોપની જેમ ફુટી નીકળતા સોશ્યલ મિડીયાના માધ્યમથી કેટલાક લેભાગુ શખ્સો દ્વારા તંત્રને ગુમરાહ કરતા હોય છે. અને સમાજમાં વર્ગ વિગ્રહ અને દુશ્મનાવટ પેદા થયા તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવતી હોય છે.
આવી જ એક ઘટના પોરબંદરમાં બની છે. ‘અબતક’ દૈનિક અને ‘અબતક’ ચેનલના ભળતા નામે કેટલાક લુખ્ખાઓ દ્વારા પોસ્ટ વાયરલ કર્યાનું ધ્યાને આવતા આવા લુખ્ખા અને લેભાગુઓને કાયદાનો પાઠ ભણાવવા ‘અબતક’ મિડીયા હાઉસ દ્વારા પોરબંદર કમલા બાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સમાજને ગુમરાહ કરવા નીકળી પડેલા લેભાગુઓની શોધખોળ હાથધરી છે.
સમાજમાં વર્ગ વિગ્રહ થાય તેવું જાણતા હોવા છતાં અને વિધાનસભાની ચૂંટણી ટાણે કોઇનો હાથો બની ‘અબતક’ના ભળતા નામે પોસ્ટ વાયરલ કરવામાં આવી હોવાથી ‘અબતક’ મિડીયા હાઉસ દ્વારા આવી બાબતને ગંભીરતાથી લઇ લેભાગુ શખ્સનો ખુલ્લા પાડવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અને વાડી પ્લોટ જીટીપીલ હાઉસ ખાતે ‘અબતક’ની ઓફિસ ધરાવતા ‘અબતક’ના પ્રતિનિધિ અશોકભાઇ છોટાવાવ થાનકીએ પોરબંદર અબતકના ફેસબુક પેજના નામે પોસ્ટ વાયરલ કરનાર શખ્સ સામે આઇપીસી કલમ 505(2) મુજબ ફરિયાદ નોંધાવતા કમલા બાગ પોલીસ મથકના પીએસઆઇ કે.સી.રાણા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
‘અબતક’ના ભળતા નામે વાયરલ કરાયેલી પોસ્ટમાં ભાજપના પ્રચારને જાકારો, પોરબંદરના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરી ગેરદોરી મતદારને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યાનું ‘અબતક’ પોરબંદરના અશોકભાઇ થાનકી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે.
‘અબતક’ના ભળતા નામે પોસ્ટ વાયરલ કરવા ‘અબતક’ ફેકબુક પેજનો દુર ઉપયોગ કરી ખોટા ન્યુઝ પ્રસિધ્ધ કરનાર શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ હાથધરવામાં આવી છે.