ડો.ચેતન લાલસેતાની આગેવાનીમાં ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું: ઘટનાનાં વિરોધમાં રક્તદાન કેમ્પ યોજાયો
કલકતામાં ડો.પી.મુખરજી પર થયેલ ગંભીર હુમલાના સમગ્ર દેશની તબીબી આલમમાં ઘેરા પડઘા પડયા છે, ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા દેશભરમાં આ હુમલાના વિરોધમાં અલગ પ્રકારે આંદોલન કરવામાં આવ્યું છે. તબીબોએ પોતાની સેવા ચાલુ રાખી સરકારી મેડિકલ કોલેજમાં રક્તદાન કરી તબીબ પર થયેલા હુમલા સામે વિરોધ નોંધાવ્યો છે અને રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન આપી હુમલાખોરો સામે કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. એમ ઈન્ડિયન મેડિકલ એસો.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડયા અને રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડો.ચેતન લાલસેતાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
ઈન્ડિયન મેડિકલ એસો.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડયાએ જણાવ્યું હતું કે, લોકોની સેવા માટે સતત પ્રયત્નશીલ એવા તબીબો પર હુમલા વધતા જાય છે એ સમાજ માટે ચિંતાનો વિષય છે. તબીબોને રક્ષણ મળે એ માટે દેશભરમાં કડક કાયદો બનાવવાની જરૂરીયાત પર ભાર મુકતાં તેમણે જણાવ્યું હતું કે, અમે ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ આ બાબતે રજુઆત કરીએ છીએ હવે સરકાર તબીબોના રક્ષણ માટે ખાસ રાષ્ટ્રીય કક્ષાએ કાનૂન બનાવે એવી તબીબોની માંગણી છે.
ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના પ્રમુખ જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો.ચેતન લાલસેતાએ જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત પર વાયુનો ભવ છે ત્યારે અમે તબીબોએ ફકત કાળી પટ્ટી પહેરી કલેકટરને આવેદન પત્ર આપી અમારા તબીબ પર થયેલા હુમલાનો વિરોધ નોંધાવ્યો છે. તેમજ રાજકોટના તબીબોએ નવતર આંદોલન દ્વારા વિરોધ સાથે માનવતાની જયોત જલાવી છે. આજે રક્તદાન દિવસ છે ત્યારે અમે તબીબોએ તબીબ પરના હુમલાના વિરોધમાં સામૂહિક રક્તદાન કરી સમાજ સેવા સાથે અસામાજીક તત્ત્વો સામે વિરોધ નોંધાવ્યો છે.
આ તકે ડો.અમીત હપાણી, ડો.હિરેન કોઠારી, ડો.ભાવેશ સચદે, ડો.મયંક ઠક્કર, ડો.યજ્ઞેશ પોપટ, ડો.પારસ ડી.શાહ, ડો.પિયુષ ઉનડકટ, ડો.ભાવિન કોઠારી, ડો.જય ધીરવાણી, ડો.રૂકેશ ઘોડાસરા, ડો.વિમલ સરડવા, ડો.અતુલ રાયચુરા, વુમન્સ ડોકટર વિંગના પ્રમુખ ડો.સ્વાતિબેન પોપટ, સ્ટુડન્ટ વિંગના પાર્શ્ર્વ શાહ, દિક્ષીત પટેલ, યાત્રીક વસાવડા, હેત્વી વાઘેલા, સપના શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.