પ્રમુખ ડો. ચેતન લાલસેતા તથા સેક્રેટરી ડો. તેજસ કરમટા સહિત ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટની નવી ટીમની શપથવિધિ યોજાઈ; તજજ્ઞો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ સેમિનારો તથા વ્યસન મુકિત અભિયાન હાથ ધરાશે; તબીબો માટે જ્ઞાનવર્ધક સેમીનારો યોજાશે
શહેરમાં સતત વધતા જતા ટ્રાફીક અને તેના કારણે થતા રોડ અકસ્માતોમાં અનેક લોકોના મોત થતા હોય છે. તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય આ બાબતે સમાજમાં જાગૃતિ આવે અને લોકોમાં ટ્રાફીક અવેરનેસ વધે, અકસ્માત ઘટે એ માટે આ વર્ષે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન રાજકોટની ટીમ કાર્યરત રહેશે. એમ.આઈ.એમ.એ. રાજકોટના નવા વરાયેલા પ્રમુખ જાણીતા સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતાએ જણાવ્યું છે. તેમણે તબીબોનાં જ્ઞાનમાં વૃધ્ધિ સાથે સમાજમાં ટ્રાફીક પ્રત્યે જાગૃત્તિ લાવવાના તથા વ્યસન મૂકત સમાજની રચના કરવાના આઈ.એમ.એ.ના પ્રયાસોમાં રાજકોટ આઈ.એમ.એ.ની. ટીમ સંપૂર્ણ સહકાર આપશે એમ જણાવી રાજકોટના તબીબી વર્તુળને સમાજ ઉપયોગી યજ્ઞમાં જોડાવા અપીલ કરી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષનાં પ્રમુખ તરીકે રાજકોટના જાણીતા સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતા અને સેક્રેટરી તરીકે ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. તેજસ કરમટાની વરણી કરવામાં આવી છે. ડો. લાલસેતાએ પ્રમુખપદના શપથ લેતા રાજકોટની તબીબી આલમને સમાજ માયે સમય દાન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, એક અભ્યાસ મુજબ આજકાલ વાહનોની સંખ્યા ખૂબ વધી છે. સામે સમાજમાં ટ્રાફીક વિશે જાગૃતિનો અભાવ જોવા મળે છે. જેના કારણે શહેરમાં તથા હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધ્યું છે.
રાજકોટ પોલીસ વિભાગ તથા સામાજીક સંસ્થાઓ, કોલેજોનાં સહયોગથી આઈ.એમ.એ. દ્વારા દર મહિને અલગ અલગ કોલેજમાં ટ્રાફીક અવેરનેસ વિશેના ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવશે. દોઢ કલાકના આ સેમીનારમાં નિષ્ણાત તબીબો દ્વારા અકસ્માત સમયે ઈમરજન્સી સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. અકસ્માતમાં હેડ ઈન્જરી કેવા ગંભીર પરિણામ લાવી શકે એ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. તથા આવા સમયે લોકોએ શું કરવું, પ્રાથમિક સારવાર કઈ રીતે કરવી વગેરે અંગે સમજાવવામાં આવશે. સેમીનારમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફીકના નિયમો, કાયદો અને તેનો અમલ વગેરે અંગે માહિતગાર કરવામાં આવશે. આઈ.એમ.એ. રાજકોટના નવા વરાયેલા યુવા સેક્રેટરી ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. તેસ કરમટાએ જણાવ્યું છે કે, સમાજમાં વ્યસન વધ્યા છે. તમાકુ-દા‚-ડ્રગ્સ જેવા વ્યસનોના કારણે લોકો અનેક ગંભીર બિમારીનો ભોગ બનતા હોય છે. આઈ.એમ.એ. દ્વારા આ વર્ષે વિવિધ સંસ્થાઓનાં સહયોગથી વ્યસન મૂકત સમાજની રચના માટે અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં દર બે મહિને અલગ અલગ કોલેજો તથા સ્લમ વિસ્તારોમાં સેમીનાર, રેલી વગેરે દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસો કરવામાં આવશે.
આ ઉપરાંત હૃદય રોગના હુમલા આવવો કે હૃદયબંધ પડી જાય એવા કિસ્સામાં જે તે વખતે દર્દીની નજીક રહેલા સામાન્ય વ્યકિત તેની પ્રાથમિક સારવાર કરી શકે એ માટે સી.પી.આર. (કાર્ડિયો પલ્મનરી રીરસીટેશન) વિશે લોકોને તાલીમ આપવામાં આવશે. હૃદય રોગના હુમલા વખતે તાત્કાલીક સારવાર કઈ રીતે અને શું કરી શકાય એ વિષે લાઈવ પ્રેઝન્ટેશન તથા વિડિયો દ્વારા યુવાનો તથા સમાજના વિવિધ વર્ગના લોકોને તાલીમ આપવામાં આવશે. આઈ.એમ.એ. દ્વારા તબીબો માટે વિવિધ એકેડેમીક કાર્યક્રમો, સેમીનાર સહિત દર વર્ષે થતી તમામ પ્રવૃત્તિ કરવામાં આવશે. સ્વસ્થ સમાજની રચના થાય તે માટે તબીબોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.