હું નથી ધનિક કે નથી પ્રસિદ્ધ. હું માત્ર સામાન્ય માણસ છું તેવું એક મુલાકાત દરમિયાન રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું હતું. અનિલ અંબાણી વીતેલા વર્ષમાં મજબૂત ઉદ્યોગપતિ તરીકે ઊભરી આવ્યા હતા, જેમાં તેઓ ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સની માલિકી બચાવી શક્યા, પણ વાયરલેસ બિઝનેસ વેચવો પડ્યો. એક દાયકામાં પ્રથમવાર આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોની માનહાનિ બાદ 2017ના અંતમાં આવેલા 2જી કેસના ચુકાદાથી રાહત મળી. આ મુલાકાતમાં તેમણે પોતાના સાચા મિત્રો કોણ છે તે અંગે પણ ખુલાસો કર્યો હતો.
ગણ્યાગાંઠ્યા લોકો મારી સાથે ઊભા રહ્યા હતા. મુશ્કેલીમાં સમયે લોકો તમારા ફોનનો જવાબ ન આપે. તમારી સાથે વાત ન કરે અને જોડે ઊભા રહેવાનું પસંદ ન કરે. આવા સમયે તમને અનુભૂતિ થાય કે તમારી સાથે કોણ છે અને કોણ ખોટાં બહાનાં કરે છે. આરકોમના યુનિટ રિલાયન્સ ટેલિકોમ, તેના ત્રણ એક્ઝિક્યુટિવ્સ સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા 2જી ચુકાદા અંગે તેમણે જણાવ્યું હતું કે, સત્ય સર્વોપરી છે. તમારે ધનિક અને પ્રસિદ્ધ હોવાની કિંમત ચૂકવવી પડી છે એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, હું નથી ધનિક કે નથી પ્રસિદ્ધ. હું માત્ર સામાન્ય માણસ છું.