જેમ માણસને કેન્સર થાય તેમ પ્રાણીઓમાં પણ કેન્સરનિ બીમારી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં આસલપુર ખાતે એક બળદ, કે જેને છેલ્લા છ મહિનાથી એક શિંગડામાં કેન્સર હતું. કેન્સરને કારણે શીંગડામાં બળદને પીડા થતી હોવાનું જાણવા મળતા તેની સર્જરી કરવામાં આવી છે. જે સફળ રહી છે.
અબોલ પશુઓની સ્થળ પર જ સારવાર અર્થે કાર્યરત ૧૯૬૨ મોબાઈલ પશુ દવાખાના સેવા દ્વારા સફળ ઓપરેશન કરી સેવા કરવામાં આવી છે. પ્રોજેક્ટ કોઓર્ડીનેટર રમેશભાઈ સોયાના જણાવ્યા અનુસાર બળદના શિંગડામાં જીવાત પડી હતી અને લોહી વહેતુ હતું ત્યારે બળદના માલિક દીપસંગભાઈ દ્વારા ૧૯૬૨- મોબાઈલ પશુ દવાખાનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ટીમના ડો. સંજય યાદવ, ડો.જીજ્ઞેશ ધાધલ અને પાયલોટ દેવરાજભાઈ રબારી તેમજ હિતેશભાઈ રબારી દ્વારા સ્થળ પર જ ઓપેરશન કરીને બળદનો જીવ બચાવામાં આવ્યો છે. આ સેવાનો ઉપયોગ પશુઓને થતા રોગોના ઈલાજ માટે તેમજ કટોકટીના સમયમાં પણ ૧૯૬૨ નંબર ડાયલ કરવાથી સરકારે નિયત કરેલા ગામડાઓમાં તાત્કાલિક સારવાર મળી રહેશે તેમ પ્રોજેક્ટ કોઓર્ડીનેટરએ જણાવ્યું છે.