હાથીના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા….
ક્રાઇમ બ્રાંચે 14 કિલોના વજનનો હાથી દાંત જપ્ત કર્યો: વિરપન્ન ગેંગ કનેક્શન અંગે તપાસનો ધમધમાટ
અમદાવાદ ક્રાઇમબ્રાંચે હાથી દાંતની તસ્કરીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને 14 કિલો વજન ધરાવતો હાથી દાંત જપ્ત કર્યો છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી તામિલનાડુના સેલમમાં વિરપન્નના માણસોના સંપર્કમાં હોવાનું કહીને ત્યાંથી હાથી દાંત મંગાવી આપતો હોવાનો દાવો કરતો હતો. આ અંગે ક્રાઇમબ્રાંચે તમામ આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરીને સમગ્ર કૌભાંડ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફ શનિવારે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે બોડકદેવ સરદાર પેટેલ પંપ પાસે આવેલા કસ્તુરી કોમ્પ્લેક્ષમાં રહેતો પ્રકાશ કાકલિયા (જૈન) ઇદગાહ સીટી સેન્ટર ખાતે વેપારની આડમાં હાથી દાંતની તસ્કરીને સપ્લાય કરવાનું કામ કરે છે. જે બાબતને ગંભીરતાથી લઇને ક્રાઇમબ્રાંચે ડમી ગ્રાહક મોકલ્યો હતો. પરંતુ, પહેલા પ્રકાશ જૈને હાથી દાંતના ગેરકાયદેસર વેચાણ અંગેની વાતને નકારી હતી. પરંતુ ડમી ગ્રાહકે હાથી દાંતની ખરીદી લાખો રૂપિયા આપીને પણ ખરીદવાનું કહેતા પ્રકાશ જૈને છેવટે તેના પર વિશ્વાસ કરીને 35 લાખમાં હાથી દાંત આપવાની વાત કરી હતી.
જે બાદ હાથી દાંત બતાવવા માટે તૈયાર થયો હતો અને ડમી ગ્રાહકને કારમાં જુહાપુરા અંબર ટાવરથી ફતેવાડી ઇકબાલ ફાર્મ સામે આવેલા ગુલરેઝ-રો હાઉસ પર લઇ ગયો હતો. જ્યાં એક મહિલા સહિત અન્ય બે વ્યક્તિ હાજર હતા અને તેમણે સફેદ કપડામાં વીંટાળેલો હાથી દાંત બતાવ્યો હતો. જેના આધારે ડમી ગ્રાહકે ક્રાઇમબ્રાંચના સ્ટાફને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો.પ્રકાશ જૈન ઉપરાત અન્ય પુછપરછમાં અન્ય લોકોના નામ દાઉદ અબ્દુલ ખોખર (રહે.નુર ફ્લેટ, કેનાલ રોડ, ફતેવાડી), રાબિયા દાઉદ ખોખર અને અનિસ ખોખર (રહે.ગુલરેઝ-રો હાઉસ, ફતેવાડી) હોવાનું જાણવા મળ્યું હતું. હાથી દાંતનો વજન 14 કિલો જેટલો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા સુધી પહોંચે છે.
આ હાથી દાંત એક મહિના પહેલા અબ્દુલ કબરાણી અને તેનો પુત્ર શેહબાઝ (બંને રહે. સુપાસી ગામ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ) અનિસના ઘરે મુકી ગયા હતા અને મુખ્ય આરોપી પ્રકાશ જૈન તેનો સોદો કરતો હતો. પ્રકાશ જૈને પ્રાથમિક તપાસમાં કબુલ્યું હતું કે તે વર્ષ 1992થી 2006 દરમિયાન તામિલનાડુના સેલમ વિસ્તારમાં રહેતો હતો.જ્યાંથી ચંદન ચોર વિરપન્નના ગામ કોલતુર ખાતે અવાર-નવાર આવતો જતો હતો. તે દાવો કરતો હતો કે વિરપન્નના માણસો સાથે આજે પણ સંપર્કમાં છે અને ડિમાન્ડ મુજબ હાથી દાંત મંગાવી આપશે. આ હાથી દાંતના સેમ્પલને તપાસ માટે દહેરાદુન એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે પ્રકાશ જૈન સહિત ચારેય આરોપીઓને ઝડપીને કોર્ટમાં રજૂ કરતા તમામના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસની તપાસમાં દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા ક્રાઇમબ્રાંચે વ્યક્ત કરી છે.