- ત્રણ’દી પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં
- 33 ગેસના બાટલા, ટેન્કર, બોલરો, રીક્ષા સહિત અડધા કરોડનો મુદ્દામાલ કબ્જે
ત્રણ દિવસ પહેલા પડધરી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગેરકાયદે ચાલતા ગેસ રીફલિંગના પ્લાન્ટ પર તવાઈ બોલાવી હતી. જેમાં ડીજીપીએ આકરા પગલાં લઈ પીએસઆઈ સહિતનાને સસ્પેન્ડ કરવાના ઓર્ડર આપ્યા હતા. ત્રણ દિવસ બાદ જ તુરંત સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને વધુ એક ગેરકાયદે ગેસ પ્લાન્ટ પર દરોડા પાડી અડધા કરોડના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો.
જ્યારે એક ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી ગામ પાસે હાઇવે પર આવેલા સમરાથલ રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડમાં અમુક શખ્સો દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગ ચાલતું હોવાની બાતમીના આધારે પડધરી પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસને જોતા જ આરોપીઓમાં નાસભાગ મચી ગઇ હતી. ગેસ રીફિલિંગ જાહેર સ્થળો પર ખૂબ ખતરનાક હોય છતાં પણ જાહેરમાં રિફિલીંગ કરતા સુનીલકુમાર ધનારામ બિશનોઈને દબોચી લીધો હતો. જ્યારે વિનોદકુમાર ગોપાલલાલ ખટિક નામનો શખ્સ ભાગવામાં સફળ રહ્યો હતો.
બે દિવસ પહેલા મોડી રાત્રે પડધરી પોલીસના પીએસઆઇ આર.જે. ગોહેલ અને યુવરાજસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી ટેન્કર, રીક્ષા, ગેસના 33 બાટલા, બોલરો અને રોકડ મળી કુલ રૂ.49,45,437નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
ત્યારે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ પડધરી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગેરકાયદે ચાલતા ગેસ રીફલિંગ પર તવાઈ બોલાવી હતી. જેના પગલે સ્થાનિક પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને મોડી રાત્રે પણ ગેસના ગોરખ ધંધા પર કાર્યવાહી કરી હતી.