બે વેપારીની ૩૫ નંગ બાટલા સાથે અટકાયત
, જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી એસ.ઓ.જી. ની ટુકડીએ ગેરકાયદે રાંધણગેસના બાટલામાંથી ગેસ રીફિલિંગનું કારસ્તાન પકડી પડ્યા પછી ગઈકાલે પંચકોસી બી. ડિવિઝન પોલિસે દરેડ વિસ્તારમાં વધુ બે સ્થળેથી પણ ગેસ રીફીલિંગ નેટવર્ક પકડી પાડ્યું છે, અને જામનગર અને મસીતીયાના બે વેપારીની ૩૫ નંગ ખાલી- ભરેલા બાટલા તથા તેને લગતી સામગ્રી સાથે અટકાયત કરી છે.
સ્થાનિક પોલીસે પાડેલા દરોડા ની વિગતો મુજબ જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં રહેતો જયપાલ હમીરભાઇ ભાટુ નામનો ૨૨ વર્ષનો વેપારી કે જે દરેડ વિસ્તારમાં એપલ કારખાના ની પાછળ ક્રિષ્ના આરો પ્લાન્ટ વાળી જગ્યામાં ગેરકાયદે રીતે ગેસ રીફીલીંગ નું નેટવર્ક ચલાવે છે,તે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન ઉપરોક્ત સ્થળેથી ગેસ રિફીલિંગ કરવા માટે રાખવામાં આવેલા નાના મોટા ૨૪ નંગ બાટલાઓ’ ઉપરાંત પ્લાસ્ટિકની પાઇપલાઇન, ગેસના બાટલા ના રેગ્યુલેટર, લોખંડની નોઝલ તથા ઇલેક્ટ્રીક વજન કાંટો સહિતની સામગ્રી મળી આવી હતી.
પોલીસે કુલ ૫૪,૪૦૦ ની માલમતા કબજે કરી લઇ જામનગરના વેપારી જયપાલ હમીરભાઈ ભાટુની વિશેષ પૂછ પરછ હાથ ધરી છે.
આવો જ બીજો દરોડો દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક પ્રોવિઝન સ્ટોરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં તપાસણી કરતાં મસિતિયા ગામના શબ્બીર બોદુભાઈ ખીરા નામના વેપારી દ્વારા પણ ગેરકાયદે ગેસ રીફીલીંગનું કારસ્તાન ચલાવવામાં આવી રહયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને તેને ત્યાંથી પોલીસે નાના મોટા ખાલી અને ભરેલા બાટલા તથા પ્લાસ્ટિકની પાઇપલાઇન, રેગ્યુલેટર, ઇલેક્ટ્રીક વજન કાંટો સહિત રૂપિયા ૧૬,૮૦૦ ની માલસામગ્રી કબજે કરી છે.
સાગર સંઘાણી