પાર્કિંગની જગ્યા દબાવી આધાર કાર્ડ કેન્દ્રના વિસ્તરણની કરાતી કામગીરી: બાંધકામ શાખા દ્વારા ટીપી શાખામાં રિનોવેશન પ્લાન પણ ઇન્વર્ડ ન કરાયાનો ઘટસ્ફોટ
પદાધિકારીઓ અને અધિકારીઓની આંખ નીચે જ નિયમનો ભંગ: ટીપી શાખા પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં
સામાન્ય નાગરિક પોતાના મકાન કે દુકાનમાં સામાન્ય ફેરફાર કરે તો પણ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામ અંગેની નોટિસો ફટકારવામાં આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી ખૂદ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ ચાલી રહ્યો છે. જીડીસીઆરના નિયમનો ઉલાળીયો કરી આધાર કાર્ડ કેન્દ્રનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. આ માટે રિનોવેશન પ્લાન પણ ઇન્વર્ડ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરના ઢેબર રોડ પર બસ સ્ટેશનની બાજુમાં આવેલી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં સિવિક સેન્ટરની સામેના ભાગે આવેલા આધાર કાર્ડ કેન્દ્રનું રિનોવેશન અને વિસ્તરણની કામગીરી છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહી છે. જેમાં જીડીસીઆરના નિયમોનો ઉલાળીયો કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખૂદ બાંધકામ શાખા દ્વારા જ કોર્પોરેશન કચેરીના પટાંગણમાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. મેયર અને કમિશનરની આંખ નીચે ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું છે. બીજી તરફ ટીપી શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર આધાર કાર્ડ કેન્દ્રના રિનોવેશન માટેનો કોઇ બાંધકામ પ્લાન ઇન્વર્ડ કરવામાં આવ્યો ન હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. જ્યારે બાંધકામ શાખાના વોર્ડના ડેપ્યૂટી ઇજનેર પટાલીયા એવું જણાવી રહ્યા છે કે હયાત બાંધકામમાં ફેરફાર કરતા હોવાના કારણે પ્લાન મૂકવાની કોઇ જરૂરિયાત રહેતી નથી.
વાસ્તવ આધાર કાર્ડ કેન્દ્રનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે પાર્કિંગની જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આમ પણ સેન્ટ્રલ ઝોન કચેરીમાં અરજદારોની અવર-જવર ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોવાના કારણે વર્કિંગ અવર્સ દરમિયાન પાર્કિંગ હમેંશા ફૂલ હોય છે. ત્યારે બીજી તરફ પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યું છે. જીડીસીઆરના નિયમ મુજબ પાર્કિંગની જગ્યામાં ક્યારેય બાંધકામ કરી શકાય નહિં. પરંતુ ખૂદ કોર્પોરેશનનું તંત્ર નિયમોનો ભંગ કરી રહ્યું છે. આધાર કાર્ડ કેન્દ્રના વિસ્તરણનો નિર્ણય ખરેખર ખૂબ સારો છે. તેનાથી લોકોની હાલાકી પણ ઓછી થશે. જો કે, નિયમનો ભંગ કરી કોઇપણ સારૂં કામ પણ પ્રશંસાને પાત્ર રહેતું નથી. જો કોઇ સામાન્ય નાગરિક પોતાના હયાત બાંધકામમાં નાનો-સુનો પણ ફેરફાર કરવા માંગતો હોય તો તેને ફરજીયાતપણે રિનોવેશન પ્લાન મૂકવો પડે છે. જો તે આવું ન કરે તો ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ ફટકારી કામ અટકાવી દેવામાં આવે છે. તંત્રની બેવડી નીતી ચાલી રહી છે. પદાધિકારીઓ અને અધિકારીઓ જ્યાં બેસે છે ત્યાં કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં છેલ્લા એક મહિનાથી પાર્કિંગની જગ્યામાં જીડીસીઆરના નિયમનો ઉલાળીયો કરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. છતાં ટીપી શાખા ધૃતરાષ્ટ્ર બની તમાસો જોઇ રહી છે.
જો આધાર કાર્ડ કેન્દ્રના રિનોવેશન માટે વધારાની જગ્યાની જરૂરિયાત હતી તો ખરેખર અલગ-અલગ યુનિયનોને ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસો ફાળવવામાં આવી છે. તે જગ્યા હસ્તગત કરી લેવાની જરૂરિયાત હતી અને યુનિયનને કચેરી બનાવવા માટે અન્ય સ્થળે જગ્યા ફાળવી દેવાની આવશ્યકતા હતી પરંતુ આવું કરવાના બદલે અધિકારીઓએ જ નિયમોનો ભંગ કર્યો છે. પાર્કિંગની જગ્યાની આમ પણ અછત છે. આવામાં પાર્કિંગ માટે જગ્યા વધારાવાના બદલે હયાત જગ્યા પર પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પદાધિકારીઓ અને અધિકારીઓની આંખ નીચે જ નિયમનો ભંગ થઇ રહ્યો છે. છતાં તમામ હોતા હૈ ચલતા હૈ ની નીતી અખત્યાર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.