રાજ્યના 4 મહાનગરોમાં સૌથી વધુ ધમધમી રહ્યા છે મોબાઈલ સિગ્નલ બુસ્ટર
ટેલિકોમ કંપનીઓના મોબાઈલ નેટવર્ક સચોટ અને ગુણવતાયુક્ત નહીં મળતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે ત્યારે આ સમસ્યાનો નિવેડો ટેલિકોમ કંપની દ્વારા ન કરવામાં આવે ત્યારે લોકો પોતે જ નિરાકરણ શોધી લેતા હોય છે જેના પરિણામે રાજ્યમાં ગેરકાયદે મોબાઈલ સિગ્નલ બુસ્ટર ધમધમી રહયાના અહેવાલ મળી રહ્યા છે.
રાજ્યમાં સુરત શહેરમાં ગેરકાયદે મોબાઇલ સિગ્નલ બૂસ્ટરનો સૌથી વધુ ઉપયોગ નોંધાયો છે. ટેલિકોમ વિભાગ (ડીઓટી)ના અધિકારીઓની એક ટીમે ચાર મોબાઈલ સેવા પ્રદાતાઓના પ્રતિનિધિઓ સાથે મળીને સુરત શહેરમાં 300 કિલોમીટરની મોબાઈલ ડ્રાઈવ ટેસ્ટ હાથ ધરી હતી. તેઓને 75 મોબાઈલ સિગ્નલ બુસ્ટર મુખ્યત્વે શહેરના રીંગ રોડ પર આવેલા ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાંથી મળી આવ્યા હતા.
મોબાઇલ સિગ્નલ બૂસ્ટર અથવા રીપીટર એ એક પ્રકારનું એમ્પ્લીફાયર છે, જે દેખીતી રીતે સેલફોન સિગ્નલ રિસેપ્શનને સુધારવા માટે વપરાય છે. જો કે, તેનો અનધિકૃત ઉપયોગ આવી સેવાઓની ગુણવત્તા અને કવરેજને જોખમમાં નાખીને અન્ય ટેલિકોમ સેવા પ્રોવિડેરસ (ટીએસપી)ની ટેલિકોમ્યુનિકેશન સેવાઓમાં પ્રતિકૂળ દખલ અથવા વિક્ષેપ પાડી શકે છે.
ડીઓટી ટીમના પરીક્ષણો પરથી જાણવા મળ્યું છે કે, સુરતના કેટલાક વિસ્તારો માટે કોલ-રિસીવ ક્વોલિટીના પરિમાણ, જે 4જી નેટવર્ક્સ માટે સિગ્નલ ટુ નોઈઝ રેશિયોની દ્રષ્ટિએ માપવામાં આવે છે, તે ચાર ટીએસપી ધોરણોને પૂર્ણ કરતા નથી.
સિગ્નલ ટુ નોઈઝ રેશિયો કોલ દરમિયાન વોઇસ ક્વોલિટી સૂચવે છે, જે માટેનો બેન્ચમાર્ક 95% કરતાં વધુ છે. જો કે, ડીઓટી ટીમના પરીક્ષણો દરમિયાનસિગ્નલ ટુ નોઈઝ રેશિયો 71.6% થી 93.4% સુધીનો હતો અને કોઈ પણ વોઇસ ગુણવત્તાના જરૂરી ધોરણને પૂર્ણ કરતું નથી.
સુમિત મિશ્રા (ડાયરેક્ટર ડીઓટી, ગુજરાત)એ જણાવ્યું હતું કે, તમામ ચારેય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને રિસીવ ક્વોલિટી સુધારવા અને સુધારાત્મક પગલાં લઈને ઓળખાયેલા વિસ્તારોમાં અન્ય કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ સુધારવા માટે સમય-બાઉન્ડ એક્શન પ્લાન સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ટેસ્ટ રૂટમાં ઓફિસો, વ્યાપારી વિસ્તારો, વ્યાપાર કેન્દ્રો, પ્રવાસી આકર્ષણો, મુખ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગો, હોસ્પિટલો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ વગેરે જેવા લગભગ તમામ ભારે ઉપયોગ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર સિગ્નલ બૂસ્ટર્સ વિશે પૂછવામાં આવતા મિશ્રાએ જણાવ્યું હતું કે તેઓએ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સર્વેલન્સ ચલાવ્યું હતું જેમાં સિગ્નલ બૂસ્ટર નગણ્ય છે.