ગોંડલ શહેર પંથકમાં 30થી પણ વધારે બાયોડીઝલના પમ્પ તંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યા છે ત્યારે આ વેપલાની ગંધ ગાંધીનગર સુધી પહોંચતા એટીએસની ટીમ દ્વારા દરોડા કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પહેલાં સ્થાનિક પોલીસે ત્રણ જગ્યાએ દરોડા પાડી કાયઁવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઔદ્યોગિક વસાહત જામવાળી જીઆઇડીસી પાસે આવેલ કનૈયા હોટલ ની પાછળ ભરત વ્યાસ અને ભાવેશભાઈ તેમજ રેતી ચોકમાં હુસેનભાઈ નામના વ્યક્તિઓના બાયોડિઝલ ના પંપ ઉપર સીટી પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ બી.એલ.ઝાલા, પીએસઆઇ ગોલવેકર, પીએસઆઇ ડી.પી. ઝાલા સહિતનાઓએ દરોડો પાડતા બાયોડિઝલનો મોટો જથ્થો મળી આવતા પુરવઠા અધિકારીઓને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
કનૈયા હોટલ પાછળ બાયોડીઝલ પંપ ચલાવતો ભરત વ્યાસ પહેલા કેરોસીનનો ધંધો કરતો હતો પણ ટૂંકા ગાળામાં “પ્રગતિ “કરી બાયોડિઝલનો વેપલો કરતો થઈ ગયો હતો, ડીઝલ અને બાયોડીઝલ વચ્ચે હંમેશા 28 થી 30 રૂપિયાનો ભાવ ફેર રહેતો હોય મોટાભાગના ટ્રાવેલ્સ અને ટ્રક છેલ્લા ઘણા વર્ષોથી બાયોડિઝલ નો ઉપયોગ કરતા થઈ ગયા હતા જે માટે ગોંડલ મુખ્ય હબ બની ગયું હતું નેશનલ હાઈવે થી લઈ ગોંડલ પંથકમાં 30 થી પણ વધારે બેરોકટોક બાયોડીઝલના પમ્પ ધમધમી રહ્યા છે જેમાં કેટલાક મોટા માથાઓ પણ સંડોવાયેલા હોય, આ કાળો કારોબાર અવિરત રહેવા પામ્યો છે, ત્યારે બાયોડીઝલના ધૂમ વેચાણ નો રેલો છેક ગાંધીનગર પહોંચ્યો હોય માહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ ગાંધીનગરથી બાયોડીઝલ ના વેપલા અંગે ઓપરેશન હાથ ધરવા એટીએસની ટીમ રાજકોટ જિલ્લા ને ઘમરોળ નાર છે, દરોડા અંગેની ગંધ બાયોડીઝલ ના ધંધાર્થીઓએ થતા ટેલીફોનના દોરડા ઘુમવા લાગ્યા હતા પરંતુ કોઈ અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી જેમાં આગામી સમયમાં મોટા કડાકા ભડાકા થવાની સંભાવના છે.