પક્ષ પલટાની વાત વાયુવેગે પ્રસર્યા બાદ આપે પણ તેના કોઈ ધારાસભ્ય ભાજપમાં ન જવાના હોવાની કરી સ્પષ્ટતા

રવિવારે એવી અટકળો વહેતી થઈ હતી કે ઓછામાં ઓછા છ નવા ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. અપક્ષના ત્રણ અને આપના ત્રણ ધારાસભ્યો આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે. અપક્ષના ત્રણેય ધારાસભ્યોએ અગાઉ કહ્યું હતું કે, તેઓ ભાજપને સમર્થન આપશે. વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી આ અટકળને ત્યારે વેગ આપ્યો કે જ્યારે તેઓએ કહ્યું કે, મતદારોએ ભાજપને જબરદસ્ત જનાદેશ આપ્યો છે અને તેઓ પોતાના મતદારો સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધાર બેઠકના આપના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. જે પક્ષપલટા વિરોધી કાયદાને ટાળવા માટે આપના ચાર ધારાસભ્યોને મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.

રવિવારના રોજ ભૂપત ભાયાણી ગાંધીનગરમાં હતા અને તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે તેઓએ કહ્યું કે, લોકોએ ભાજપની તરફેણમાં નિર્ણાયક જનાદેશ આપ્યો છે. મારે મારા મતદારો માટે કામ કરવુ છે અને સરકાર સાથે જોડવું છે. હું મારા મતદારોની સલાહ લીધા બાદ એક કે બે દિવસમાં જાહેરાત કરીશ. એ પછી રવિવારે રાત્રે ભૂપત ભાયાણીએ એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે, હું આપનો વફાદાર સૈનિક છું અને રહીશ. હું પક્ષ કે મારા મતદારો સાથે દગો નહીં કરું. હું કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં.

મકવાણાએ અફવાઓને ફગાવી દીધી હતી અને દાવો કર્યો હતો કે આપના પાંચ ધારાસભ્યોમાંથી એક પણ ક્યારેય ભાજપમાં જોડાશે નહીં. આ પાયાવિહોણી અફવાઓ છે. આપના તમામ પાંચ ધારાસભ્યો રાજ્ય અને કેન્દ્રીય પાર્ટીના નેતૃત્વના નજીકના સંપર્કમાં છે.  આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, આ અફવાઓમાં કોઈ સત્ય નથી. હાલ સુધી આવું કંઈ પણ થઈ રહ્યું નથી.

મહત્વનું રવિવારના રોજ એવી અટકળો વહેતી થઈ હતી કે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક કરતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા હતા. બાયડથી જીતેલા ધવલસિંહ ઝાલા, વાઘાડિયાના ધર્મેન્દ્રસિંહ અને ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, વાઘોડિયા બેઠક પરથી જીતેલા અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રવિવારે ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે બાયડથી જીતેલાં ધવલસિંહ ઝાલા અને ધાનેરાથી જીતેલાં માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.