ભાવેશ ઉપાધ્યાય, સુરત
સુરત મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભાનો બીજો દિવસ હતો. જે અપેક્ષા પ્રમાણે જ તોફાની પણ રહ્યો હતો. આજે સવારે બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ ચર્ચા આગળ વધતાં ભાજપ અને AAPના નગરસેવકો આમને-સામને આવી ગયા હતા.
જેમાં આપના નગરસેવકોને બોલવાની તક ન મળતાં તેઓ મેયર સામે બેનર લઈને બેસી ગયા હતા અને “અમને બોલવાનો મોકો આપો” જેવા પોસ્ટરો સાથે તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો. આપના નગરસેવક મોનાલી હિરપરાએ મેયર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં ભાજપની તમામ મહિલા નગરસેવકો આપની કોર્પોરેટર મોનાલી હિરપરા સામે ધસી ગઇ હતી. તેમજ AAPમાંથી ભાજપમાં જોડાયેલા કુંદન કોઠીયા પણ મોનાલી હિરપરા પાસે દોડી ગયા હતા.
એટલું જ નહીં મહિલા કોર્પોરેટરોના ટોળામાંથી એક કોર્પોરેટર પૂર્ણિમા દાવલે તો મોનાલી હિરપરાના માથામા પ્લાસ્ટિકની બોટલ પણ છૂટી મારી હતી. જો સિક્યોરિટી સમયસર ન પહોંચી હોત તો મોનાલી હિરપરા પર ગંભીર હુમલો પણ થઈ શક્યો હોત.
આપના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને બોલવાની તક મળતા તેઓએ જણાવ્યું હતું કે પહેલા તેમના સાથી સભ્યોને બોલવાની તક આપવી જોઈએ. જોકે મેયરે ત્યારે એવું કહ્યું હતું કે તેમના અન્ય કોર્પોરેટરોને પણ બોલવાની તક આપવામાં આવશે. જો કે ધર્મેશ ભંડેરીના બોલ્યા પછી આપના એક પણ નગરસેવકને બોલવાની તક ન આપતા આ મામલો શરૂ થયો હતો.
મોનાલી હિરપરાએ મેયરને સંબોધીને કહ્યું હતું કે જો તમે પ્રજાના પ્રશ્નો સાંભળી શકતા ન હો તો તમારે તાપી નદીમાં ડૂબી જવું જોઈએ. આટલું કહેતા જ આખો મામલો ગરમાયો હતો અને ભાજપની અને આપની મહિલા કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. અને મોનાલી હિરપરાને ઘેરી વળ્યા હતા.
મોનાલી હિરપરાને ભાજપના મહિલા કોર્પોરેટરો દ્વારા મારવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે મોનાલી હિરપરાએ એવું પણ કહ્યું હતું કે તે સીસીટીવી કેમેરામાં તપાસ કરીને જશે કે કોના દ્વારા તેને માર મારવામાં આવ્યો છે તે પછી તેના માટે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.