રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્ષમતા પુરવાર કરી શકે તેવી ગુજરાતી ફિલ્મોને સૌથી મોટી તકલીફ પ્રચાર અને પ્રસારનાં મસમોટા બજેટની હોય છે આથી પ્રેક્ષકો સુધી તે પહોંચતી નથી અને સારી ફિલ્મો પણ ચાલતી નથી. જૈન સોશ્યલ ગ્રુપ સાથે સંકળાયેલા રાજેનભાઈ દોશી અને હર્ષદભાઈ મહેતાએ આવી સારી ફિલ્મો પ્રેક્ષકો સુધી પહોંચે તે માટે બીડું ઝડપી, ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી દિગ્દર્શકો-કલાકારોની કલા અને ક્રિએટીવીટીને સારા દર્શકો પહોંચાડવા મહેનત કરી તેમાં સફળતા મેળવી છે.
જાન્યુઆરી મહિનામાં ‘ચલ મન જીતવા જઈએ’ અને ત્યારબાદ તાજેતરમાં લતેશ શાહ લિખિત-દિગ્દર્શિત અને સુજાતા મહેતા, હિતેનકુમાર અને દિપક ઘીવાલા દ્વારા અભિનિત ફિલ્મ ‘ચિત્કાર’ને લગભગ ૧૦૦૦ સારા દર્શકો સુધી પહોંચાડી ફિલ્મના પ્રોડયુસર પર પબ્લિસિટીના જંગી બજેટનો ભાર ન આવે અને સારા ૧૦૦૦-૧૫૦૦ દર્શકોને પણ સારી ફિલ્મ લો-બજેટમાં જોવા મળે અને ત્યારબાદ માઉથ-પબ્લિસિટીથી ફિલ્મ ચાલે તેવા ઉમદા હેતુથી રાજેનભાઈ અને હર્ષદભાઈ આ માનદ કાર્ય કરે છે.
આઈનોક્ષ આર વર્લ્ડના જનરલ મેનેજર સંદિપ દાસનો સહયોગ પણ બેજોડ રહ્યો. પોતે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી લોકો અને ફિલ્મો પ્રત્યે તેઓ ખુબ લાગણીશીલ છે. આપણા ગુજરાતી દર્શકો મોટા બજેટની ખુબ પબ્લિસિટી પામેલી ફિલ્મો જોવા માટે ઘણી મોંઘી ટિકિટો પણ ખરીદે છે, પણ પ્રચાર ન પામેલી, કથા ધરાવતી ગુજરાતી ફિલ્મો પ્રત્યે ઉદાસીનતા કેળવીને ટીકીટ સસ્તી હોય તો જ ફિલ્મ જોવે છે તેવું સંદિપ દાસ અનુભવે જાણી ગયા હતા. આથી રાજેનભાઈ અને હર્ષદભાઈને તેઓએ પોતાની લાગણી વ્યકત કરતા અને થઈ શકાય તેટલા ઉપયોગી થઈને સહયોગ આપવા વચન આપ્યું અને તે પાળી બતાવ્યું. સંદિપ દાસે, આ ગુજરાતી ફિલ્મોને સારા દર્શકો સુધી પહોંચાડવા માટે તેમની પુરી ક્ષમતાનો ઉપયોગ કરીને, ખૂબ જ વ્યસ્ત શીડયુલમાં શો ગોઠવી આપ્યા અને અત્યંત વ્યાજબી ભાવથી ટિકિટ પણ અપાવી ખુબ ઉમદા કાર્ય કર્યું છે.
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ અને જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ રોયલનાં પદાધિકારીઓએ મોમેન્ટો આપી આ માટે સંદિપ દાસનું બહુમાન કર્યું હતું. જેમાં રાજકોટ ઝોનના ઝોન કો-ઓર્ડીનેટર અને વેસ્ટ ગ્રુપનાં પ્રમુખનો હોદો પણ ધરાવતા હર્ષદભાઈ મહેતા, રોયલ ગ્રુપના પ્રમુખ નિલેષભાઈ કોઠારી અને બંને ગ્રુપના હોદેદારો સામેલ હતા.