ચોમાસા દરમિયાન જયાં વધુ વરસાદી પાણી ભરાઈ છે ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું: સેટેલાઈટ સર્વે કરાશે
ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાતું હોવાના કારણે શહેરીજનોએ વ્યાપક હાલાકી ભોગવી પડે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈકલીની ટીમના સભ્યો રાજકોટની મુલાકાતે આવ્યા હતા. વોટર આરવેસ્ટીંગ સિસ્ટમ માટે તેઓએ અલગ-અલગ ૯ સ્થળોએ સર્વે હાથ ધર્યો હતો. તમામ પાસાઓની ચકાસણી બાદ આગામી દિવસોમાં સેટેલાઈટ સર્વે હાથ ધરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઈકલી દ્વારા કેપેસેટીઝ પ્રોજેકટ માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. વોટર એન્ડ લાઈવલી હુડ ફાઉન્ડેશનના સીઈઓ રામામોહન તથા ઈકલીના ગુજરાતના હેડ અંકિત મકવાણા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેઓએ શહેરના સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ પાણી ભરાઈ છે તેવા વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
સોરઠીયાવાડી ચોક, જલજીત હોલ પાસે, નંદા હોલ પાસે સુભાષચોક, પરાબજારમાં વોરાના હજીરા પાસે, કેવડાવાડી ચોક, જયનાથ હોસ્પિટલ પાસે, વેસ્ટ ઝોનમાં સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર ચોક, મોદી સ્કૂલ પાસે રાહુલનગર, હોટલ રીઝન્ટ પાછળ એવરેસ્ટ પાર્ક સોસાયટી સહિત અલગ-અલગ ૯ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. આગામી દિવસોમાં અહીં સેટેલાઈટ સર્વે હાથ ધરાશે. જેમાં મુખ્ય ત્રણ પરીબળ પર સર્વે કરાશે. જેમાં ચોમાસાની સીઝન દરમિયાન આ સ્થળોએ કુદરતી રીતે જ પાણી ભરાય છે, પાણી ભરાયા બાદ લાંબો સમય સુધી ભરાયેલું રહે છે અને તેનો યોગ્ય નિકાલ થતો નથી તથા અહીં પાણી જમીનમાં ઉતરી જાય તેવી શકયતા રહેલી છે. આ ત્રણ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ અહીં વોટર આરવેસ્ટીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. જેમાં અલગ-અલગ ત્રણ ખાડાઓ ખોદવામાં આવશે અને વરસાદી પાણીનો જમીનમાં નિકાલ કરવામાં આવશે.