મોદીના સ્વપ્ન ‘સ્કીલ બેઈઝ’ને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સાકાર કરશે !!!
આઈઆઈઆઈડીની મુલાકાત લેતા ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા: આ પ્રસંગે નિયંતભાઈ ભારદ્વાજની સાથે મેહુલભાઈ રૂપાણી અને ભુપતભાઈ બોદરની ઉપસ્થિતિ
નજીકના સમયમાં ડિઝાઈન અંગેની જાગૃતતા અને વિદ્યાર્થીઓના વ્યાપને ધ્યાને લઈ જામનગર રોડ ખાતે પાંચ એકરની વિશાળ જગ્યામાં ઈન્ફાસ્ટ્રકચરથી સુસજ્જ ડિઝાઈનીંગ ઈન્સ્ટિટયુટ બનાવાશે
ડિજીટલ ઈન્ડિયામાં નિપુણ બનાવવા કોમ્યુનિકેશન ડિઝાઈનીંગનો કોર્ષ અતિ મહત્વનો
વિશ્ર્વમાં અને ભારત દેશમાં ઘણા ખરા પ્રોફેશન કોર્ષ જોવા મળતા હોય છે. જેનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ ઠેરઠેરથી આવતા હોય છે. હાલની વૈશ્ર્વિક માંગને ધ્યાને લઈ ઘણા ખરા નવા કોર્ષો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન તેમજ બેચલર ડિગ્રી આપતી રાષ્ટ્રીયસ્તરની ડિઝાઈનીંગ ઈન્સ્ટિટયુટનો પ્રારંભ રાજકોટ ખાતે થયો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન એટલે કે આઈઆઈઆઈડી હેઠળ પ્રોડકટ ડિઝાઈન, કોમ્યુનિકેશન ડિઝાઈન, ફેશન ડિઝાઈન અને ઈન્ટીરીયર ડિઝાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય વાત તો એ છે કે, જે કોઈ વિદ્યાર્થી ડિઝાઈનીંગ ક્ષેત્રે પોતાની ભવિષ્ય અને પોતાનું ઘડતર કરવા માંગતા હોય તો તે તમામ વિદ્યાર્થીઓ માટે આઈઆઈઆઈડી ઘણી અને વિપુલ તકો માટે કાર્યરત થઈ છે. જે હેતુસર સંસ્થાનું નિર્માણ પણ થવા પામ્યું છે. બીજી તરફ ડિઝાઈનીંગને લઈ જે જાગૃતતા આજના યુવાધનમાં જોવા મળવી જોઈએ તેનો અભાવ પણ સૌથી વધુ જોવા મળે છે. પરંતુ જો ડિઝાઈનીંગને યોગ્ય રૂપ અને યોગ્ય વેગ આપવામાં આવે તો બાળકોમાં રહેલા કૌશલ્યને નિખારી શકાય છે અને તેનો લાભ વૈશ્ર્વિક સ્તર પરથી પણ પ્રાપ્ત થઈ શકે છે.
આઈઆઈઆઈડી સંસ્થા અત્યાધુનિક સગવડો અને પ્રાયોગીક ભણતરના સમન્વયની સાથે વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રોગ્રામ ભણાવવામાં આવશે જેથી હવે રાજકોટ તથા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ ડિઝાઈનીંગનો અભ્યાસ કરવા મુંબઈ, દિલ્હી, પૂના કે અન્ય સ્થળ પર જવું પડશે નહીં જેને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંલગ્ન થઈ સંસ્થાનું નિર્માણ થવા પામ્યું છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બેચરલ ઓફ ડિઝાઈનના ચાર વર્ષની ડિગ્રી આપવામાં આવશે. ઉલ્લેેખનીય છે કે, આ ડિગ્રી સમયગાળા ચાર વર્ષનો રહેશે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, જે ચાર વિષયમાં બાળકોને નિપૂણ થવા જે સંસ્થા કાર્ય કરશે તે પૂર્વે તમામ ચાર વિષયોની મહત્વતા જાણવી એટલી જ જરૂરી છે.
હાલના સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આઇઆઇઆઇડી રાજકોટ ખાતે અમદાવાદ, મુંબઇ, પુના, બેંગ્લોર અને દિલ્હી જેવા શહેરોમાંથી પણ પ્રાધ્યાપકોને બોલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાશે. સૌરાષ્ટ્ર તથા રાજકોટના ૧૨ ધોરણ પાસ કરનાર કોઇપણ ફિલ્ડના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ ફેશન ડિઝાઇન, ઇન્ટિરીયર ડિઝાઇન, કોમ્યુનિકેશન ડિઝાઇન અને પ્રોડક્ટ ડિઝાઇન ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે છે.
ડિઝાઈનીંગ ક્ષેત્રે કારકિર્દીને નિખારવા આઈઆઈઆઈડી એક ઉત્તમ વિકલ્પ: નિયંતભાઈ ભારદ્વાજ
આઈઆઈઆઈડીના મેનેજીંગ ડિરેકટર નિયંતભાઈ ભારદ્વાજે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોમર્સ, સાયન્સ ક્ષેત્રના અનેકવિધ ડિગ્રી પ્રોગ્રામો છે જેનો લાભ અનેકવિધ વિદ્યાર્થીઓ લેતા હોય છે પરંતુ જે ક્ષેત્ર ડિઝાઈનીંગ માટે વણખેડાયેલું છે તેનો લાભ મહતમ વિદ્યાર્થી કઈ રીતે લઈ શકે એટલું જ જરૂરી છે. ડિઝાઈનીંગ ક્ષેત્રે હાલના સમયમાં વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી બનાવવા માટેની ઉતમ તક છે જેને પરિપૂર્ણ કરવા માટે આઈઆઈઆઈડી મહત્વનો ભાગ ભજવશે. આ પ્લેટફોર્મ થકી દરેક યુવાનમાં રહેલી ક્રિએટીવીટી બહાર આવશે અને ઘરથી લઈ ગાડી સુધીની તમામ વસ્તુઓ ડિઝાઈનીંગ થકી જોવા મળતાની સાથે જ તેમનામાં રસ પણ એટલા જ પ્રમાણમાં જાગૃત થશે. આ વ્યવસાય વિદ્યાર્થીઓ માટે કેરીયરરૂપમાં એક આશિર્વાદ છે. આઈઆઈઆઈડી ઈન્સ્ટિટયુટ બનતાની સાથે વિદ્યાર્થી અને વાલીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છે. હાલના કોવિડના સમયમાં ઈન્સ્ટિટયુટમાં જોડાયેલા વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ડિઝાઈનીંગ ક્ષેત્રે જે વિદ્યાર્થી અભ્યાસ અર્થે આવતા હોય તેઓએ મુખ્યત્વે બોમ્બે અને દિલ્હી જેવા શહેરોમાં અભ્યાસ કરવા જવું પડતું હોય છે અને ભાગ લેવો પડતો હોય છે જેની ફી વધુના હોવાના કારણે ઘણા ખરા વિદ્યાર્થીને તે પોસાતુ નથી અને તેઓએ તેના સ્વપ્નથી દૂર થવું પડે છે. પરંતુ રાજકોટ ખાતે આઈઆઈઆઈડીની સ્થાપનાથી રાજકોટ થતાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થી માટે એક સોનેરૂ અવસર પ્રાપ્ત થયો છે. વધુમાં નિયંતભાઇએ જણાવ્યું હતું કે હાલ આઇઆઇઆઇડી ખાતે કુલ ૨૦ વિદયાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને વાલીઓ તરફથી પણ ખુબ સારો પ્રતિસાદ મળે છે. તેમના જણાવ્યા મુજબ ડિઝાઇનિંગ ક્ષેત્રે જે જાગૃતતા કેળવવી જોઇએ તે હજુ સુધી રાજકોટમાં જોવા મળી નથી પરંતુ આવનારો સમય રાજકોટ અને ડિઝાઇનિંગ ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે.
પ્રોડકટ ડિઝાઈન અને તેની મહત્વતા
પ્રોડકટ ડિઝાઈન માત્ર એક પ્રોડકટ પુરતુ સહેજ પણ સીમીત રહેતું નથી પરંતુ તેમાં વિદ્યાર્થીઓએ મુખ્યત્વે પેકેજ ડિઝાઈન, લોગો ડિઝાઈન, ઉત્પાદન ડિઝાઈનના સંયુક્ત પ્રયાસ થકી જ યોગ્ય રીતે પ્રોડકટ ડિઝાઈનમાં નિપૂણતા મેળવી શકાય છે. એવી જ રીતે પ્રોડકટ ડિઝાઈનમાં ફાઈન આટસ એન્ડ એન્જીનિયરીંગના ઉપક્રમે પ્રોડકટ ડિઝાઈન ફળીભુત થતું હોય છે અને જો વિદ્યાર્થી આ પ્રોડકટ ડિઝાઈનનો યોગ્ય રીતે અભ્યાસ કરે તો તે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ પહોંચી શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રોડકટ ડિઝાઈનના ડિગ્રી પ્રોગ્રામમા રસ દાખવતા હોય તો તેઓને તેમના ડિગ્રી પ્રોગ્રામ બાદ નામાંકીત કંપની તેમજ પ્રોડકટ ડિઝાઈન ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટેની એક ઉત્તમ તક તેઓને સાંપડે છે. પ્રોડકટ ડિઝાઈન એટલે માત્ર ચિત્ર દોરતા આવડે એટલું જ નહીં પરંતુ તે એવી ચીજ છે જે કે જેનાથી લોકો મંત્રમુગ્ધ થઈ જતા હોય છે અને તે ચીજને ખરીદવા માટે આકર્ષીત પણ થતા હોય.
ફેશન ડિઝાઈન અને તેનું મહત્વ
ફેશન ડિઝાઈનની વિશે જો માહિતી એકત્રીત કરવામાં આવે તો ફેશન ડિઝાઈન ઘણી ખરી ચીજવસ્તુઓને આવરી લેવામાં આવે છે. જેમાં એપરલ, એસેસરી, લાઈફ સ્ટાઈલ, ફેશન ટ્રેન્ડ જેવા મુદ્દાને ધ્યાને લઈ ફેશન ડિઝાઈન કરવામાં આવતું હોય છે. હાલના સમયમાં સૌથી વધુ ફેશન ડિઝાઈનરો અંગે માહિતી એકત્રીત કરવામાં આવે તો તેમાં મહિલાઓની સાપેક્ષમાં પુરુષોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. હાલના સાંપ્રત સમયમાં જે વ્યવસાયીક કાર્ય મહિલાઓ દ્વારા કરવામાં આવતું હોય તે કાર્ય જો પુરુષો કરે તો તેમની માંગમાં અનેક ગણો વધારો નોંધાતો હોય છે. તેવું જ હાલ ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રે જોવા મળી રહ્યું છે. જેમાં પુરુષોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ પુના જેવા શહેરોમાં અભ્યાસ કરવા જતા હોય છે ત્યારે હવે સૌરાષ્ટ્રના આંગણે રસપ્રચુ વિદ્યાર્થી ફેશન ડિઝાઈનીંગનો લાભ મેળવી શકશે અને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકશે.
ઈન્ટિરીયર ડિઝાઈન અને તેનું મહત્વ
ઈન્ટિરીયર ડિઝાઈનીંગ ક્ષેત્રે વાત કરવામાં આવે તો કોમર્શીયલ કોમ્પલેક્ષ, બિલ્ડીંગ સ્પેસ પ્લાનર, લેન્ડ સ્કેપ જેવા મુખ્યત્વે જગ્યાઓ પર ઈન્ટિરીયર ડિઝાઈનનું મહત્વ અનેરૂ રહેલું છે. ઈન્ટિરીયર ડિઝાઈનીંગનું પ્રમાણ પહેલાના સમયમાં ખુબજ ઓછુ જોવા મળતું હતું. પરંતુ હાલ કોર્પોરેટ કલ્ચર થતાં જ લોકો લાખો રૂપિયાનો ખર્ચ ઈન્ટિરીયર ડિઝાઈનીંગ ક્ષેત્રે કરતા હોય છે. જેથી આવનાર વ્યક્તિને જે તે સ્થળ અત્યંત રમણીય અને હૃદયસ્પર્શી લાગે. હાલ જે લોકો ડિઝાઈનીંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે પ્રેરીત થતાં હોય તેમના માટે આ એક અનેરો મોકો છે જેનું કારણ એ છે કે હવે વિદ્યાર્થી ઘર આંગણે એટલે કે રાજકોટ ખાતે અભ્યાસ કરી શકશે. ઈન્ટિરીયર ડિઝાઈનર પોતાની કલાત્મક અને સર્જનાત્મક સુઝથી કોઈપણ જગ્યાને કમ્ફર્ટેબલ અને હૃદયસ્પર્શી રૂપ આપી આકર્ષીત બનાવી શકે છે.
કોમ્યુનિકેશન ડિઝાઈન અને તેનું મહત્વ
કોમ્યુનિકેશન ડિઝાઈન અંગે જો વાત કરવામાં આવે તો આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ગ્રાફીક, વેબસાઈટ ડેવલોપમેન્ટની સાથો સાથ વેબસાઈટ ડિઝાઈન, લેઆઉટ સહિતની ચીજવસ્તુનો અભ્યાસ કરાવવામાં આવે છે જેના માટે જે વિદ્યાર્થી અભ્યાસ માટે આવતા હોય તેમનામાં રહેલી ક્રિએટીવીટી, ડિઝાઈન અંગેની ટેકનીક, મલ્ટીમીડીયાનું જ્ઞાન સહિતનો અભ્યાસ કરવો એટલો જ જરૂરી છે. જો વિદ્યાર્થી આ કાર્યમાં નિપુણતા પ્રાપ્ત કરે તો તેઓને ખુબ સારો એવો લાભ પણ મળી શકે છે. ઈલેકટ્રોનિક, પ્રિન્ટ, ડિઝીટલ અને મોબાઈલ જેવા માધ્યમો દ્વારા ઈન્ફોર્મેશન ડેવલોપમેન્ટ અને ડિઝાઈન વચ્ચેની ખાઈને જોડવા માટે કોમ્યુનિકેશન ડિઝાઈન અત્યંત ઉપયોગી સાબીત થતું હોય છે.