ઘરનું બજેટ સંભાળતી મહિલાઓને કોર્પોરેશનનું બજેટ મંજૂર કરવાની તક જ નથી મળી !
કોર્પોરેશનના ઇતિહાસના 50 વર્ષમાં સૌથી શક્તિશાળી ગણાતા સ્ટેન્ડિંગ કમિટીનાચેરમેન પદની ખુરશી પર મહિ લા આજ સુધી નગરસેવિકાને બેસાડાયા નથી
રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો ચોક્કસ કરવામાં આવે છે પરંતુ જ્યારે હોદ્ાની ફાળવણી કરવાનો સમય આવે ત્યારે સ્ત્રી શક્તિને સબળા તરીકે નહિં પરંતુ અબળા તરીકે જોવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં 50 વર્ષના ઇતિહાસમાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા સૌથી શક્તિશાળી ગણાતી એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે સમ ખાવા પૂરતી એકપણ વખત મહિલા કોર્પોરેટરની નિયુક્તી કરવામાં આવી નથી. ઘરનું બજેટ સંભાળતી મહિલાઓને કોર્પોરેશનનું બજેટ રજૂ કરવાની કે મંજૂર કરવાની તક ક્યારેય આપવામાં આવી નથી. મેયર પદ પણ જ્યારે મહિલા માટે અનામત હોય ત્યારે જ નારી શક્તિની કદર કરવામાં આવે છે. અન્યથા પુરૂષને જ શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન આપી દેવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50 ટકા મહિલા અનામતની જોગવાઇ કરવામાં આવી હોય જેનું પાલન ચોક્કસ કરવામાં આવે છે પરંતુ સત્તા વહેંચણીમાં મહિલાઓની ભાગીદારી માત્ર નામ પૂરતી રહે છે.
રાજકીય પક્ષોના માંધાતાઓના મનમાં એવો વિચાર ઘર કરી ગયો છે કે મહાપાલિકામાં શક્તિશાળી ગણાતી એવી ખડી સમિતિના અધ્યક્ષનું પદ મહિલાને આપી શકાય નહિં. આવી વિચારધારાના કારણે રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષના ઇતિહાસમાં એકપણ વખત ખડી સમિતિના ચેરમેન તરીકે કોઇ મહિલા નગરસેવિકાની નિમણુંક કરવામાં આવી નથી. જ્યારે મેયર પદ મહિલાઓ માટે અનામત હોય ત્યારે પણ એવી ગણતરી કરવામાં આવે છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કોઇ શક્તિશાળી કે સિનિયર નગરસેવકને ખુરશીએ બેસાડી દેવામાં આવે છે. જેના કારણે પ્રથમ નાગરિક મહિલા હોવા છતાં મહાપાલિકાનો તમામ વહિવટ પુરૂષના હાથમાં રહે છે.
નિયમ મુજબ ભલે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ અનામત ન હોય પરંતુ ભાજપ અને કોંગ્રેસે આ પદને સ્વઘોષિત પુરૂષો માટે અનામત રાખી દીધું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટને તારીખ 19/11/1973ના રોજ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. આ વર્ષે 50 વર્ષ પુરા થઇ રહ્યા છે. પાંચ દાયકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે 32 લોકોની વરણી કરવામાં આવી છે. એકને એક નગરસેવકોને એકથી વધુ વખત તક પણ આપવામાં આવી છે. પરંતુ અફસોસની વાતએ છે કે 365 દિવસ ઘરનું બજેટ જોતી મહિલાને આજ સુધી કોર્પોરેશનનું બજેટ રજૂ કરવાની તક ક્યારેય સાંપડી નથી. હવે પછીની અઢી વર્ષની મેયરની ટર્મ મહિલાઓ માટે અનામત હોય આવામાં કોર્પોરેશનના 50માં સ્થાપના વર્ષમાં પણ ખડી સમિતિના ચેરમેન પદે મહિલાની વરણી કરવામાં આવે તેવી કોઇ જ શક્યતા દેખાતી નથી.
દેશના નાણામંત્રી ભલે એક મહિલા હોય નારી શક્તિએ આકાશમાં પણ પોતાની તાકાત બતાવી દીધી છે પરંતુ અફસોસએ વાતનો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ખડી સમિતિના ચેરમેન બનવાની તક હજુ સુધી મહિલાને મળી નથી. સ્ત્રી સશક્તિકરણની મોટી-મોટી વાતો કરતા નેતાઓએ ખરેખર હવે આ વાતને જમીની હકિકત આપવાની આવશ્યકતા જણાઇ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નામાવલી
- અશ્ર્વિનભાઇ મહેતા
- કાંતિભાઇ જાની
- વિનોદભાઇ શેઠ
- રમણીકભાઇ પંડ્યા
- વિનોદભાઇ શેઠ
- વિજયભાઇ રૂપાણી
- વિજયભાઇ રૂપાણી
- જનકભાઇ કોટક
- મનસુખભાઇ પટેલ
- ધનસુખભાઇ ભંડેરી
- બિપીનભાઇ અઢીયા
- લાધાભાઇ બોરસદીયા
- મેઘજીભાઇ રાઠોડ
- મેઘજીભાઇ રાઠોડ
- ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ
- યુવરાજસિંહ સરવૈયા
- દાનાભાઇ કુંગશીયા
- નીતિનભાઇ ભારદ્વાજ
- ઉદયભાઇ કાનગડ
- ડો.જૈમન ઉપાધ્યાય
- કમલેશભાઇ મિરાણી
- કશ્યપભાઇ શુક્લ
- નરેન્દ્રભાઇ સોલંકી
- ડો.જૈમન ઉપાધ્યાય
- ડો.જૈમન ઉપાધ્યાય
- રાજભા ઝાલા
- રાજભા ઝાલા
- નીતિનભાઇ ભારદ્વાજ
- નીતિનભાઇ ભારદ્વાજ
- પૂષ્કરભાઇ પટેલ
- ઉદયભાઇ કાનગડ
- પુષ્કરભાઇ પટેલ
વિનોદભાઇ શેઠ સૌથી વધુ સમય ચેરમેન પદે રહ્યા
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોણા સાત વર્ષ ચેરમેન પદ શોભાવ્યું
રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન પદે સૌથી વધુ રહેવાનો રેકોર્ડ પૂર્વ મેયર વિનોદભાઇ શેઠના નામે છે. તેઓ અલગ-અલગ ટર્મમાં 7 વર્ષ અને એક મહિના સુધી ખડી સમિતિના ચેરમેનપદે રહ્યા હતા. બીજી નંબરે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવે છે. તેઓ પોણા સાત વર્ષ માટે ખડી સમિતિના અધ્યક્ષ પદે રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ત્રીજા ચેરમેન તરીકે તા.6/10/1976ના રોજ કરવામાં આવી હતી. પ્રથમવાર તેઓ માત્ર એક મહિનો અને ત્રણ દિવસ માટે ચેરમેન પદે રહ્યા હતા. ત્યારબાદ પાંચમા ચેરમેન તરીકે ફરી તેઓની તા.9/2/1981ના રોજ ફરી નિયુક્તી કરવામાં આવી હતી. બીજી ટર્મમાં તેઓએ સાત વર્ષ માટે ચેરમેન પદ ભોગવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ પોણા સાત વર્ષ માટે ચેરમેન પદ શોભાવી ચૂક્યા છે. તા.9/2/1988ના રોજ તેઓની પ્રથમવાર ચેરમેન તરીકે પસંદગી કરાય હતી. જે કાર્યકાળ પોણા છ વર્ષનો રહ્યો હતો. તા.3/7/1995ના રોજ ફરી વિજયભાઇને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા તેઓનો કાર્યકાળ તા.11/7/1996 સુધી રહ્યો આમ પોણા સાત વર્ષ તેઓ ખડિ સમિતિના ચેરમેન પદે રહ્યા.
માતા મેયર બન્યાં બાદ પુત્ર 16 વર્ષ પછી ચેરમેન બન્યાં
સ્ટેન્ડિંગ કમિટીના વર્તમાન ચેરમેન પૂષ્કરભાઇ પટેલ એકમાત્ર એવા નેતા છે. જેના માતૃશ્રી રાજકોટના મેયર પદે રહી ચુક્યા છે. માતા મંજુલાબેન હરીભાઇ પટેલ તા.9/7/1999થી તા.30/6/2000 સુધી મેયર પદે રહ્યા હતા. ત્યારબાદ 16 વર્ષ પછી તેઓના પુત્ર પૂષ્કરભાઇ પટેલ વર્ષ-2015માં ખડી સમિતિના ચેરમેન બન્યા હતા. તેઓની કામગીરીને ધ્યાનમાં રાખી ફરી પક્ષે તેઓની 2021માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિમણુંક કરવામાં આવી. પાર્ટી લાઇનને વરેલા પૂષ્કરભાઇ પટેલ આજની તારીખે સતત એક જ નિવેદન આપે છે કે મારા પરિવારને ભાજપ દ્વારા જેટલું આપવામાં આવ્યું તેટલું કોઇ પરિવારને આપ્યુ નથી. પિતા હરીભાઇ પટેલ બે વાર સાંસદ બન્યા, વિધાનસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા, માતા મંજુલાબેનને રાજકોટના પ્રથમ નાગરિક બનાવાયા જ્યારે મને પોતાને ત્રણ ટર્મ કોર્પોરેટર અને બે ટર્મ ખડિ સમિતિના ચેરમેન બનવાની તક આપી.
ખડી સમિતિના છ ચેરમેનને શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન મળ્યું
એકમાત્ર ઉદય કાનગડ મેયર બન્યા પછી બે વાર સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા
ખડી સમિતિના ચેરમેન બન્યા બાદ ભાજપના એવા છ નેતાઓ છે. જેને શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. એકમાત્ર વર્તમાન ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ એવા નેતા છે કે જે પહેલા મેયર બન્યા બાદ અલગ-અલગ બે ટર્મ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે આરૂઢ થયા.
આ ઉપરાંત વિનોદભાઇ શેઠ, વિજયભાઇ રૂપાણી, ઉદયભાઇ કાનગડ, ધનસુખભાઇ ભંડેરી, જનકભાઇ કોટક અને ડો.જૈમનભાઇ ઉપાધ્યાયને ખડિ સમિતિના ચેરમેન બાદ ભાજપે મેયર બનાવ્યા હતા. સૌથી ઉંચી ઉડાન જો કોઇ પૂર્વ ચેરમેને ભરી હોય તો તે વિજયભાઇ રૂપાણી છે. તેઓ પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે પણ રહ્યા હતા. આ ઉપરાંત ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ અને ઉદયભાઇ કાનગડ ધારાસભ્ય સુધી પહોંચ્યા હતા.
2015માં સમિતિ ચેરમેનની મૂદત એક વર્ષથી વધારી અઢી વર્ષ કરાય
રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ-2000માં મેયર પદની મૂદત જે માત્ર એક વર્ષની હતી. તે વધારીને અઢી વર્ષ કરવામાં આવી હતી. દરમિયાન 15 વર્ષના લાંબા અંતરાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકની મુદ્ત જે એક વર્ષની હતી. જે વધારી અઢી વર્ષ માટેની કરવામાં આવી હતી. ખડી સમિતિના ચેરમેન પદની મૂદત અઢી વર્ષની કરાયા બાદ પ્રથમવાર ચેરમેન બનવાનું બહુમાન પૂષ્કરભાઇ પટેલને પ્રાપ્ત થયું હતું. 1973 થી 2014 સુધી ચેરમેન પદની મુદ્ત એક વર્ષની હતી. જો કોઇ ચેરમેનને રિપીટ કરવાના હોય તો બોર્ડમાં નવેસરથી દરખાસ્ત કરવામાં આવતી હતી. એક વર્ષની મુદ્ત હોવાના કારણે સૌથી શક્તિશાળી ગણાતા આ પદ માટે ચેરમેનને પોતાની તાકાત દેખાડવાનો પુરતો મોકો મળતો ન હતો. બીજી ટર્મ માટે ઉદયભાઇ કાનગડને અઢી વર્ષ સુધી ખડિ સમિતિના ચેરમેન બનાવાયા ત્યારબાદ ફરી નવી બોર્ડમાં ભાજપે પુષ્કરભાઇ પટેલ પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યા અને તેઓને ચેરમેન બનાવાયા.