સૌરાષ્ટ્રની એક -એક બેઠકની તાસીરથી વાકેફ વિજયભાઈ રૂપાણીને સાથે રાખ્યા વિના સૌરાષ્ટ્રની બાવન બેઠકો જીતવી ભાજપ માટે મુશ્કેલ જ નહીં અશકય
અબતક,રાજકોટ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિનાઓ બાકી રહ્યા છે જે રિતે દિલ્હીની ગાદીનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી જઈ રહ્યો છે તે રીતે જ ગાંધીનગરની ગાદી જીતવા માટે સૌરાષ્ટ્ર જીતવું ફરજીયાત છે. કારણ કે રાજયના મુખ્ય ચાર ઝોનમાં સૌથી વધુ બેઠકો ધરાવતા સૌરાષ્ટ્રની છેલ્લા ઘણા સમયથી ભાજપના કહેવાતા ગોડફાધર દ્વારા ભારોભાર અવગણના થઈ રહી છે. સરકાર અને સંગઠનમાં સૌરાષ્ટ્રનું વજન સતત ઘટી રહ્યું છે.સૌરાષ્ટ્રનું અપમાન અને અવગણના ભાજપને વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારે પડશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી છેલ્લા બે દાયકાથી લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે દર ચૂંટણીમાં સત્તારૂઢ થતી ભારતીય જનતા પાર્ટી માત્ર ડબલ ડિજિટમાં બેઠકો જીતી શકી હતી.
બહુમતી કરતા માટે આઠ બેઠકો મળી હતી સરકાર બનાવવા માટે જરૂરી 91 બેઠકો સામે ભાજપને માત્ર 99 બેઠકો જીતવામાં ભાજપ સફળ રહ્યું હતુ. સૌરાષ્ટ્રના 11 જિલ્લાની પર બેઠકોમાંથી ભાજપ માત્ર 15 બેઠકો જીતી શકયું હતુ. જયારે 37 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં તો ભાજપનું ખાતુ પણ ખૂલ્યું નહતુ. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એક જ બેઠક જીતી શકયું હતુ. તોડજોડની રાજનીતિમાં માહેર ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રી પદની ઓફર કરાવી પક્ષ પલ્ટો કરાવી પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.પ્રદેશ ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલ નીયુકત થયા બાદ જાણે સૌરાષ્ટ્ર સાથે ઓરમાયા વર્તનનો સીલસીલો શરૂ થયો છે.ગત સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી પદે વિજયભાઈ રૂપાણીના સ્થાને રાજયની શાસનધુરા ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવી હતી. નેતૃત્વ પરિવર્તન બાદ સૌરાષ્ટ્રને સંપૂર્ણ પણે સાઈડલાઈન કરી દેવામાં આવ્યું છે.
હાલ સરકારમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો મંત્રી પદે ચોકકસ બીરાજમાન છે.પરંતુ તેઓનું ધાર્યું વજન પડતું નથી. સંગઠનમાં તો સૌરાષ્ટ્રની હાજરી માત્ર નામ પૂરતી છે. કોઈનેતાને કદ મુજબ માન પાન આપવામાં આવતું નથી માત્ર ગોડફાધર જ પોતાનું ધાર્યું કરી રહ્યા છે.નેતૃત્વ પરિવર્તન બાદ માત્ર વિજયભાઈ રૂપાણીને જ નહી પરંતુ સૌરાષ્ટ્રના એક-એક મોટા નેતાઓને સંપૂર્ણ પણે સાઈડલાઈન કરી દેવાની જાણી જોઈને વ્યૂહરચના ઘડવામાં આવી હોય તેવું કાર્યકરો મહેસુસ કરી રહ્યા છે. ભાજપના મહામંત્રી તરીકેના કાર્યકાળમાં વિજયભાઈ પાસે સૌરાષ્ટ્ર ઝોનનો હવલો હતો. તેઓ સૌરાષ્ટ્રની એક એક બેઠકની તાસીરથી વાકેફ છે.હાલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજયની તમામ 182 બેઠકો જીતવા માટે ચૂંટણી લક્ષી વ્યુહરચના ઘડી રહ્યા છે.
પરંતુ તેઓએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 52 બેઠકો જીતવા માટે વિજયભાઈ રૂપાણીને આગળ રાખવા જરૂરી જ નહી ફરજીયાત છે. કારણ કે વિજયભાઈએ સૌરાષ્ટ્રની વિધાનસભાની એક એક બેઠક માટે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. અને 39 બેઠકો પર કેવા પ્રકારનાં સમીકરણો કામ કરે તેનાથી તેઓ સારી રીતે વાકેફ છે.માત્ર પાર્લામેન્ટરી બોર્ડ અને સ્ટાર પ્રચારકની યાદીમાં સ્થાન આપવાથી વિજયભાઈ રૂપાણી પાસે ધાર્યું કામ લઈ શકાય નહીં સંગઠનના આ વ્યકિતનો જો તેની શકિત પ્રમાણે ઉપયોગ કરવામાં નહી આવે તો ભાજપને જ નુકશાની વેઠવી પડશે. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રને જાણી જોઈને બદનામ કરવાનું કાવતરૂ ઘડાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.પોલીસની સતત ખરડાતી છબીના કારણે બદનામી વધુ દાગદાર બની રહી છે.સૌરાષ્ટ્રમાં ભાજપના કેટલાક મોટા માથાઓ કે જેને પક્ષને મજબૂત કરવા માટે લોહી રેડયા છે. તેવા નેતાઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. તેઓને તેમની શકિત મુજબનું કામ સોંપવામાં આવતું નથી.
બીજી તરફ જે લોકોએ ભૂતકાળમાં પક્ષને નુકશાની પહોચાડવામાં પાછીપાની કરી નથી તેઓને અત્યારે ઝંડા પકડાવી દેવામા આવ્યા છે.આ બધુ અનિષ્કાર્યકરો સારી રીતે જોઈ રહ્યા છે.હાલ ભાજપ પાસે ગુજરાતમાં એક મજબૂત સંગઠન હોવાના કારણે નેતાઓ ધાર્યું કરી રહ્યા છે. હાલ ભલે પક્ષમાં ચાલતી સરમુખત્યાર શાહીની કોઈ આડઅસર જોવા મળતી ન હોય પરંતુ અંદર ખાને પક્ષમાં આ મોટો અસંતોષ ઉભો કરી રહી છે. હાલ પક્ષના અમૂક ગોડફાધરો એવું ભલે માની રહ્યા હોય કે મારાથી જ પક્ષ ચાલી રહ્યો છે. અને હું કરૂ તેમજ થવું જોઈએ. ઉપરથી ચાર હાથ હોવાના કારણ હાલ બધુ જ બરાબર ચાલી રહ્યું છે.પરંતુ આ અવગણના આગામી દિવસોમા ભાજપને ખૂબજ ભારે પડશે કોંગ્રેસ અસ્તિત્વ સામે ઝઝૂની રહી છે.
ગુજરાતવાસીઓએ ભાજપ અને કોંગ્રેસ સિવાયના કોઈ પક્ષને સ્વીકાર્યા નથી આ બધુ ભાજપની ફેવરમાં હોવાથી સરમૂખત્યાર શાહીની અસર દેખાતી નથી. પરંતુ બે -પાંચ વર્ષમાં હાલ ચાલતી અવગણનાની પરંપરાની સાઈડ ઈફેકટ પક્ષમાં વર્તાવા લાગશે તેમા કોઈ જ શંકા નથી.છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રને જાણી જોઈને બદનામ કરવાના સાજીસો થઈ રહી છે: સૌરાષ્ટ્રના મોટા માથાઓને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે, સરકાર અને સંગઠનમાં પણ ‘વજન’ ઘટી રહ્યું છે