કોઈ વ્યક્તિને હ્રદયરોગ, કેન્સર કે કેટલીક જીવલેણ બીમારી થાય તો તે અચાનક માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે અને હતાશામાં ગરકાવ થઈ જાય… પરંતુ આ જ બાબત ઊંધી રીતે વિચારો તો અનિદ્રા કે હતાશાને જો નજર અંદાજ કરો તો તે ભયંકર શારીરિક બીમારી પણ લાવી શકે
કહેવાય છે ને કે આવનાર દુશ્મન અને બીમારીને આવતા જ ડામી દેવી જોઈએ..!! આરોગ્યની જાળવણી જીવનમાં ખૂબ જ અગત્યની છે. મોટી બીમારીઓ અટકાવવી હોય તો નાની-નાની બાબતોની પણ ચીવટ રાખવી જોઈએ. તેમાં પણ ખાસ કરીને માનસિક બીમારીને તો ક્યારેય અવગણવી ન જોઈએ, કારણ કે આ ભૂલ માનસિક અસ્વાસ્થ્યની સાથે શારીરિક અસ્વાસ્થ્ય તરફ પણ દોરી જાય છે. જી હા, માનસિક બીમારીની અવગણના શારીરિક બીમારીને નોતરી શકે છે..!!
એ વાતમાં નવાઈ નથી કે જ્યારે કોઈ વ્યક્તિને હ્રદયરોગ, કેન્સર કે કેટલીક જીવલેણ બીમારી થઈ હોવાનું માલુમ થાય ત્યારે તે અચાનક માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે અને હતાશામાં ગરકાવ થઈ જાય છે પરંતુ આ જ બાબત ઊંધી રીતે વિચારો તો અનિદ્રા કે હતાશાને જો નજર અંદાજ કરો તો તે ભયંકર શારીરિક બીમારી પણ લાવી શકે છે. આધુનિક તબીબી વિજ્ઞાન એક વાત સ્પષ્ટ કરે છે કે શારીરિક અને માનસિક બીમારીને અલગ તારવી શકાય.
જો કે તાશા અને અનિદ્રા જેવી સમસ્યાઓને જો નજર અંદાજ કરવામાં આવે તો તે ભયંકર બીમારી થતા વાર નથી લાગતી. તાજેતરમાં જ એક અભ્યાસમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સમાં બે દાયકા અગાઊના એક મહિલાના માનસિક બીમારીના કેસનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે મગજને શરીરના અન્ય અંગો સાથે સીધો સંબંધ છે. માનવ શરીર શારીરિક અને માનસિક બંને તકલીફોમાં એક જેવું વર્તન કરે છે.
સામાન્ય રીતે ફિઝિશિયન ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓની બાહ્ય લક્ષણોથી નિદાન કરે છે, જ્યારે ઘણા કિસ્સામાં તેની આંતરિક મનોજ સ્થિતિનો પણ અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. કેટલીકવાર કુટુંબના કોઈ સભ્યો કે મિત્રો કોઈ વ્યક્તિને માનસિક બીમારીના શિકાર તરીકે જોવે છે ત્યારે તેની પરિસ્થિતિ સુધારવાનો કોઈ પ્રયાસ થતો નથી જે ધીરે-ધીરે શારીરિક સમસ્યામાં તબદીલ થઈ જાય છે.
માનસિક તાણથી શ્વાસ, હૃદયના ધબકારા, લોહીનું દબાણ અને શરીરના અંતઃ સ્ત્રાવોમાં મોટા ફેરફાર કરી દે છે, જે ભવિષ્યમાં ખૂબ જ ભયંકર રૂપ લઈ શકે છે. આવી પરિસ્થિતિમાં બચાવ માટે સજાગતા જરૂરી છે અને થોડી ઘણી માનસિક બીમારી હોય તો તાત્કાલિક તેને સમભાળી લેવી જોઈએ. લોકોમાં એવી માન્યતા હોય છે કે શારીરિક અને માનસિક બીમારીને કોઈ સબંધ નથી પરંતુ નવા સંશોધનમાં એ વાત સિદ્ધ થઇ ગઇ છે કે જો માનસિક બિમારીમાં બેદરકારી રાખવામાં આવે તો હૃદયરોગથી લઈને શરીરના અંતઃ સ્ત્રાવ અને કેન્સર જેવી બીમારીઓ પણ સર્જાઇ શકે છે.
તણાવ અને હતાશાને ઓળખવા અઘરા..?
માનસિક બીમારી અને ખાસ કરીને હતાશા, તણાવ અને અનિદ્રા જેવા માનસિક રોગોને ઓળખવા અઘરા હોય તેમ દર્દીઓ સારસંભાળમાં ચૂક કરી દે છે. શારીરિક અને રાસાયણિક પરીબળો કે જે જે તણાવ ઉભુ કરી શકે તેમાં માનસિક આઘાત, ચેપો, નશીલા પદાર્થોનું સેવન, બીમારીઓ અને કોઈપણ પ્રકારની નુકસાનીનો સમાવેશ થાય છે. આંતરીક તણાવ કે જેમાં લોકો પોતે જ પોતાને માટે તણાવ ઉભુ કરે છે.
આવુ મોટા ભાગે એવી બાબતો કે જે આપણા નિયંત્રણમાં નથી તેની ચિંતા કરવાથી અથવા પોતાની જાતને એવી પરિસ્થિતિમાં મુકવાથી કે જેનાથી દબાણ ઉભુ થાય છે. આનાથી માનસિક થાક, બીમારી અને હતાશામાં ગરકાવ થતાં વાર નથી લાગતી. માનસિક બિમારીમાં દવા કરતાં પણ દર્દી સાથે પ્રેમાળ વાતાવરણ અને તેની જાળવણી લેવામાં આવે તો તેના સારા પરિણામો મળી શકે છે.