ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ અનેક ચાહકોને ઓચિંતો આઘાત આપ્યો છે, આ બનાવ સાથે જ લોકોના માનસિક આરોગ્ય ઉપર ફરીથી સવાલો ઉભા થયા
સુશાંત શું કામ ‘શાંત’ ?
ફિલ્મસ્ટાર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ અનેક ચાહકોને ઓચિંતો આઘાત આપ્યો છે, આ બનાવ સાથે જ લોકોના માનસિક આરોગ્ય ઉપર ફરીથી સવાલો ઉભા થયા છે. ભારતમાં માનસિક સ્વાસ્થ્ય અંગે દાખવાતી બેદરકારીના કારણે અનેક જીન્દગીઓ હોમાઈ જાય છે. લાઇફ સ્ટાઇલમાં સ્ટ્રેસના પરિણામે હજારો પરિવારો પ્રિય સ્વજન અકારણ જ ગુમાવી બેસે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરો સાઇન્સિઝે ૨૦૧૬માં ૧૨ રાજ્યોમાં સર્વેક્ષણ કરાવ્યું હતું.
તેમાં ચિંતાજનક આંકડા આવ્યા હતા કે વસતીના ૨.૭ ટકા જેટલા લોકો ડિપ્રેશન જેવા કોમન મેન્ટલ ડિસઑર્ડરથી પીડાય છે. ૫.૨ ટકા લોકો ક્યારેય ને ક્યારેય તેનો ભોગ બન્યા હોય છે.
આ સર્વેક્ષણમાંથી એક અંદાજ એવો મળ્યો હતો કે ૧૫ કરોડ લોકો કોઈ ને કોઈ માનસિક સમસ્યાથી ગ્રસ્ત છે અને તેમને તબીબી સારવારની જરૂર છે.
સાઇન્સ મેડિકલ જર્નલ લેનસેટના ૨૦૧૬ના અહેવાલ અનુસાર ભારતમાં જરૂરી હોય તેમાંથી માત્ર ૧૦ ટકા લોકોને જ તબીબી મદદ મળે છે.
તેનાથી પણ ચિંતાજનક વાત એ છે કે ભારતમાં માનસિક સમસ્યાથી ગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
આગામી દસ વર્ષમાં દુનિયાના માનસિક સમસ્યા ગ્રસ્ત લોકોમાંથી ત્રીજા ભાગના ભારતમાં હશે.
જાણકારો ચેતવણી આપી રહ્યા છે કે ભારતમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યા છે. શહેરો મોટાં થઈ રહ્યાં છે.આધુનિક સુવિધાઓ વધી રહી છે, લોકો મોટી સંખ્યામાં પોતાનું ગામ છોડીને શહેરમાં વસવા લાગ્યા છે. આ બધી બાબતોની અસર માણસના મગજ પર પડી શકે છે. તેના કારણે ડિપ્રેશન જેવી સમસ્યા વધવાની આશંકા છે.
નાનપણમાં જ કોમન મેન્ટલ ડિસઑર્ડર એટલે કે સીએમડીની અસર ૩૦થી ૪૦ ટકા લોકોને હોય છે. તે લોકો સમજી શકતા નથી કે તેમને શું બીમારી છે. સીએમડીનાં લક્ષણો અલગ અલગ હોય છે. જેમ કે કામમાં મન ન લાગવું, કોઈ શારીરિક બીમારી ન હોય તો પણ થાક લાગવો, ઊંઘ આવ્યા કરવી, સ્વભાવ ચીડિયો થઈ જવો, ગુસ્સો કરવાનું કે રડવાનું મન થવું.
બાળકોના વર્તનમાં અચાનક પરિવર્તન આવે, સ્કૂલ જવાની ના કહે, ગુસ્સો કરવા લાગે, આળસુ થઈ જાય કે પછી બહુ ચંચળ થઈ જાય તે લક્ષણો હોય છે.
આવાં લક્ષણો સતત બે અઠવાડિયાં સુધી રહે તો સીએમડી થયાનો અંદેશો રહે છે. તેમાં બાળકો અને યુવાનોમાં ઉદાસી, આત્મવિશ્વાસનો અભાવ, ગુસ્સો, ચીડિયાપણું જોવા મળતું હોય છે. મહિલાઓમાં થાક, ગભરાટ, એકાકીપણાની ફરિયાદ હોય છે.
ડોક્ટરોનું કહેવું છે કે સોશિયલ મીડિયાને કારણે પણ કિશોરો અને યુવાનો ડિપ્રેશનમાં આવી જાય છે.
યુવાનોમાં પોતાની રીતે પિયર પ્રેશર, સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપડેટ કરવાનું દબાણ વગેરે તેમના માટે અસ્તિત્વના સવાલો ઊભા કરે છે. આજના જમાનામાં વિકલ્પો વધ્યા છે અને ઍક્સપોઝર વધ્યું છે તેનાથી પણ બાળકો તણાવમાં આવી જાય છે. માત્ર સ્કિઝોફ્રેનિયા, અલ્ઝાઇમર, ડિમેન્શિયા જેવી ગંભીર બીમારી એટલે કે સિવિયર મેન્ટર ડિસઑર્ડર હોય તો જ તેને બીમારી ગણીને સારવાર થાય છે.
રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરા સહિતના શહેરોમાં મનોચિકિત્સકોની સંખ્યા નહિવત સમાન છે, માનસશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોની જરૂર છે તેમાં કોઈ શંકા નથી. અમેરિકામાં ૬૦થી ૭૦ હજાર મનોચિકિત્સક છે, જ્યારે ભારતમાં ચાર હજારથી પણ ઓછા છે. ભારતમાં અત્યારે ઓછામાં ઓછા ૧૫થી ૨૦ હજાર મનોચિકિત્સકોની જરૂર છે.
છેલ્લા થોડા સમયથી કોરોના વાયરસના ભય અને લોકડાઉનની સ્થિતિમાં લોકોના મનમાં નેગેટિવિટી ઘર કરી રહી છે. લોકોના મગજમાં આ વાયરસથી બીમાર પડીને મરવાનો ડર ભરાઈ ગયો છે. આખો દિવસ ટીવી અને સોશિયલ મીડિયા પર સતત કોરોના વાયરસ વિશે જોતા અને વાંચતા લોકો વધુ પડતી સ્વચ્છતા રાખતા થઈ ગયા છે. લાઈફસ્ટાઈલમાં એકાએક આવેલા આ પરિવર્તનને કારણે યુવાનોથી માંડીને વૃદ્ધોના મગજ પર વિપરીત અસર થઈ રહી છે. માણસ સામાજિક પ્રાણી છે. સમાજની રહેણીકરણી કે કહેણી વગર માણસ લાંબા સમય સુધી માનસિક રીતે સ્વસ્થ રહી શકે નહીં, સુશાંતસિંહ રાજપૂતના કિસ્સામાં પણ માનસિક સ્વાસ્થ્યની બાબત પાયાની હોવાનું ફલિત થાય છે. આપઘાત પાછળનું કારણ ગમે તે હોય પરંતુ સુશાંતના મનમાં લાંબા સમયથી અસમંજસ હતી તેવું પણ લાગી રહ્યું છે.
માત્ર ફિલ્મસ્ટાર જ નહીં પરંતુ રાજકોટમાં એક જ દિવસમાં આત્મહત્યાના ત્રણ બનાવો પણ શહેરોમાં લોકોની કથળેલા માનસિક સ્વાસ્થ્ય તરફના ગંભીર સંકેતો આપી રહી છે.