મેઇક ઇન ઇન્ડિયા હેઠળ એપલનું ભારતમાં ઉત્પાદન વધે તે માટે કમર કસતી કેન્દ્ર સરકાર
અબતક, નવી દિલ્હી : મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ માટેના સૌથી મહત્વાકાંક્ષી પ્રયાસ કેન્દ્ર સરકારે હાથ ધર્યો છે. કેન્દ્રએ યુએસ ઇલેક્ટ્રોનિક્સ કંપની એપલને ભારતમાં આગામી 5-6 વર્ષમાં રૂ. 4 લાખ કરોડનું વાર્ષિક ઉત્પાદન જનરેટ કરવા અને મેકબુક્સ, આઇપેડ્સ, એરપોડ્સ અને ઘડિયાળોને અહીં બનાવવાની દરખાસ્ત કરી છે.
કેન્દ્રના ટોચના સરકારી અધિકારીઓએ એપલના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જ્યાં તેઓએ ટિમ કૂકની આગેવાની હેઠળની કંપનીને ભારતને વૈશ્વિક સોર્સિંગ બેઝ તરીકે વિકસાવવા કહ્યું હતું. સાથે અહીંથી ઉત્પાદન કરી પ્રોડક્ટની નિકાસ કરી વૈશ્વિક માર્કેટને ચીન પાસેથી હસ્તગત કરવા પ્લાન ઘડવામાં આવ્યો હતો.
ભારતમાં એપલનું ઉત્પાદન તેની વૈશ્વિક જરૂરિયાતોની સરખામણીમાં ઓછું છે, તેના ટોચના ઉત્પાદન ભાગીદારો, ફોક્સકોન, પાયથોન અને પેગાટ્રોનની તાઈવાનની ત્રિપુટીએ ભારતમાં આધાર સ્થાપિત કર્યો છે. બીજી બાજુ, ચીન કંપનીના મોટા ભાગના ઉત્પાદન માટે જવાબદાર છે અને એવો અંદાજ છે કે તે તેનો 95% માલ ડ્રેગન લેન્ડમાંથી મેળવે છે.
ફોક્સકોન અને વિસ્ટ્રોન ભારતમાં એપલ માટે પહેલાથી જ ઊંચા દરે ઉત્પાદન કરી રહ્યાં છે. કંપની હાલમાં માત્ર ભારતમાં જ આઈફોન બનાવે છે જો કે તાજેતરનો આઈફોન 13 હજુ પણ અહીં બનાવવામાં આવ્યો નથી. તેના પોર્ટફોલિયોમાંના અન્ય ઉત્પાદનો અહીં બનાવવામાં આવતા નથી અને માત્ર આયાત કરવામાં આવે છે.
એપલ એક્ઝિક્યુટિવ્સ સાથેની મીટિંગ તાજેતરમાં થઈ હતી. જ્યાં સરકારના વરિષ્ઠ સભ્યો – એક ટોચના મંત્રી સહિતના હાજર હતા. સરકારે કંપનીને કહ્યું કે ભારત દેશમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે સક્ષમ વાતાવરણ ઊભું કરી રહ્યું છે. જેમાં નિકાસ પર મોટો ફોકસ છે.
સક્ષમ વાતાવરણમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો સમાવેશ થાય છે જે કંપનીઓને ભારતમાં ઉત્પાદન અને વિકાસમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. વધુમાં, મૂડી સબસિડી યોજનાઓ આપવામાં આવી રહી છે, જેમ કે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને કિકસ્ટાર્ટ કરવા માટે મોટી રકમ ફાળવવામાં આવી છે, જ્યાં સરકારે રોકાણ કરવા ઇચ્છુકો માટે 80 હજાર કરોડ સુધીનો ટેકો લંબાવ્યો છે.
ભારતમાં એપલની આવક 2020-21માં 24 હજાર કરોડ રહી હતી, જેમાં 68% નો વધારો નોંધાયો હતો, જોકે આ ટર્નઓવરનો મોટો હિસ્સો એવા ઉત્પાદનોમાંથી આવ્યો હતો જે મોટાભાગે ચીનમાંથી આયાત કરવામાં આવ્યા હતા. ભારતમાં બનેલા ઉત્પાદનોનું વેચાણ ઘણું ઓછું હશે.