યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી દ્વારા ૫૦૦ વિદ્યાર્થીઓ ઉપર કરાયો સર્વે: ફેસબુકનો વધુ ઉપયોગ કરનાર છાત્રોનાં પરિણામ બગડયા
જો પરીક્ષામાં સારા ગુણ સાથે પાસ થવું હોય તો સોશિયલ મીડિયાથી દુર રહેવું જોઈએ તેવું તાજેતરમાં થયેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું. જેઓ સોશિયલ મીડિયાથી દુર રહેતા હોય પરીક્ષામાં તેમના ગુણ સારા હોવાનું આ અભ્યાસમાં જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને ફેસબુકથી દુર રહેવાની ચેતવણી આ અભ્યાસમાં અપાઈ હતી. કોમ્પ્યુટર અને એજયુકેશન મુદ્દે થયેલા આ અભ્યાસમાં ૫૦૦ સ્ટુડન્ટનો સમાવેશ થયો હતો. આ અભ્યાસ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી દ્વારા સરેરાશ ૧૯ વર્ષનાં વિદ્યાર્થીઓ ઉપર થયો છે.
યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સીડની દ્વારા કરવામાં આવેલા અભ્યાસ ઉપરથી ફલિત થયું છે કે, જે વિદ્યાર્થીઓ ફેસબુક ઉપર વધુ સમય વિતાવતા ન હોય તેમનાં ગુણ સારા આવે છે જયારે ફેસબુકમાં વધારેને વધારે સમય વ્યતિત કરનાર વિદ્યાર્થીઓને માર્કસ મેળવવામાં તકલીફ પડે છે. ખાસ કરીને આ અભ્યાસમાં ફેસબુકનો ઉલ્લેખ કરાયો છે. જે વિદ્યાર્થીઓ ફેસબુક ઉપર ૨ કલાક જેટલો સરેરાશ સમય વિતાવતા હોય તેઓને અન્ય સોશિયલ મીડિયા વેબસાઈટ પર વિતાવેલા ૮ કલાકનાં સમય જેટલું જ નુકસાન થાય છે.
એકંદરે અભ્યાસમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સરખામણીમાં ફેસબુકને વધુ ઈન્ફેકટીવ કહ્યું છે. ફેસબુક વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર અસર કરી શકે તેવું ફલિત થઈ રહ્યું છે.
સર્વે દરમિયાન એમ પણ જાણવા મળ્યું હતું કે, જે છાત્રો એક દિવસમાં સરેરાશ ૩ કલાક જેટલો સમય ફેસબુક પાછળ વિતાવે છે તેઓનું રીઝલ્ટ વધુ ખરાબ રહે છે. ફેસબુક ઉપર ઓછો સમય વિતાવતા હોય તેવા વિદ્યાર્થીઓનું પરીણામ થોડુક ઉજળુ જોવા મળે છે. જે વિદ્યાર્થીઓ ફોનનો વધુને વધુ ઉપયોગ કરતા હોય તેમનાં પરીણામમાં પણ ફરક જોવા મળ્યો હતો. ટેકનોલોજીનાં ઉપયોગની સાથે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે આ સર્વેમાં વિવિધ મુદાને લોકો સમક્ષ લાવવામાં આવ્યા હતા. બાળકને વધુને વધુ મોબાઈલનો ઉપયોગ કરવાની છુટ આપતા વાલીઓ માટે યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડનીનો આ અભ્યાસ ખુબ જ મહત્વનો બની રહ્યો છે.