સ્પર્ધામાં 150થી વધુ સ્પર્ધકોએ લીધો ભાગ
આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં સંયુક્ત ઉપક્રમે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લાના યોગ સાધકો માટે આયોજિત “સાંસદ યોગ સ્પર્ધા”નો શુભારંભ સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, આપણા જીવનને આરોગ્યમય કરવું હોય તો નિયમિત યોગ કરવા જોઇએ એ જીવન જીવવાની કલા અને જડીબુટી સમાન છે. યોગ આપણને તંદુરસ્ત અને આરોગ્યપ્રદ જીવન જીવવાની માર્ગદર્શિકા પુરી પાડે છે.
આ તકે સાંસદ રામભાઈ મોકરીયા એ કહ્યું હતું કે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે માનવ સમાજને ભારત તરફથી મળેલી સાધના પદ્ધતિ યોગની વૈશ્વિક ઓળખ વિશ્વ યોગ દિનની ઉજવણીથી મળી છે. યોગ એ આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર છે. તેમણે સમગ્ર વિશ્વને યોગની બક્ષિસ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
આ તકે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના કો -ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપી હતી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
રમત ગમત અધિકારી રમા મદ્રાએ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. યોજાયેલી યોગ સ્પર્ધામાં જજ તરીકે વંદનાબેન રાજાણી, વાલજીભાઈ ડાભી તથા અનિલભાઈ ત્રિવેદીએ ફરજ બજાવી હતી તેમજ નેશનલ ચેમ્પિયન કોમલ મકવાણાએ યોગ નિદર્શન કર્યું હતું. “સાંસદ યોગ સ્પર્ધા” અંદાજિત 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા