જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો બહુ જલદી ખરીદી લો કારણ કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર કાર પર સેસ વધારી શકે છે. હાલમાં ગુડ્સ એન્ડ સર્વિસ સિસ્ટમ હેઠળ મધ્યમ, મોટી અને એસયુવી કાર પર સેસ 15 ટકા છે જેને વધારીને કેન્દ્રિય કેબિનેટ 25 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર વટહુકમ લાવે તેવી શકયતા છે.
પાંચ ઓગસ્ટના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટર વ્હીકલ્સ પર લગાવવામાં આવતા સેસની મહતમ સીમા વધારવા માટે જીએસટી કંપનસેશન લોમાં સંશોધન કરવાના એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
તાજેતરમાં પૂર્ણ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં સંશોધન રજૂ કરી શકાયું નહોતું. જેને કારણે સરકાર હવે એક વટહુકમ લાવી કાયદામાં ફેરફાર કરશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, જીએસટી કાઉન્સિલની આગામી બેઠક અગાઉ સંશોધન તૈયાર કરવામાં આવશે પરંતુ સેસ વધારવાનો સમય અને માત્રાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ જ કરશે.
કેન્દ્ર સરકારે જીએસટી લાગૂ થયા બાદ રેવન્યૂમાં નુકસાનનો સામનો કરી રહેલા રાજ્યોની નુકસાનની ભરપાઇ માટે વિશેષ લક્ઝરી અને આ પ્રકારની અન્ય પ્રોડક્ટ્સ પર સેસ લગાવવાના હેતુથી એક અલગ જીએસટી (કંપનસેશન) બિલ, 2016 રજૂ કર્યું હતું.
જીએસટી લાગૂ કરવા માટે બંધારણમાં કરવામાં આવેલા સંશોધનમાં રાજ્યોને નુકસાનની ભરપાઇ કરવાની જોગવાઇ છે. આ હેઠળ જીએસટી લાગૂ થવાના કારણે રાજ્યોને થનારા નુકસાનની ભરપાઇ કેન્દ્ર પાંચ વર્ષ સુધી કરશે.
જીએસટી લાગુ થયા બાદ ટેક્સમાં થયેલા ઘટાડાના કારણે ઓટોમોબાઇલ કંપનીઓએ મોટી કારો અને એસયુવી કારોમાં 1.1 લાખથી માંડી 3 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હવે સરકારની સેસ વધારવાની યોજનાને કારણે કંપનીઓ નારાજ છે. કંપંનીઓના મતે જીએસટીના કારણે કિંમતમાં ઘટાડો થયો હતો અને હવે તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
કંપનીઓના કહેવા પ્રમાણે, મોટી અને એસયુવી કારો પર જીએસટી રેટ 28 ટકા છે અને તેના પર 25 ટકા સેસ લાગતા કુલ ટેક્સ 53 ટકા થઇ જશે. જોકે, સરકારની અધિકારીઓના કહેવા પ્રમાણે, 25 ટકા સેસ મહતમ સીમા છે. આનાથી ઓછા ટકા સેસ વધી શકે છે.