સંગીતના તાલે ઝૂમ્યા રાજકોટવાસીઓ: બી.કે.દામિનીબહેનની વિશેષ ઉપસ્થિતિમાં ‘શિવ દર્શન, સાંસ્કૃતિક સંગીત સંધ્યા’
સાથે ‘અલવિદા તનાવ’ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ: સાંસ્કૃતિ કૃતિઓ સાથે નાગરિકોએ સ્વર્ણિમ ભારતની ઝાંખી નિહાળી
રાજકોટની પ્રજાને તનાવ મુક્ત કરવા અને સાચા મૂલ્યો સાથે જીવન જીવવાની પ્રેરણા આપવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા તા. 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી “અલવિદા તનાવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આજરોજ સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ અમદાવાદથી આવેલ અને ફિઝ્યોથેરાપિસ્ટ બી.કે. દામિની બહેનની વિશેષ ઉપસ્થિતિમાં “શિવ દર્શન સાંસ્કૃતિક સંગીત સંધ્યા” યોજાઈ હતી. દામિની બહેનેશીતળ આવાજ થકી આધ્યાત્મિક ગીતો ગાઈને શાંતિ અને પ્રેમની સુરાવલી ફેલાવતા રાજકોટ વાસીઓ સંગીતના તાલે ઝૂમ્યા હતા.
વર્તમાન પરિસ્થિતિમાં ઈશ્વરીય જ્ઞાનના મહત્વ વિશે વાત કરતાં બી.કે. દામિની બહેને કહ્યું હતું કે, આજે સંસારની માયામાં ફસાઈને સૌ કોઈ દુ:ખી અને પરેશાન છે. કળિયુગના આ સમયમાં ઘરે ઘરે મહાભારતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અવગુણો રૂપી દુર્યોધન અને દુ:શાસન આજે પણ આપણી વચ્ચે છે.
અનેક દ્રોપદીઓ પોતાની સુરક્ષા કરવા મજબૂર બની છે. ત્યારે હવે સમય આવી ગયો છે ઈશ્વર આપણને કળિયુગની દુનિયામાંથી સતયુગ તરફ લઈ જવા આવી ચૂકયા છે. તેથી સમય વેડફવાને બદલે સમયનો સદુપયોગ કરીને ઈશ્વરની છત્રછાયામાં રહીને સતકર્મો કરીને સંગઠન શકિતથી આ ઘરા ઉપર સતયુગની સ્થાપના કરીએ.
“શંકાનો નકશો લઈને સૌને શ્રદ્ધા સુધી જવું છે, પગમાં પાપની ધૂળ છે તોય સ્વર્ગમાં જવું છે” કહેવત કહેતા બી.કે.દામિનીએ વધુ ઉમેર્યું હતું કે, સતયુગમાં સ્થાન લેવા માટે સ્વયંને શ્રેષ્ઠ બનાવવા પડશે. પુરુષમાંથી પુરુષોત્તમ બનવું પડશે. આજે તનાવ માટેના મુખ્ય કારણો છે ફરિયાદ, તુલના અને ટીકા. જો આ અવગુણોને જીવનમાંથી કાઢી નાખશું તો આપણું જીવન સુખમય હશે.
આ અવસરે બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલ બાળકો અને કુમારીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ રાજનગર અને મેહુલનગર સેવા કેન્દ્ર દ્વારા સ્વર્ણિમ ભારતની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી.
ઉલ્લેખનીય છે કે, 9 દિવસ ચાલેલા નિ:શુલ્ક “અલવિદા તનાવ” કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત ઝોનના ઇન્ચાર્જ ભારતી દીદીના માર્ગદર્શન હેઠળ રાજકોટના 17 બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
સંગીત એવું માધ્યમ જેનાથી પરમાત્મા સાથે સીધા જોડાઇ શકીએ: બ્રહ્માકુમારી દામીનીદીદી
અમદાવાદથી ખાસ ઉ5સ્થિત રહેલા ગાયીકા બ્રહ્માકુમારી દામીની દીદીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે સંગીત એક એવું માધ્યમ છે. જેના દ્વારા પરમાત્મા સાથે સિધા કનેક્ટ થઇ શકીએ. કોઇપણ ધર્મ હોય પરમાત્મા સાથે કનેક્ટ થવાનું એક જ માધ્યમ સંગીત છે. આ સંગીત સંધ્યાનો એક જ ઉદેશ્ય હતો કે સંગીતના સુરથી પરમાત્મા સાથે કનેક્ટ થાય છે. આ કાર્યક્રમ પણ તેમનો નાનો એવો ભાગ હતો. વિશ્ર્વ પરિવર્તનના કાર્યનાં બધાએ જોડાવું જોઇએ પરંતુ વિશ્ર્વ પરિવર્તન સર્વ પરિવર્તનથી જ શક્ય બનશે. લોકો મનના માલિક બનવું જોઇએ એના માટે પરમાત્માએ રાજયોગ શીખવ્યો છે.
રાજયોગના અભ્યાસથી સર્વ પરિવર્તનથી આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટવાસીઓનો ખૂબ જ આભાર વ્યક્ત કરૂં છું કેમ કે આજના સમયમાં લોકો જો થોડોક પણ સમય મળશે તો પાર્ટી કરશે. અલગ-અલગ સેલીબ્રેશન કરશે. પરંતુ એમ કહું તો મોટી સંખ્યામાં યુવાનો પણ આ કાર્યક્રમમાં આવ્યા છે. એવું તો કંઇ ખાસ છે કે જે લોકોને અહિં કાર્યક્રમનાં આકર્ષિત કરી ખેંચી લાવ્યા છે. એમ કહુ તો રાજકોટવાસીઓનાં મે પરમાત્મા મિલનની ભૂખ જોઇ છે. તે ભુખ જ અહિં ખેંચીને લાવી છે. હું તો એમ કહું છું કે પોતાના પરિવર્તન માટે બધાએ માત્ર એક કલાકનો સમય કાઢવો જોઇએ.
‘અલવિદા તનાવ’ કાર્યક્રમ રાજકોટવાસીઓ માટે અદ્ભૂત લ્હાવા સમાન રહ્યો: પુષ્પા રાઠોડ
પુજા હોબી સેન્ટરના પુષ્પા રાઠોડે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે બ્રહ્માકુમારીઝ દ્વારા આ અદ્ભૂત આયોજન કરવામાં આવ્યું છે. આયોજન રાજકોટવાસીઓ માટે એક અદ્ભૂત લ્હાવો છે. આ કાર્યક્રમથી ખરેખર તનાવમાંથી મુક્તિ મળે છે અને આનંદની અનુભૂતિ થઇ છે. જેના માટે બ્રહ્માકુમારીઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું. જીવન કેવી રીતે જીવવું તેની સાચી અનુભૂતિ આ કાર્યક્રમમાં થઇ છે, તેથી બ્રહ્માકુમારીઝ હજુ પણ આવા કાર્યક્રમ કરવામાં આવતા રહે તેવું હું ઇચ્છુ છું અને તમામનો આભાર વ્યક્ત કરૂં છું.