દિકરી ભણે તો બે ઘર તારે… આ કહેવત હવે મર્યાદિત બની ગઈ છે. મહિલા સશક્તિકરણની દિશામાં હવે માત્ર વાતો જ નથી થતી પરિણામો દેખાવા લાગ્યા છે. અગાઉની સામાજીક માન્યતા અને દિકરા-દિકરીના ભેદમાંથી એકાદ સમાજ નહીં સમગ્ર દેશ બહાર નીકળી રહ્યો હોય તેમ ઉચ્ચ શિક્ષણમાં 5 વર્ષમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનમાં મહિલાઓમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ 18 ટકાથી વધ્યું છે.
ઉચ્ચ શિક્ષણમાં ‘ભાયુ તારા વળતા પાણી…’ જેવી પરિસ્થિતિ: મેડિકલ અને ઉચ્ચસ્તરીય શિક્ષણમાં મહિલા વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ જો કે, ટેકનીકલ કોર્ષમાં હજુ બે ડગલા પાછળ
તાજેતરમાં જ રાષ્ટ્ર વ્યાપી સર્વેમાં ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન 2019-20ના પ્રકાશિત થયેલા અહેવાલમાં આ ચિત્ર બહાર આવ્યું છે. ઉચ્ચ શિક્ષણમાં ખાસ કરીને એમ.ફીલ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ઉચ્ચ ઉપાધી શ્રેણીના અભ્યાસક્રમોમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે. મેડિકલ સાયન્સ, બીએ. બીએસસીમાં આજ પરિસ્થિતિ છે જો કે, અન્ય વ્યવસાયીક અને ટેકનીકલ કોર્ષમાં હજુ મહિલાઓની રૂચી ઓછી દેખાઈ રહી છે.
મહિલાઓના ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અને અભ્યાસ અંગેના સર્વેમાં ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓનું પ્રમાણ અગાઉના 26.9 ટકા કરતા વધીને 27.3 ટકા જેટલું થવા જઈ રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં એમ.એ., એમએસસી, એમ.કોમ સ્તરના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં મહિલાઓની ટકાવારી 18.2 ટકા જેટલી વધી છે. 2019-20માં ઉચ્ચ અભ્યાસમાં મહિલાઓનો દબદબો વધ્યાનું તારણ છે. આ સર્વેમાં કરવામાં આવેલા અભ્યાસમાં મહિલા વિદ્યાર્થીઓની પસંદગી અને સફળતાનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર સંચાલિત ટેકનીકલ અને ખાનગી યુનિવર્સિટીમાં અગાઉ 2499 અને હવે 3702ની સંખ્યા બહાર આવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે, મહિલા વિદ્યાર્થિનીની સંખ્યા ટેકનીકલ ક્ષેત્રે ઓછી છે જો કે, અનુસ્નાતક કક્ષાના આર્ટ, સાયન્સ અને કોમર્સના અભ્યાસક્રમોમાં મહિલાઓની 2015ની પરિસ્થિતિએ 2019-20માં ઉછાળો જોવા મળ્યો છે જો કે હવે બીસીએ, બીબીએ, બીટેક, બીઈઈ અને એલએલબીમાં મહિલાની રૂચી મર્યાદિત રહેવા પામી છે. બીએમાં પુરૂષોની ટકાવારી 47.1 અને મહિલાઓની 52.9 ટકા જ્યારે બીએસસીમાં 47.07 લાખ વિદ્યાર્થીઓમાં 52.3 ટકા મહિલા વિદ્યાર્થીઓ બીએસસી માનદમાં 54.8 ટકા પુરૂષો, એમબીએમાં 57.4 ટકા પુરૂષો, બીટેકમાં પુરૂષો 71.5 ટકા, બીઈમાં 71 ટકા પુરૂષો સંખ્યા જોવા મળી છે.
ટેકનીકલ કોર્ષમાં મહિલા વિદ્યાર્થિનીઓમાં હજુ જોઈએ તેવી રૂચી આવી નથી. અલબત મેડિકલ સાયન્સમાં ચિત્ર અલગ છે. કુલ 13.5 લાખ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં મહિલાઓનું પ્રમાણ 62.2 ટકા અને સંખ્યા 8.04 લાખ થવા જઈ રહી છે. રાષ્ટ્રીય ધોરણે કરવામાં આવેલા પુરૂષ અને મહિલા વિદ્યાર્થિનીઓના સર્વેમાં સમગ્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 49.1 ટકા પુરૂષ અને 50.1 ટકા મહિલાઓ, કર્ણાટકમાં મહિલાઓની ઉચ્ચ શિક્ષણમાં ટકાવારી 50.2 ટકા જેવી થવા જઈ રહી છે.