વિવિધ પક્ષીઓના કલરવથી ગુંજતા, હરણ સહિતના અન્ય પ્રાણીઓથી શોભતા એવા ડાલા મથા સાવજનું ઘર છે ગીર દેવળિયા સફારી
ભલે તમે પૂરા વિશ્વની સાથે ગુજરાતનો પ્રવાસ કરી લીધો હોય પણ જો તમે સાસણ નજીકના વિવિધ પક્ષીઓના કલરવથી ગુંજતા, હરણ સહિતના અન્ય પ્રાણીઓથી શોભતા એવા ડાલા મથા સાવજના ઘર સમાન ગીર દેવળિયા સફારી જવાનું ચૂકી જશો તો તમારો ગુજરાત પ્રવાસ અધૂરો રહેશે.
જુનાગઢ જિલ્લાના સાસણ ગીરથી લગભગ 12 કિમી પશ્ચિમે દેવળિયા આવેલું છે. આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદરનો એક વિસ્તાર છે. જે ગીર ઈન્ટરપ્રિટેશન ઝોન અથવા ફક્ત દેવળિયા તરીકે વધુ જાણીતો છે.
દેવળિયા સફારી પાર્ક એ 4.12 ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે.
બસ અથવા જીપ્સી વડે દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસ કરી શકાય છે, આ સફારી પાર્કમાં સિંહ, હરણ, દિપડા, કાળિયાર સહિતના પ્રાણી અને અસંખ્ય પ્રકારના પક્ષીઓ જોઇ શકાય છે.
એમાંય હાલમાં ઉનાળાનો સમય છે ત્યારે વન વિભાગ દ્વારા દેવળિયા સફારી પાર્કમાં પાણીના કૃત્રિમ પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેને લઇને સિંહ સહિતના અન્ય પ્રાણીઓ આ પાણીના કૃત્રિમ પોઇન્ટ પર આવી પોતાની તરસ છિપાવે છે, અને ટાઢક મેળવવા મસ્તીનો આરામ ફરમાવતા નજરે પડે છે, ત્યારે વેકેશનમાં ફરવા નીકળેલા પ્રવાસીઓ દેવળિયા સફારી પાર્કમાં મુક્ત રીતે હરતા, ફરતા, આરામ કરતા અને પોતાના પરિવાર સાથે મોજ કરતા સિંહ સહિતના પ્રાણીઓને રોમાંચિત થઈ ખૂબ નજીકથી જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, અને કુદરતની આ અમૂલ્ય ભેટને નીરખી ધન્યતા અનુભવી રહ્યા છે, અને તેની આ રોમાંચિત સફરને યાદગાર બનાવવા પોતાના કેમેરા અને મોબાઈલમાં આ દ્રશ્યો કંડારી રહ્યા છે.
દેવળિયા સફારી પાર્ક ગીરના વન્ય જીવનું વતન છે. જે ફેન્સ્ડ કમ્પાઉન્ડ 4.12 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. અને આ પ્રદેશમાં તમને સિંહોનો શ્રેષ્ઠ નજારો મળવાની ખાતરી છે.
જો કે, અહીં પ્રાણીઓ સ્ટેજ-મેનેજ હોય તેવું લાગે છે અને આ પ્રદેશને સમગ્ર ઉદ્યાન માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ગણી શકાય નહીં. પરંતુ આપણે તો વનમાં વિહરતા સિંહોની સાથે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળવા હોય છે ત્યારે તમે અહી સિંહોની સાથે સ્પોટેડ હરણ અને અન્ય પ્રાણી, પક્ષીઓ પણ શોધી શકો છો.
તે સાથે માનવ અથવા પશુ પર હમલો કરી ચૂકેલા પાંજરાની અંદર પડેલા ભવ્ય દિપડાઓ પણ નિહાળી શકો.છો જે પણ અહી આવતા પ્રવાસીઓનું આકર્ષકનું કેન્દ્ર છે. અને એટલે જ કહીએ છીએ કે, ભલે તમે આખી દુનિયાની સાથે પૂરું ગુજરાત ફરી લીધું હોય પણ જો તમે સાસણ નજીકના ગીર દેવળિયા સફારી જવાનું ચૂકી જશો તો તમારો ગુજરાત પ્રવાસ અધૂરો રહેશે તેની ખાતરી છે. અને સુપર સ્ટાર અમિતાભની જેમ કહીએ તો, જો આપને દેવળિયા નહિ દેખા તો, કુછ નહિ દેખા….. એટલે આ વેકેશનમાં સાસણ નજીકના ગીર દેવળિયા સફારી આવવાનું ચૂકશો નહિ.