- રાજવીઓએ રાજ, રૈયત અને રાષ્ટ્રને કેન્દ્રમા રાખી નિર્મળ મનથી રાજધૂરા સંભાળી: મહારાજ વિજયરાજસિંહજી- ભાવનગર
- ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રણજીત વિલાસ પેલેસ ખાતે પ્રેમોત્સવ
- ભારતીય સનાતન સંસ્કૃતિમાં નારીત્વનો આદર કેન્દ્ર સ્થાને છે:રાણી સાહેબા કાદમ્બરીદેવીજી
રાજકોટ રાજ પરિવારના આંગણે રણજીત વિલાસ પેલેસ ખાતે સંપન્ન થયેલાં પ્રેમોત્સવ-પ્રેમનું પ્રગટીકરણ અને સ્નેહના સિંચન સમારોહમાં વિભાણી પરિવાર જનો, રાજકોટ રાજ્યના ભાયાતો, સમસ્ત ક્ષત્રિય સમાજના મોભીઓ, રાજકવિ અને રાજબારોટજીને સંબોધતાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ઉપર મુજબ કહ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે ભારતીય કાલગણના અનુસાર અઠવાડિયામાં સાત જ વાર હોય છે. પરંતુ કેટલાંક લોકો પાસે આઠમો વાર પણ હોય છે અને એ આઠમો વાર એટલે પરિવાર. આપણે સહુ ભાગ્યશાળી છીએ કે આપણો વિભાણી પરિવાર આ આઠમા વારનો અધિપતિ છે. સંબંધખના દિવ્ય ખેતરમાં હૂંફની ખેતીકરવા માટે આપણાં યશસ્વી પૂર્વજોએ કરેલાં દ્રઢ સંકલ્પ બળથી આપણે સહુ એક અને નેક રહ્યાં શક્યાં છીએ. આપણાં સહુની પ્રકૃતિ થોડા ઘણાં અંશે અલગ હોવાં છતાં પણ સુખ કે દુ:ખની ક્ષણોના ખુમારી પૂર્વક આવકાર સાથે ભય નહીં પરંતુ ભરોસો, કાયદો નહીં પરંતુ અનુશાસન, શોષણ નહીં પરંતુ પોષણ, આગ્રહ નહીં પરંતુ આદર લક્ષી વિભાવના એ આપણાં વિભાણી પરિવારનું અનૂઠાપન છે. અને આત્મીયતાનો રાજપૂતાના દિવ્ય પ્રકાશ રેલાવો જ જોઇએ એવી સંકલ્પના સાથે અમોએ પ્રેમોત્સવ-પ્રેમનું પ્રગટીકરણ અને સ્નેહના સિંચન હેતુ આપ સહુને એક ટહૂકો કર્યો, અમારા એ ટહૂકાનો પડઘો પાડીને આપ સહુ અત્રે પધાર્યા જેનો અત્યંત રાજીપો વ્યક્ત કરૂં છું. રાજકોટ રાજ પરિવારના પ્રત્યેક સ્નેહીજનોનાં સ્નેહ સભર સંગાથ માટેનું અમારું સ્વપ્ન આજે સાકાર થયું છે.
વૈદિક મંત્રોચ્ચારની દિવ્ય ગાન સંગાથે દીપ પ્રજ્વલિત કર્યા બાદ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ભાવનગર મહારાજ સાહેબ વિજયરાજસિંહજીએ જણાવ્યું હતું કે, ધર્મ, કર્મ, અધ્યાત્મ, ભક્તિ અને જ્ઞાન આ પંચતરણી માર્ગના નિતાંત પથિક એવા રાજકોટ રાજ પરિવારના આંગણે સંપન્ન થઇ રહેલાં આ પ્રેમોત્સવ-પ્રેમનું પ્રગટીકરણ અને સ્નેહના સિંચન સમારંભનો દીપ પ્રજ્વલિત કર્યો ત્યારે અનુભવાયું કે, જ્યોતની સાક્ષીએ સંપન્ન થતાં કાર્યને સ્વયં પરમાત્મા ઝીલી લેતાં હોય છે.રાજ, રૈયત અને રાષ્ટ્રને કેન્દ્ર સ્થાને રાખીને નિષ્કામ ભાવ અને નિર્મળ મનથી રાજધૂરા સંભાળવી એ રાજકોટ તથા ભાવનગર રાજવીઓની રાજ પરંપરા રહી છે. આ પ્રકારના ભવ્યાતિભવ્ય સંસ્કાર વારસાના વારસદાર બનવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું તે ઘટના જ મારે મન જીવન સાર્થક્યનું મંગલાચરણ છે.
રાજકોટ રાજ પરિવારના આંગણે ભાયાતો, વિભાણી પરિવારના આપ સહુ સદસ્યો ઉપરાંત સમસ્ત ક્ષત્રિય સમાજના મોભીઓની સવિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઇ રહેલાં આ પ્રેમોત્સવ-પ્રેમનું પ્રગટીકરણ અને સ્નેહના સિંચન સમારોહ સમયે રોપાઇ રહેલું આ ‘પ્રેમબીજ’ અંકૂરિત થઇને વટવૃક્ષમાં પરિવર્તિત થાય તેવી શુભકામનાઓ પાઠવું છું.
રાજકોટ રાજ્યના રાજવીઓના શૌર્યસભર ભવ્ય ભૂતકાળની ઐતિહાસિક વિગતોનું ઘેઘૂર કંઠથી યશોગાન કરીને રાજકવિ મુળુભા લાંગા વંશજ કવિરાજ નિર્લેપ દાદુભાઇ રામભાઇ લાંગાએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી અને વહીવંચા રાજબારોટજી પોપટભી (પ્રેમસંગજી) ખીમાજી વંશજ સર્વ મનુભા4 દેવેન્દ્રસિંહજી રાજકોટ રાજ પરિવાર ગૌરવશાળી વૈભવ વારસાનું રસપાન કરાવ્યું હતું.
આભાર દર્શન કરતી વખતે રાણી સાહેબા અ. સૌ. કાદમ્બરી દેવીજીએ કહ્યું હતું કે, સ્નેહસભર સંબંધોમાં પ્રેમભાવની સાથે જ એક-બીજાં પ્રત્યેનો આદરભાવ સૌથી વધારે મહત્વ ધરાવે છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં નારીત્વનો આદર કેન્દ્ર સ્થાને છે. માતૃરૂપથી આરંભ કરીને નિદ્રાધીન સુધીની ઉપમાઓ આપીને આપણાં આર્ષદ્રષ્ટાઓએ શક્તિ સ્વરૂપા નારીનું પૂજન કર્યું છે. વર્તમાન લોકશાહી યુગમાં પણ રાજકોટ રાજ પરિવાર પોતાનાં પૂર્વજોએ કંડારેલી પ્રજા વત્સલ કેડી ઉપર અવિરત આગળ ધપતાં રહેવાનું સ્વીકારીને પોતાનો ક્ષાત્રધર્મ નિભાવી રહેલ છે ત્યારે આપણે સહુ વિભાણી પરિવારજનોં સંપ, સૌહાર્દ, સમજણ, સમર્પણ અને ત્યાગની ભૂમિકાએ એકજૂટ રહીને આપણી ભવ્ય રાજપૂતાના ધરોહરને નવી ઊંચાઇઓ પ્રદાન કરવામાં આપણું યોગદાન આપીએ.
રાજકોટ રાજ પરિવારના આંગણે સંપન્ન થયેલાં પ્રેમોત્સવમાં ભાયાતો સર્વ ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી જાડેજા (ધ્રોલ), ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી જાડેજા (વિરપુર), ઠાકોર સાહેબ અશોકસિંહજી જાડેજા (ગૌરીદડ), ઠાકોર સાહેબ અમરસિંહજી જાડેજા (પાળ), ઠાકોર સાહેબ જયરાજસિંહજી જાડેજા (ખીરસરા), ઠાકોર સાહેબ રાજવિજય સિંહજી જાડેજા (રાજપરા), કુમાર સાહેબ અર્જુનસિંહજી જાડેજા (જામનગર), કુમાર સાહેબ અંબિકાપ્રતાપસિંહજી જાડેજા (મહીકા), કુમાર સાહેબ રણજીતસિંહજી જાડેજા (કોઠારીયા), કુમાર સાહેબ પ્રધુમનસિંહજી જાડેજા (ધ્રોલ), દરબાર સાહેબ નરવીરસિંહજી જાડેજા (ઢોલરા), દરબાર સાહેબ દિવ્યરાજ સિંહજી જાડેજા (બાળપર), દરબાર સાહેબ નરપતસિંહજી જાડેજા (સુકી સાજડીયાળી), દરબાર સાહેબ રામદેવસિંહજી જાડેજા (પાડાસણ), મ્યુનિસિપલ કમિશ્નર ડી.પી. દેસાઇ સાહેબ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સપરિવાર ઉપસ્થિત રહ્યાં હતા.
અંદાજે ત્રણહજાર જેટલાં ભાયાતો, વિભાણી પરિવારજનો અને સમસ્ત ક્ષત્રિય સમાજના મોભીઓની વિશાળ ઉપસ્થિતિમાં સંપન્ન થયેલાં પ્રેમોત્સવ-પ્રેમનું પ્રગટીકરણ અને સ્નેહના સિંચન સમારોહને સફળ બનાવવા માટે સર્વ પરબતસિંહજી જાડેજા (સુકી સાજડીયાળી), દૈવતસિંહ જાડેજા (ચાંદલી), રણવીરસિંહ જાડેજા (વાગુદડ), દેવેન્દ્રસિંહજી (ટીકુભા) કોઠારીયા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા (માખાવડ), ભાર્ગવીબા દેવેન્દ્રસિંહ ગોહીલ, ભગિની સેવા ફાઉન્ડેશન, ચંદ્રસિંહ ભાડવા સ્ટડી સર્કલ અને હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયની ટીમે જહેમત ઉઠાવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લાખાજીરાજ ગ્રંથાલયના એક્ઝીક્યુટીવ ડાયરેકટર ડો. કલાધર આર્યએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું.