પ્રેમએ સાર્વત્રિક શક્તિ છે, અને વિશ્ર્વ શાંતિમાં તેની ભૂમિકા વિશેષ ગણાય છે: પ્રેમની સાથે હકારાત્મક બાબત જોડાયેલી છે: બિનશરતી પ્રેમને સીમાઓ વિનાના પ્રેમ તરીકે દર્શાવી શકાય
વિશ્ર્વની કોઇપણ સમસ્યાનો ઉકેલ પ્રેમ સભર ભાષા છે: પ્રેમનો અર્થ જ પોતાની જાતને પ્રેમ કરવો: તમે દરેક વસ્તુંને પ્રેમ કરતાં શીખી લેશો તો તમારી આસપાસ પ્રેમ કુદરતી રીતે જ આવી જાય છે: તમારી અપૂર્ણતાને, ભૂલોને સ્વીકારો એ જ તમારા દ્રષ્ટિકોણ ફેરફાર માટે શ્રેષ્ઠ છે
પ્રેમની શરૂઆત જ સ્વ.સ્વિકૃત્તિ અને ક્ષમાથી થાય છે: આપણે સૌએ આદર-કરૂણા-હુંફ-લાગણી સાથે વિવિધતાને સ્વીકારવી જોઇએ: લવ ફાઉન્ડેશને 2004માં વૈશ્ર્વિક પ્રેમ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો ઉદ્દેશ તમામ વ્યક્તિઓ માટે મજબૂત પાયો અને સમજણનું નિરૂપણ કરવાનો હતો
અઢી અક્ષરના ‘પ્રેમ’માં દુનિયાને જીતવાની તાકાત રહેલી છે. માનવ-માનવ વચ્ચેનો પ્રેમ અને દેશ-દેશ વચ્ચેનો પ્રેમ જ વિશ્ર્વશાંતિની પહેલ સમું છે. પ્રેમએ એક સાર્વત્રિક શક્તિ છે, જે વિશ્ર્વ શાંતિ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બાળથી મોટેરા દરેક પ્રેમની ભાષા સમજી શકે છે. પ્રેમની સાથે હકારાત્મક બાબત જોડાયેલી હોવાથી તે બિનશરતી છે, અને તેને કોઇ સીમા કે વાડા નડતા નથી. વિશ્ર્વની કોઇપણ સમસ્યાનો ઉકેલ પ્રેમસભર ભાષા છે. આજકાલના યુવા વર્ગના કે ફિલ્મી લવની વાત નથી પણ પોતાની જાતને જે માણસ પ્રેમ કરી શકે તે સમગ્ર માનવ જાતને પ્રેમ કરી શકે છે. પ્રેમનો અર્થ જ પોતાની જાતને પ્રેમ કરવો એમ થાય છે.
પૃથ્વી પર વસતો દરેક માનવી પોતાની અપૂર્ણતાને, ભૂલોને સ્વીકારતો થાય તોજ તેનો દ્રષ્ટિકોણ બદલાય છે. વૈશ્ર્વિકસ્તરે તેની મહત્તા વધારવા લવ ફાઉન્ડેશને 2004માં વૈશ્ર્વિક લવ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો હેતું તમામ વ્યક્તિઓ માટે મજબૂત પાયો અને સમજણનું નિરૂપણ કરવાનો હતો. આજે લગભગ દુનિયાના 50થી વધુ દેશોમાં પ્રેમ એમ્બેસેડર છે. દરેક ધર્મમાં પ્રેમને મહત્વ અપાયું છે, આપણાં પૌરાણિક ગ્રંથો અને મહાન લોકો દ્વારા પણ પ્રેમનો સંદેશો અપાયો છે. દર વર્ષે 1લી મે ના રોજ આ દિવસ ઉજવાય છે.
વૈશ્ર્વિક પ્રેમએ સમગ્ર માનવ જાત માટે જરૂરી છે. કારણ કે એ સમસ્ત સૃષ્ટિને વૈશ્ર્વિક શાંતિ તરફ લઇ જાય છે. આજની ભાગદોડવાળી જીંદગીમાં માણસ પાસે પોતાની જાત પ્રત્યે વાત કરવા કે પ્રેમ કરવાનો સમય નથી. સેલ્ફ લવએ ગુણવત્તાસભર જીવનની ચાવી છે, અને માનવીનો સંર્વાગી વિકાસ તેના થકી જ થાય છે.
પ્રેમ એક એવી મિત્રતા છે જે માનવીને શાંતિ, સમજણ, પરસ્પર વિશ્ર્વાસ આપે છે. તે સારા અને ખરાબ સમયમાં માનવ-માનવ વચ્ચે વફાદારીના બીજ રોપે છે. આજે વિશ્ર્વમાં હતાશા જોવા મળી રહી છે ત્યારે ‘પ્રેમ’ એકમાત્ર તેનો ઇલાજ છે. પ્રેમ માનવને માનસિક શાંતિ આપે છે. પોતાની જાતને પ્રેમ કરો અને વિશ્ર્વમાં પ્રેમનો સંદેશો પ્રસરાવોએ પવર્તમાન સમયમાં જરૂરી છે. 2007થી વર્લ્ડ લવ ડે ઉજવાય છે. આજે તો આપણા જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા હોય છે, જ્યારે આપણને પ્રેમસભર વાતાવરણની જરૂર પડતી હોય પણ સ્વાર્થી દુનિયામાં તેની સતત કમી આપણને ખટકી રહી છે. પ્રેમ અને સાચો સ્નેહ જ માનવીને ઓક્સિજનની જેમ દરેક પળે જરૂરી છે.
પ્રેમના સમાનાર્થી શબ્દોમાં પ્રીતિ, સ્નેહ, ચાહ, મહોબત, લગની, ઋચી અને અનુરાગ જેવા ઘણા શબ્દો છે. પ્રેમ એક એવો અહેસાસ છે જે બધા માટે અલગ-અલગ હોય શકે છે. પૃથ્વીવાસી તેના જીવનમાં અલગ-અલગ પ્રેમનો અનુભવ કરતો જ રહે છે. પરિવારનો પ્રેમ, મિત્રનો પ્રેમ, મા-બાપનો પ્રેમ, ભાઇ-બહેનનો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ જેવા ઘણા સ્વરૂપોનો આપણે અનુભવ થાય છે. તેના પ્રકારોમાં સેલ્ફલવ, સેલ્ફલેસ લવ, ઓબ્સેસિવ લવ વિગેરે જોવા મળે છે. પ્રેમ એક એવી લાગણી છે. જેનો અહેસાસ ખૂબ જ અદ્ભૂત હોય છે. ઇમોશનલ મેચ્યોરીટીના અભાવને કારણે આજના યુગમાં યુવાવર્ગો તેની સાચી ભાષા સમજતા જ નથી.
સેલ્ફલેસ લવ એટલે કોઇપણ જાતની આશા વગરનો પ્રેમ આપવો જે તેનું શુધ્ધરૂપ ગણી શકાય, આવા પ્રકારના લોકો દયાળુ અને સમજદાર વધુ હોય છે. આપણે શું ફિલીંગ અનુભવવીએ છીએ તે સામા માણસને ખબર પડી જાય તે સ્વપ્રેમની સાચી રીત ગણી શકાય. ઘણા પ્રસંગો આપણે જોઇએ છીએ અને બોલીએ પણ છીએ કે તે તો પ્રેમમાં પાગલ છે. બીજી એક વાત કે મોટા ભાગના લોકો માને છે કે સાચો પ્રેમ જીવનમાં એક જ વાર થાય છે, પણ તે ખોટું છે ઘણાને એકમાં નિષ્ફળતા બાદ બીજી પ્રેમમાં પણ સારી જીંદગી મળી જાય છે. પ્રેમને કોઇ ઉંમર હોતી નથી, પણ પ્રેમ થાય તે જ સાચી ઉંમર ગણાય છે.
ફિલ્મોમાં જોતા આવ્યા છે તે ફેરીટેલ લવ છે, જેમાં બે પાત્રને એમ થાય કે અમે સાચા જ છીએ પણ થોડા સમય બાદ લાગણી ઓછી થતાં તે સામાન્ય કપલ જેવા બની જાય છે. એકબીજા વચ્ચે સારી-ખરાબ વાતો જો પ્રથમથી જ શેર કરી દીધી હોય તો પાછળથી મુશ્કેલી આવતી નથી. અમુક પ્રેમ પીડાદાયક પણ હોય છે, જેમાં તમારો પ્રેમી કે પ્રેમીકા તમને પીડા આપે છે. ઘણા કિસ્સામાં જ પોતાની પસંદગી માટે અફસોસ થવા લાગે છે. અણધાર્યા પ્રેમમાં આવુ જ બને છે, જેમાં તમે ધાર્યા મુજબ નહી પણ અનપેક્ષિત પ્રેમ મળે છે.
પ્રેમમાં અમીર-ગરીબનું વિઘ્ન હમેંશા આદીકાળથી જોવા મળી રહ્યું છે. પ્રેમ સંપૂર્ણ રીતે વિજાતીય આકર્ષણોના ભૌતિકશાસ્ત્રના નિયમને અનુસરે છે. વિશ્ર્વમાં સૌથી શ્રેષ્ઠ એક મા તેના સંતાનને પ્રેમ કરતી હોય તે દ્રશ્ય ગણી શકાય.
પ્રેમએ નિ:સ્વાર્થ લાગણી છે
આજે બધા પ્રેમ કરે છે, પણ પોતાનો પ્રેમ કઇ કક્ષાનો છે તે કોઇને જાણવું નથી. નિ:સ્વાર્થ લાગણી જ સાચો પ્રેમ ગણી શકાય, આમ જોઇએ તો પણ પ્રેમ એટલે માત્ર લાગણીના સંબંધો, જેમાં લાગણી સિવાય બીજું કશુ જ ન આવી શકે. આજના યુગમાં પ્રેમની લાગણીમાં પણ વિવિધતા જોવા મળે છે. જેના કારણે પ્રેમની પરિભાષામાં પણ પરિવર્તન જોવા મળે છે. કોઇકનો પ્રેમ નિ:સ્વાર્થ તો કોઇકનો એક તરફી પણ જોવા મળે છે. અમૂક લોકો તો માત્ર પ્રેમનો દેખાડો કરતા જોવા મળે છે. આજે દુનિયામાં કેટલાય લોકો એવા છે. જેને માત્ર વાસના વાળો પ્રેમ થાય છે. જ્યારે તમને પ્રેમ કરવાનો કંટાળો આવવા લાગે ત્યારે તે અલ્પજીવી પ્રેમનું પૂર્ણ વિરામ આવી જાય છે. આજે એક તરફી પ્રેમના ઘણા વરવા સ્વરૂપો સમાજમાં જોવા મળી રહ્યા છે. જીવનમાં કોઇ મુશ્કેલી ન આવે તેમ તમે ઇચ્છતા હો તો તમારી જાતને પ્રેમ કરતાં શીખી લેશો. સાચો પ્રેમ થાય ત્યારે લૈલા-મજનુ, હીર-રાંઝા, રોમિયો-જુલિએટ જેવા કેટલાય નામો આપણાં મનમાં આવે કારણ કે તેને એકબીજા માટે જીવ દીધો હતો અને ગમે તેવી મુશ્કેલીમાં પણ તેને એકબીજાનો સાથ છોડ્યો ન હતો.