મસૂરી જતી વેળાએ અંતિમ ઘડીએ સરકારી વિમાનનો ઉપયોગ કરવા મુખ્યમંત્રીની મંજૂરી ન મળતા રાજ્યપાલને પ્લેનમાંથી ઉતરવું પડ્યું, બાદમાં સ્પાઇસ જેટની ફ્લાઇટનો સહારો લેવો પડ્યો
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહાવિકાસ આઘાડી સરકારના સંબંધ વણસ્યા છે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે મહારાષ્ટ્ર સરકારે ગવર્નરને સરકારી વિમાનના ઉપયોગ કરવાની મંજૂરી ન આપી. ત્યારબાદ રાજ્યપાલ કોશ્યારીએ સરકારી વિમાનમાંથી નીચે ઉતરવું પડ્યું.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મસૂરીમાં આઈએએસ એકેડેમીમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાનું હતું. પ્રોટોકોલ હેઠળ તે માટે સરકારી વિમાનથી જવાનું હતું. પરંતુ મુખ્યમંત્રી તરફથી મંજૂરી ન મળવાના કારણે રાજ્યપાલ કોશ્યારી ફ્લાઈટમાં બેઠા બાદ તેમણે નીચે ઉતરવું પડ્યું. ત્યારપછી તેમણે સ્પાઈસ જેટની ૧૨.૩૦ વાગ્યાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી.
મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે પાલઘર સાધુઓની હત્યા બાદથી વિવાદ ચાલુ છે. રાજ્યપાલ કોશ્યારીની સક્રિયતાથી શિવસેનાએ તે સમયે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ જ્યારે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોરોનાના પગલે બંધ મંદિરો ખોલવા મુદ્દે ચકમક ઝરી તો વિવાદ વધી ગયો. કોશ્યારીએ ઉદ્ધવ પર હિન્દુત્વ ભૂલવાનો આરોપ લગાવતો પત્ર લખ્યો હતો. જેને લઈને શિવસેનાએ નારાજગી વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહા વિકાસ આઘાડીના સંબંધ વધુ બગડવાનો તાજો મામલો વિધાન પરિષદ માટે ૧૨ નામોને મંજૂરી ન આપવા સાથે જોડાયેલો છે. મહારાષ્ટ્ર સરકાર તેના દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવેલા ૧૨ નામોની મંજૂરી ન અપાયા બાદથી નારાજ છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે આઘાડી સરકાર કોશ્યારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.