- બળી ગુણવત્તાની ઉંઘ શરીર પર ઘણી ગંભીર બીમારીઓ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બને: સારી ઊંઘ તંદુરસ્તીની સાથે મનને પ્રસન્ન અને શાંત રાખે છે
- વિશ્વભરનાં કરોડો લોકો આ સમસ્યાથી ઘેરાયેલા: અનિંદ્રા એટલે આખી રાત ઉંઘવાની ક્ષમતા: ચિંતા-ઉપાધી માનવીની ઉંઘ હરામ કરી નાખે: તેના ત્રણ મુખ્ય પ્રકારોમાં ટૂંકી ઉંઘ, કાચી ઉંઘ, અનિંદ્રા અને સતત ઉંઘનો અભાવ ગણાય છે: દરરોજ રાત્રે 6 થી 7 કલાકે ઉંઘ લેનાર વ્યક્તિઓમાં મૃત્યુદરનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે
વર્ષો પહેલાની જીવનશૈલી અને આજની બદલાયેલી જીવનશૈલીમાં સૌથી મહત્વનો ફેરફાર આપણી ઊંઘમાં થતો જોવા મળે છે. પહેલા લોકો વહેલા સૂઇ જતા અને વહેલા ઉઠી જતા હતા, તેથી ઘણા રોગોથી દૂર રહેતા હતા. આજે તો આ જુની રીતોમાં ફેરફાર કરીને અડધી રાત્રી તો જાગવામાં સામાન્ય ગણાવા લાગી છે. આજે વિશ્વ ઊંઘ દિવસ છે, 2008થી ઉજવાતો આ દિવસ દર વર્ષે માર્ચના બીજા શુક્રવારે વિશ્વભરમાં ઉજવાય છે. આખો દિવસ કામકાજ, મહેનત કરીને માનવી રાત્રે મીઠી નિંદર માણે ત્યારે શરીરનાં તમામ અંગો પણ આરામ ફરમાવતા હોવાથી આપણો થાક ઉતરી જાય છે. સમયસર સૂઇ જાવ અને સમયસર જાગો, આ સુત્ર આપણા આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. આજે દુનિયામાં કરોડો લોકો આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે. આપણે જેને સામાન્ય ગણીને ધ્યાન નથી દેતા, તે ઊંઘ બાબતે જાગૃત થવાની જરૂર છે. નબળી ગુણવત્તાની ઊંઘ શરીરમાં ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. સરેરાશ વ્યક્તિઓ એક રાત દરમ્યાન લગભગ 6 વખત જાગે છે.
સૂવાના સમયે વ્યવસ્થિત આયોજન જાળવવું જેમાં બેડરૂમનું યોગ્ય વાતાવરણ સાથે લાંબો સમય ટીવી-મોબાઇલ જોવાનું ટાળવું આપણી તંદુરસ્તી માટે લાભકારક છે. ઊંઘ સારી આવે કે લેવા માટે ખોરાકમાં નિયમિતતા, નિયમિત કસરત અને ધ્યાન સાથે તણાવથી દૂર રહેવાના પ્રયત્નો કરવા જોઇએ. કામ પણ આરામ સાથે કરવું જરૂરી છે. કેફીનનું સેવન ઓછું કરો અને જો અનિંદ્રા જેવી વિકૃત્તિઓ હોય તો તાત્કાલિક યોગ્ય સારવાર લેવી જરૂરી છે. તમારી ઊંઘની આદત બદલવાનો સમય હવે પાકી ગયો છે. ઊંઘ ન આવવાના કારણોમાં માનસિક તાણ, ચિંતા, બેચેની, ડર, નિરાશા, કૌટુંબિક સમસ્યા, નોકરીની ચિંતા, વિદ્યાર્થીઓને અભ્યાસ કે પરિક્ષાની ચિંતા જેવી ઘણી બાબતો અસર કરે છે. ઉપાધિ માનવીની ઊંઘ હરામ કરી નાંખે છે. ઘણાને તો આખી રાતમાં બે ત્રણ કલાકે પડખાં ફેરવી, થાક્યા પછી મગજ થાકે ત્યારે જ ઊંઘ આવતી હોય છે. પરોઢીયે આપણાં શરીરનું તાપમાન ઓછું થઇ જાય છે.
- આ વર્ષની થીમ: “ગ્લોબલ હેલ્થ માટે સ્લીપ ઇક્વિટી” છે
- પ્રૌઢ વ્યક્તિ કરતાં નાના બાળકોને ગાઢ નિંદ્રામાંથી જગાડવા વધુ મુશ્કેલ હોય છે, વૃધ્ધો અને સ્ત્રીઓ મોટાભાગે અનિંદ્રાના રોગથી પીડાતા હોય છે
વિશ્વ ઊંઘ દિવસ એકંદરે સુખાકારી માટે તંદુરસ્ત ઊંઘની આદતોના મહત્વ વિશે જાગૃત્તિ પ્રસરાવવાનો દિવસ છે. વિશ્વના 100થી વધુ દેશોમાં આજે આ દિવસ ઉજવાય છે, ત્યારે તેની વિકૃત્તિઓના સુધારેલ નિવારણ અને સારવાર દ્વારા સમાજની ઊંઘની સમસ્યાની અસર ઘટાડવાનો પ્રયાસ છે. આજે સૌ કોઇએ ઊંઘના પર્યાપ્ત ફાયદાઓ સાથે તેની સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજીક જીવન પર કેવી નકારાત્મક અસર પડે છે, એ બાબતે જાગૃત્ત થવાની જરૂર છે. આ વર્ષની ઉજવણી થીમમાં પણ સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ કેટલી જવાબદાર છે. તેની ઉપર ભાર મુકે છે. વિશ્વભરના લોકોમાં ઊંઘની ગુણવત્તામાં ભિન્નતા જોવા મળે છે, જે બોજ વધારે અને પહેલાથી જ રહેલી સ્વાસ્થ્ય અસમાનતાઓમાં વધારો કરે છે. કેટલાંક તો ઊંઘમાં એટલા જોરથી નસકોરા બોલાવતા હોય કે બીજાની ઊંઘ બગાડે કે ઉડાડી દે છે, ઘણીવાર મચ્છર-માંકડ જેવા જીવો પણ આપણી નિંદરમાં ખલેલ પહોંચાડે છે.
આજનો દિવસ ઊંઘની વિકૃત્તિઓના વ્યાપ અને શારીરીક અને માનસિક સ્વાસ્થ્યને વધારવા માટે પૂરતી અને શાંત ઊંઘની જરૂરિયાત પર ભાર મૂકે છે. ઊંઘની તંદુરસ્ત ટેવને પ્રોત્સાહન આપીને આપણાં રોજીંદા જીવનની ગુણવત્તા સુધારવાની છે. ઊંઘ શરીર અને મગજને આરામ, શરીરને રિચાર્જ કરવાની મંજૂરી આપે છે. તમે સૂઇ જાવ ત્યારે તમારૂ શરીર પેશીસમારકામ, સ્નાયુ વૃધ્ધિ અને અન્ય પ્રક્રિયામાંથી પસાર થાય છે. જ્ઞાનાત્મક અને મગજના કાર્યો માટે આરામ કે ઊંઘ સૌથી મહત્વપૂર્ણ ગણાય.
ઊંઘનો અભાવ ઘણી સમસ્યાઓ લાવે જેમાં મૂડ સ્વિંગ, ક્ષતિગ્રસ્ત એકાગ્રતા, નબળી રોગપ્રતિકારક શક્તિ, સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદ્ય રોગ જેવી સમસ્યા તમારા શરીરમાં લાવે છે. અપૂરતી ઊંઘ ચિંતા, હતાશા અને તમારા સ્વભાવમાં ચીડીયાપણું પણ લાવી દે છે. આજના દિવસ આપણને ‘સ્વાસ્થ્ય માટે ઊંઘ અતિ આવશ્યક છે’ સાથે વિશ્વ વસતીમાં તેનો તફાવત ચાલુ જ રહે તો જોવા મળે છે. પૃથ્વી પર વસતા તમામ સજીવો અને પ્રાણી-માનવીઓ રાત્રે ઊંઘ લે છે.
આજથી 16 વર્ષ પહેલા વિશ્વમાં પ્રથમવાર આ જાગૃત્તિ દિવસ ઉજવાયો ત્યારે ‘ઊંઘને સમજો અને તેને મેનેજ કરોની વાત કરી હતી. ઊંઘ ઓછી લેવાથી રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ અને નાર્કોલેપ્સી જેવા ન્યુરોલોજીકલ ડિસ ઓર્ડર, ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક સ્થિતિઓની મુશ્કેલી સર્જે છે. તમારી ઊંઘની સમસ્યાની સારવાર ન કરો તો હાયપરટેન્સન, હૃદ્યરોગ, સ્ટ્રોક, સ્થૂળતા, ડાયાબિટીસ અને માનસિક સ્વાસ્થ્ય વિકૃત્તિઓને અસર કરે છે. નિંદ્રા વિજ્ઞાન આજે તો તેના પર ઘણું સંશોધન કરે છે, તેના જણાવ્યા મુજબ તે ચયાપચય, હોર્મોન નિયમન અને કાર્ડિયોવેસ્કયુલર આરોગ્યને પણ અસર કરે છે. સ્લીપ એપનિયાએ સૌથી સામાન્ય સ્લીપ ડિસ ઓર્ડર છે.
આજે ઘણા લોકો પથારીમાં પડ્યા ભેગા ઘસઘસાર સૂઇ જતા હોય છે, જેને આની સમસ્યા છે, તેને સ્લીપ હાઇજીન, સ્લીપ ચેલેન્જ જેવા ઘણા પાસા બાબતે અધ્યયન કરવાની જરૂર છે. જે લોકો તાણ, બેચેની કે વ્યગ્રતા અનુભવે તે મોટાભાગના અનિંદ્રાના રોગથી પિડાય છે. પૂરતી ઊંઘ લેવાના ફાયદાઓમાં હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો ટળી જાય છે, જો પૂરતી ઊંઘ ન લો તો તેનાથી ડાયાબિટીસ-2નો ખતરો ઉભો થાય છે. ન સૂવાથી તમને ડિપ્રેશન, એંગ્ઝાયટી જેવી માનસિક હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. ઉંમરના હિસાબે આપણે ઊંઘ લેતા હોય છીએ, જેમાં નાનુ બાળક 12 થી 16 કલાક, બે વર્ષના બાળકો 11 થી 14 કલાક લે છે. આજે ભાગદોડવાળી જીંદગી લોકોની સુખ-શાંતિ સાથે ઊંઘને પણ છીનવી લીધી છે. કોઇપણ ટેન્સનની અસર સીધી આપણી રાતની ઊંઘ પર પડે છે, તંદુરસ્ત જીવન જીવવા ઓછામાં ઓછી સાત કલાક ઊંઘ લેવી જરૂરી છે.
જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે આપણી શ્વસનક્રિયા હૃદ્યની ગતી અને બ્લડપ્રેશર સૌથી નીચેના સ્તરે પહોંચી જાય છે. આપણે સપના જોતા હોય ત્યારે આપણું શરીર અને મગજ બંને સક્રિય થઇ જાય છે. પુખ્યવયના લોકોએ 8 કલાક ઊંઘ લેવી જોઇએ પણ અભ્યાસના તારણો જણાવે છે કે લોકો સાત કલાકથી વધુ ઊંઘતા નથી.
જીવનમાં જાગ્રત અવસ્થા જેટલી જ નિંદ્રાવસ્થા મહત્વની
આજની બદલાતી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ પ્રકારની માનસિકતાણ અનુભવતી જોવા મળે છે, ત્યારે આખા દિવસની દોડધામ પછી થાકીને રાત્રે પથારીમાં પડતાં જ તેને ઊંઘ આવી જાય છે. ઊંઘની દુનિયા નિરાળી છે, તો જીવ માત્રના જીવનમાં જાગરૂકતા અવસ્થા જેટલી જ નિંદ્રાવસ્થા પણ મહત્વની છે. સામાન્ય રીતે ઊંઘના પાંચ તબક્કા હોય, જે બધા એક-બીજાથી ભિન્ન હોય છે. સંપૂર્ણ રાત્રીમાં આપણે પહેલા ભાગ કરતાં બીજા ભાગમાં વધારે હળવાશ ઊંઘ કરતાં હોય છે. આપણું શરીર 24 કલાક કાર્યરત હોય તો પણ તે રાત્રીના 1 થી સવારે 6 વાગ્યા દરમ્યાન અસ્થિર થઇ જાય છે.