કેએસપીસી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી શોર્ટકટસ ટુ સકસેસ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો
સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે ટ્રેનર અને મોટીવેટર તન્વી ગાદોયાનો શોર્ટકટસ ટુ સકસેસ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમિટીના ચેરમેન દિપકભાઈ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવે તથા મંત્રી મનહરભાઈ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા તન્વી ગાદોયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતો.
કાર્યક્રમના અધ્યક્ષ હસુભાઈ દવેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે જીવનમાં સફળતા મેળવવા માટે આપણા વિચારોનો મહત્વનો ફાળો છે. જો આપણે પોઝીટીવ વિચારોથી આગળ વધીશું તો સફળતા જરૂર પ્રાપ્ત થશે.
કાર્યક્રમના મુખ્ય વકતા તન્વી ગાદોયાએ જણાવેલ હતું કે, સફળતા મેળવવા માટે સાચો રસ્તો શોધી તેના પર આગળ વધવું જરૂરી છે. હંમેશા સારી વસ્તુઓ કે માહિતીથી ઘેરાયેલા રહો કે જેથી પોઝીટીવ એનર્જી આપણી અંદર આવે, નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો.
અત્યારની દુનિયા હંમેશા બદલાતી રહે છે માટે હંમેશા કંઈક નવું શીખવા માટે આતુર રહો. જો તમને તમારી જાતમાં આત્મવિશ્વાસ હશે તો તમે કોઈપણ લક્ષ્યને હાંસલ કરી શકશો. વધુમાં જણાવેલ હતું કે જીવનમાં હંમેશા ઈશ્વરનો આભાર માનતા રહો કેમ કે ઈશ્વરે આપણને આ મુલ્ય જીવન આપેલ છે.
જીવનમાં નિષ્ફળતાને પણ પચાવવા માટેની શકિત હોવી જરૂરી છે. પોતાની જાત પર વિશ્વાસ હોવો જોરૂરી છે. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઈ માણેક, એન.એમ.ધારાણી તથા અન્ય સભ્યોમાં સીએ પ્રવિણભાઈ ધોળકિયા, મનસુખલાલ જાગાણી, અશ્વીનભાઈ ત્રિવેદી, શ્યામલ જોશી, ખોડીદાસ સામૈયા, નિકેત પોપટ, ભુષણ મજીઠીયા તથા જી.એન.અલ્ટેક, રાજકોટ નાગરીક સહકારી બેંક લી. ધરતી કો-ઓપ. બેંક લી., શ્રી યમુના ટ્રેડીંગ કંપની વિગેરે કંપનીના અધિકારીઓ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા