કાચબા ગતિએ ચાલી રહેલા નવા બસ સ્ટેન્ડના કામમાં વેગ આપવા લોકમાંગ
અમરેલી શહેરમાં નવા બસ સ્ટેશનનું કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે એસટી તંત્ર દ્વારા શરૂ કરાયેલા હંગામી બસ સ્ટેન્ડમાં અનેક સુવિધાઓનો અભાવ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમરેલી શહેરના હંગામી એસટી બસ સ્ટેશનમાં રાત્રીનાં ટોઈલેટ- બાથરૂમને તાળા મારી દેવાતા હોવાની રાવ મુસાફરોમાંથી ઉઠવા પામી છે. મુસાફરોના જણાવ્યા મુજબ અમરેલી બસ સ્ટેન્ડમાં રાત્રીના 9 વાગ્યા બાદ ટોઇલેટ અને બાથરૂમ ને તાળા મારી દેવામાં આવે છે.
જેથી ખાસ કરીને મહિલા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. નજીકમાં એકપણ શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી મુસાફરો એસટી તંત્ર સામે બળાપો ઠાલવી રહ્યા છે. તો આ અંગે અમરેલી ડેપો મેનેજરને સંપર્ક સાધતા જણાવ્યુ હતુ કે, અમને કોઈ આવી ફરિયાદ મળી નથી. એજન્સીને આ અંગે જાણ કરી ઘટતુ કરવામાં આવશે. તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું. તો એક તરફ સરકાર દ્વારાઘરમાં શૌચાલય બનાવવા અંગે જાગૃતતા લાવવા લાખોના ખર્ચે જાહેરાતો કરી સરકારી યોજના દ્વારા સહાય આપવામાં આવે છે. તો બીજી તરફ અમરેલી એસટી ડેપોમાં શૌચાલયને તાળા મારી દેવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો કચબા ગતિએ ચાલતા નવા બસસ્ટેન્ડના કામને વેગ આપવા તથા હંગામી બસ સ્ટેન્ડમાં ટોઈલેટ-બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓને લઈ યોગ્ય કાર્યવાહી કરવા મુસાફરો માંગ કરી રહ્યા છે.