આહારમાંથી ખાંડ દૂર કરવાથી તમારા એકંદર સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફાયદા થશે
રાત્રિના ભોજન પછી મીઠાઈ ખાવી વધુ ગમતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે તમારા શરીર પર તે કેવી અસર કરી શકે છે? જો તમે ખાંડ છોડવાનું વિચારી રહ્યા છો પણ સાથે એ પણ વિચારી રહ્યા છો કે શું તે યોગ્ય છે, તો વધુ વિચારશો નહીં. ફક્ત બે અઠવાડિયા માટે પણ તમારા આહારમાંથી ખાંડ દૂર કરવાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર નોંધપાત્ર ફાયદા થઈ શકે છે. ઉર્જા સ્તરમાં વધારવાથી લઈને ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો કરવા સુધી, ખાંડ છોડવાથી આશ્ચર્યજનક ફેરફારો થઈ શકે છે.
આ અંગે નિષ્ણાંત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટે, ખાંડ વગર રહેવાથી તમારા શરીરમાં નોંધપાત્ર સુધારો કેવી રીતે થઈ શકે છે તે વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, એક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને હેપેટોલોજિસ્ટ તરીકે, મેં મારા દર્દીઓમાં તેમના આહારમાંથી ખાંડ દૂર કર્યા પછી નોંધપાત્ર પરિવર્તનો જોયા છે. ફક્ત 14 દિવસમાં, તેમના યકૃત અને આંતરડાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. ખાંડ દૂર કરવાની અસરો શોધવા માટે ટ્યુન ઇન કરો,” ડી સેઠીએ તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું. આંતરડાના ડૉક્ટરના મતે, બે અઠવાડિયા માટે ખાંડ દૂર કરવાથી તમારા ચહેરાને કુદરતી આકાર મળશે. “જો તમે ફક્ત બે અઠવાડિયા માટે ખાંડ દૂર કરશો, તો તેનાથી તમને ઘણાં ફાયદાઓ થશે. જેમાં સૌ પ્રથમ તમારો ચહેરો વધુ કુદરતી આકારમાં બદલાઈ જશે. તેમજ તમારી આંખોની આસપાસનો સોજો કે પ્રવાહી રીટેન્શન પણ ઓછો થશે.
જો તમે પણ વજન ઘટાડવા માટે પ્રયત્નો કરી રહ્યા હોય તો ખાંડનું સેવન બંધ કરવાથી ચમત્કારિક પરિણામો મળી શકે છે. મોટાભાગના લોકો માટે, વજન ઘટાડવું શક્ય હોવા છતાં, તેઓ પેટની ચરબી ઓછી કરવા વધુ પ્રયત્નો કરે છે. પરંતુ ખાંડમાં ઘટાડો એ પેટની ચરબી ઓછી કરવામાં મદદ રૂપ થાય છે. જેમાં તમારા લીવરમાં ચરબી ઓછી થવા લાગતાં તમે પેટની ચરબીમાં ઘટાડો પણ જોશો. વધુમાં, ખાંડ દૂર કરવાથી આંતરડામાં સ્વસ્થ માઇક્રોબાયોમ પુનઃસ્થાપિત થાય છે અને આંતરડા સ્વસ્થ બને છે.” 14 દિવસ માટે ખાંડ દૂર કરવી એ ખીલ અને ચહેરા પર લાલ ફોલ્લીઓથી પીડાતા લોકો માટે અકસીર રૂપ છે. આનું કારણ એ છે કે ખાંડ છોડી દેવાથી તમારી ત્વચા સુધારવામાં મદદ મળશે. “જો તમને ખીલ અથવા લાલ ફોલ્લીઓ હોય, તો 14 દિવસ ખાંડ છોડ્યા બાદ તમારી ત્વચામાં સ્પષ્ટ સુધારો જોવા મળશે.
વધુ પડતી ખાંડનું સેવન તમારા એકંદર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તે હાઈ બ્લડ પ્રેશર, બળતરા અને નબળા હૃદયના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. આ અંગે અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, ઉમેરવામાં આવેલી ખાંડની મર્યાદા દૈનિક કેલરીના 6 ટકા છે, જે સ્ત્રીઓ માટે મહત્તમ 25 ગ્રામ પ્રતિ દિવસ અને પુરુષો માટે 36 ગ્રામ પ્રતિ દિવસ છે.