વકીલોને પ્રોપર્ટી ટેક્ષ તથા વીજબીલના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ મળે તથા આર્થિક સહાય આપવા જૂનાગઢના ધારાશાસ્ત્રી દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી.
દેશ ઘણા સમયથી મારામારીનો સામનો કરી રહ્યો છે, એવામાં સરકાર દ્વારા શહેરમાં સિનેમાઘરો, હોટેલો, વોટરપાર્ક વગેરેને એક વર્ષ માટે હાઉસ ટેક્સ તથા વીજબિલના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવાનો જે નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે તે પ્રશંસનીય ગણી તે જ પ્રકારનો નિર્ણય રાજ્યના વકીલો માટે પણ કરવામાં આવે તેવી માંગ જૂનાગઢના ધારાશાસ્ત્રી પ્રતિકભાઇ જે. રાવલ દ્વારા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને કરવામાં આવી છે.
કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી રાજ્યની તમામ અદાલતોમાં પ્રત્યક્ષ કાર્યવાહી બંધ રહેલી છે તેથી 30,000 જેટલા જુનિયર વકીલોને મોંઘવારીમાં પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવું ખૂબ જ કઠિન થઈ રહ્યું છે.
ઘણા વકીલોએ તો અન્ય વ્યવસાય અપનાવી લીધેલ છે, જે બાબતને નિંદનીય ગણી પ્રતિકભાઇ રાવલ એ રજૂઆત કરી છે કે, વકીલો સામાજિક મોભાદાર વ્યક્તિ કહેવાય છે અને લોકોના ન્યાય તથા વળતર અપાવનાર છે અને આજે તેઓ જ જાણે વળતરથી વંચિત રહી ગયા છે. ત્યારે ન સહેવાય કે ન કહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એવામાં વહેલી તકે વકીલોને પ્રોપર્ટી ટેક્સ તથા વીજબિલમા એક વર્ષ માટે મુક્તિ આપવી જોઈએ.અને ગુજરાત રાજ્યએ દેશમાં એક ઉમદા ઉદાહરણ પુરૂં પાડવું જોઈએ.