કાયદે મે રહોગે તો ફાયદે મે રહોગે
બોગસ એકાઉન્ટમાંથી પોસ્ટ થયા બાદ યુએઇમાં ભારતીયની ધરપકડ થવાના કેસમાં પોલીસને સહયોગ ન આપવા બદલ ફેસબુકની હાઇકોર્ટે ઝાટકણી કાઢી
કર્ણાટક હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું છે કે જો ફેસબુક રાજ્ય પોલીસને સહકાર આપવા સક્ષમ નથી, તો તે સમગ્ર ભારતમાં તેની સેવાઓ બંધ કરવા પર પણ વિચાર કરી શકે છે.દક્ષિણ કન્નડ જિલ્લાના બિકર્નાકાટેની રહેવાસી કવિતાની અરજી પર સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ કૃષ્ણા એસ. દીક્ષિતની બેન્ચે સોશિયલ મીડિયા કંપનીને આ ચેતવણી આપી છે.
બેન્ચે ફેસબુકને એક સપ્તાહની અંદર જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.બેન્ચે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે જણાવવું જોઈએ કે સાઉદી અરેબિયામાં ભારતીય નાગરિકની નકલી ધરપકડના મુદ્દે અત્યાર સુધી અમારી તરફથી શું પગલાં લેવામાં આવ્યા છે. આ સાથે મેંગલુરુ પોલીસને તપાસ ચાલુ રાખવા અને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદાર કવિતાએ જણાવ્યું છે કે તેના પતિ શૈલેષ કુમાર છેલ્લા 25 વર્ષથી સાઉદી અરેબિયામાં એક કંપનીમાં કામ કરી રહ્યા હતા, જ્યારે તે પોતે મેંગલુરુ પાસેના તેના ઘરે રહેતી હતી. કવિતાએ જણાવ્યું કે તેમના પતિએ 2019માં નાગરિકતા સંશોધન અધિનિયમ અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સના સમર્થનમાં ફેસબુક પોસ્ટ કરી હતી.
પરંતુ કેટલાક અજાણ્યા લોકોએ તેના નામ પર નકલી પ્રોફાઇલ બનાવી અને સાઉદી અરેબિયા અને ઇસ્લામના શાસક વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી. આ બાબત શૈલેષના ધ્યાનમાં આવતા જ તેણે તેના પરિવારને જાણ કરી અને પત્નીએ આ મામલે મેંગલુરુ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જો કે, આ દરમિયાન સાઉદી પોલીસે શૈલેષની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો.
મેંગલુરુ પોલીસે આ મામલાની તપાસ કરી અને ફેસબુક પાસેથી નકલી ફેસબુક એકાઉન્ટ ખોલવા અંગે માહિતી માંગી. પરંતુ ફેસબુકે પોલીસની માંગનો જવાબ આપ્યો નથી. 2021માં અરજદારે તપાસમાં વિલંબને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.