આપણા વડવાઓ દ્વારા કહેવામાં આવતી વાતો કે કહેવતો સરળ શબ્દોમાં હોય છે, પણ તેનો અર્થ સમજવો ખુબ અઘરો હોય છે. વડીલો દ્વારા કહેવામાં આવતી વાતો કે કહેવતો આપણે જિંદગીનો મર્મ સમજાવી જાય છે.
આ બધી વાતો કે કહેવતો જો આપણે સમજી જીવનમાં ઉતારિયે તો જિંદગીમાં સમસ્યા ઓછી આવે.

આપણી એક વર્ષો જૂની કહેવત છે કે, ‘ચાર પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો, ચાર પૈસા કમાશો તો ક્યારેય દુઃખી નહીં થાવ, અથવા છોકરો કાંઈક કમાશે તો, ચાર પૈસા ઘર માં આવશે.’ આ કહેવત વાંચવામાં એક દમ સરળ છે, પણ તેનો મતલબ બહુ ઓછા લોકોને ખબર હશે.

આ કહેવતમાં ચાર પૈસાનો મતલબ શું?

આ કહેવતમાં ત્રણ પૈસા અથવા પાંચ પૈસા નહીં ને ચાર પૈસા જ કેમ કીધા ? તેની પાછળ પણ વડીલોનું એક માર્મિક કારણ છે. તે જાણી સમજાય જશે તો આ કહેવત સારી રીતે સમજી જશો.

ચાર પૈસામાં પહેલો પૈસો છે, કુવામાં નાખવાનો. કુવામાં નાખવાનો મતલબ એ થાય કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો. પહેલો પૈસો તમારા ઘર માટે કમાવ, જેથી તમારી ઘરની જરૂરિયાતો પુરી થાય.

બીજો પૈસાથી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો. તમારા માતા પિતાની સાર-સંભાળ, સેવામાં વાપરવો. તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.

ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો મતલબ એ છે કે, પોતાના સંતાનને ભણાવી, ગણાવીને એક સારી એવી જિંદગી આપવી.

ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો. એટલે કે, શુભ પ્રસંગ, અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે વાપરવાનો.

આ છે, ચાર પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઈ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં. આ વાત વર્ષો પહેલા કહેવામાં આવી હતી, પણ આજે પણ તે દરેક માણસને જિંદગી જીવવામાં મદદ રૂપ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.