બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ છે ને ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ કચ્છ એટલે કહેવાયને ગુજરાતની શાન જ્યાં આજે પણ ગુજરાતની જૂની સંસ્કૃતિ વસે છે અને આ સંસ્કૃતિને દર્શાવવાનો અવસર એટલે રણોત્સવ. કચ્છનું મુખ્ય પ્રવાસન પર્વ એટલે કે રણોત્સવનો આજથી વિધિવત રીતે પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે.
રણોત્સવનો પ્રારંભ કર્યા બાદ વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, કચ્છ ખમીરવંતા અને દરિયાદિલ લોકોનો પ્રદેશ છે. આ પ્રદેશના લોકોએ કચ્છના વિકાસમાં સક્રિય પણે સહભાગીતા દર્શાવીને કચ્છને એક ઉદાહરણરૂપ પ્રદેશ બનાવી દીધો છે. લોકો રણ ઉત્સવની રાહ જોતા હોય છે જેથી અહીંના હેન્ડીક્રાફ્ટને ખરીદી શકે તેમજ કારીગરો પણ આખું વર્ષ પોતાની મહેનત અહીં રજૂ કરીને આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે
મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને પગલે સાદગીપૂર્ણ રીતે રણોત્સવનો પ્રારંભ
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાથી સર્જાયેલી ઘટનાથી સમગ્ર ભારતમાં શોક છવાઈ ગયો છે ત્યારે મોરબીમાં થયેલી હોનારતના કારણે આ વર્ષે સાદગીપૂર્ણ રીતે રણોત્સવનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રીની ગેરહાજરીમાં પ્રથમ વખત ખુલ્લો મુકાયેલ રણોત્સવ ફેબ્રુઆરી મહિનાની અંત સુધી પ્રવાસીઓ માટે કચ્છનું મુખ્ય આકર્ષણ બનશે તો અનેક કારીગરો અને ધંધાર્થીઓ માટે રોજગાર ઉભુ કરશે.
વિધાનસભા અધ્યક્ષએ લીધી સ્ટોલની મુલાકાત
પીએમ મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત અને ભારતમાં પ્રવાસનેને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ત્યારે આ રણોત્સવમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે તો સ્થાનિકે અનેક ધંધાર્થીઓની સમગ્ર વર્ષની આવક જ રણોત્સવમાંથી ઉભી થશે. વિધાનસભા અધ્યક્ષએ રણોત્સવનો પ્રારંભ કર્યા બાદ સૌ પ્રથમ ક્રાફ્ટ માર્કેટમાં હસ્તકલા કારીગરોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેમની આંગળીના ટેરવે આકાર પામેલી પ્રોડક્ટોને જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો તથા હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.
2006 થી એક પરંપરાની ચાલતી હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી રણોત્સવનું પ્રારંભ કરાવતા આવ્યા હતા ત્યારે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરંપરાને જાળવવા રણોત્સવનો પ્રારંભ કરાવવાના હતા પરંતુ થોડા દિવસો પહેલા જ મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કારણે ૧૪૦થી લોકોના મોત થતા ભુપેન્દ્ર પટેલે પ્રવાસ રદ્દ કર્યો. CMની ગેરહાજરીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે રણોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
રણોત્સવમાં 140 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા
આ વખતે રણોત્સવનું આયોજન તારીખ 26 ઓકટોબરથી તારીખ 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. પ્રવાસનને વેગ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે આ વર્ષે રણોત્સવમાં 140 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. કચ્છી હસ્તકળા, કારીગરી, પહેરવેશ, ખાણી-પીણી સહિત દરેક વસ્તુઓ અહીં પ્રવાસીઓને મળી રહે છે. આ 100 દિવસના ઉત્સવમાં ફક્ત ખાવડા અને બન્ની વિસ્તારના જ નહીં પરંતુ કચ્છભરના કારીગરો અને ધંધાર્થીઓ અહીં વેંચાણ કરવા આવે છે.