જ્યાં નવનાથ 64 જોગણી અને 36 કરોડ દેવી-દેવતાઓના બેસણાં છે તેવા ગીરનારની પાવન ભૂમિ પરની આસ્થાને નિયમોનું ગ્રહણ ન લાગવું જોઇએ

સતત બીજા વર્ષે ગરવા ગીરનારની લીલી પરિક્રમાને પ્રતિબંધોનું ગ્રહણ ધર્મ, આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાની આ પાંબધીઓ ક્યાં સુધી ચલાવતા રહેશું?

 

અબતક-દર્શન જોશી,જૂનાગઢ

જય જય ગીરનારી…. ના ગગનભેદી નાથ અને અડાબીડ વન વગડામાં ગીરનાર ફરતે 36 કિલોમીટરની પરિક્રમા યાત્રા સદીઓથી યોજાતી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે અજ્ઞાતવાસમાં પાંડવોએ પણ પરિક્રમા કરીને મોક્ષનો માર્ગ સરળ કર્યો હતો. આજે પણ પાંડવોના હાથે સ્થાપિત શિવલિંગો ગીરનારના જંગલોમાં મોજૂદ છે. ભવે ભવના ફેરામાંથી મુક્તિ જેટલા પૂણ્યનુ ભાથુ બંધાવતી પરિક્રમાને છેલ્લાં બે વર્ષથી પ્રતિબંધોનું ગ્રહણ લાગી ગયું છે. સતત બીજા વર્ષે ગીરનારની ફરતે યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે પણ અસ્સલરૂપમાં નહીં યોજાય. પ્રતિકાત્મક પરિક્રમામાં બંને ડોઝ લીધેલા 400 લોકોને જ પ્રવેશ અપાશે. તેવો વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે ત્યારે સંપૂર્ણપણે આધ્યાત્મિક અને ધર્માનુરાગિ વાતાવરણમાં અવધુત સંતો-મહંતો અને અઘોરી રંગે રંગાયેલા શિવભક્તો દ્વારા યોજવામાં આવતી પરિક્રમાની આ પરંપરાને નિયમોમાં વિચલિત કરવી ન જોઇએ.

કોરોના અને મહામારીના નામે દેશભરમાં તમામ ધાર્મિક તહેવારો પર નિયમોનું ગ્રહણ લાગી ચુક્યું છે. હોળીમાં રંગ ન ખેલવા, દિવાળીમાં ફટાકડા ન ફોડવા, પરિક્રમામાં ગીરનારની પ્રદક્ષિણા ન કરવી ક્યાં સુધી આ પ્રતિબંધો ચલાવતા રહેશું. પરિક્રમામાં ભલે લોકોને ન આવવા દેવાય તો કહીં નહીં પણ સાધુ-સંતોને આવવા દેવા જોઇએ.

લીલી પરિક્રમાનું મહાત્મ્ય દાયકાઓ નહીં પરંતુ સદીઓ જૂનું છે.જ્યાં ચોસઠ જોગણી, નવનાથ અને અનેક દેવી-દેવતાઓના બેસણા છે તથા યોગી, જોગી, અને તપસ્વીઓની તપોભુમી છે, એવા ગરવા ગિરનારની લીલી પરિક્રમા પ્રતિવર્ષ કારતક સુદ અગીયારસથી લઈને કારતક સુદ પૂનમ સુધી યોજાય છે. લગભગ 10 એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ 36 કિમી લાંબી લીલી પરિક્રમામાં સ્વયંભુ રીતે જોડાતા હોય છે અને ગિરનાર ક્ષેત્રના ધાર્મિક સ્થાનો એ માથું ટેકવી, દર્શન કરી, વિવિધ મુકરર કરેલા સ્થળ ઉપર રાત્રી રોકાણ સાથે પ્રકૃતિના ખોળે આનંદ માણતા ભક્તિપૂર્વક ભવનું ભાથું બાંધી ધન્યતા અનુભવતા હોય છે.

આમ જોઈએ તો, જૂનાગઢની આર્થિક જીવાદોરી સમાન લીલી પરિક્રમા સતત બીજા વર્ષે રદ કરાતા જૂનાગઢના નાના મોટા, વેપારીઓ રેસ્ટોરેન્ટ, ગેસ્ટ હાઉસ, વાહન ચાલકો તથા એસટી અને રેલવે તંત્રને મળી લગભગ 80 કરોડ રૂપિયાનું નુકસાન જાય તેવો પણ અંદાજ લગાવાઇ રહ્યો છે અને સતત દોઢ વર્ષથી વધુના આર્થિક મંદીના દિવસો બાદ આ વર્ષે લીલી પરિક્રમા યોજાય અને વેપાર ધંધામાં વૃદ્ધિ થાય તેવું નાનાથી લઈને મોટા ગજાના જૂનાગઢના વેપારીઓ ઈચ્છી રહ્યા હતા ત્યારે આ વેપારીઓની આશા ઉપર હાલમાં તો કાતર ફરી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે.

ગીરનારની લીલી પરિક્રમા સ્વયં એક ચમત્કાર છે. દર વર્ષે યોજાતી લીલી પરિક્રમામાં લાખો ભક્તો પાંચ દિવસ સુધી ગીરનારના ખોળામાં આધ્યાત્મિક ભક્તિમાં રંગાઇ જાય છે ક્યારેય કોઇ યાત્રિકને જંગલી જનાવર કે નાનકડું એવડું જીવડું પણ નુકશાન કરતું નથી. ગીરનાર જંગલમાં સિંહો, ઝેરી સાપ અને અનેક પશુ-પંખીઓ વસે છે પણ ક્યારેય પરિક્રમામાં કોઇ અજુગતો બનાવ બન્યો નથી. એ આ યાત્રાની સિદ્વિ છે. પરિક્રમા યાત્રા પર પ્રતિબંધને અયોગ્ય ગણાવવામાં આવે છે. ધર્મપરંપરા અને આધ્યાત્મિક સાથેની પરિક્રમામાં લોકોને ભલે જવા ન દેવાય પણ સાધુ-સંતોને પરિક્રમા યાત્રાની પરંપરા બરકરાર રાખવા વહીવટી તંત્રએ વ્યવસ્થા કરી દેવી જોઇએ. હવે કોરોના ક્યાં છે? ધીરેધીરે જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે ત્યારે પરિક્રમા જેવી પરંપરામાં સાધુ-સંતોને જવા દેવા માટે વહીવટી તંત્ર અને અધિકારી-પદાધિકારીઓએ કોઇપણ નિર્ણય લેવામાં સલામતીની સાથેસાથે ધર્મનું સન્માન જળવાઇ તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

રાજકીય રેલીઓમાં ગાઇડલાઇનનું પાલન નહીં માત્ર શ્રદ્વા પર જ સંકજો

રાજકીય રેલીઓમા કોરોનાની ગાઈડલાઈનનું પાલન થતું નથી છતાં રેલીઓ અને કાર્યક્રમો યોજાયા છે ત્યારે ભાવિક ભક્તજનોની શ્રદ્ધા ભક્તિને ધ્યાને લઇને તમામ ભાવિક, ભક્તજનો માટે લીલી પરિક્રમા યોજાય તેવી માંગ પણ ઉઠવા પામી છે. લીલી પરિક્રમામાં લોકોને ભલે જવા ન દેવાય પરંતુ ગીરનારી સાધુ-સંતો, મહંતો અને દેશભરથી આવતા સંતો માટે ગીરનારી મહારાજના દરવાજા બંધ થવા ન જોઇએ.

પરિક્રમામાં માત્ર 400ને જ એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાતા ભાવિકોમાં કચવાટ

જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે લીલી પરિક્રમા અંગે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી, અને આ બેઠકમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે માત્ર 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી હતી અને જે લોકોને પ્રવેશ આપવામાં આવે તેમને કોરોનાના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તેવું નક્કી કરવામાં આવ્યું હતું. તથા જે 400 લોકોને પરિક્રમામાં પ્રવેશ અપાશે તે પૈકી ઉતારા મંડળના 100, સાધુ-સંતો 100, પદાધિકારીઓ 100 તેમજ 100 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે તેવું ઉતારા મંડળના ભાવેશ વેકરીયાએ જણાવ્યું છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે લીલી પરિક્રમા અંગે એક બેઠક મળી હતી અને આ મિટિંગમાં પ્રતીકાત્મક પરિક્રમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, લીલી પરિક્રમા યોજવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે અને આખરી નિર્ણય સરકાર કરશે તેમ જૂનાગઢના અધિક કલેકટર કલેક્ટરે જણાવ્યું છે.

લીલી પરિક્રમા 400 લોકોની જ પ્રતીકાત્મક પરિક્રમા યોજાઈ રહી છે અને તેમાં પણ પદાધિકારીઓ, અધિકારીઓ, સાધુ-સંતો નો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ પરિક્રમા માત્ર લાગવગિયા અને વીઆઈપીઓ માટેની જ બની રહેશે તેવી લોકોમાં ચર્ચા શરૂ થવા પામી છે, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાવિક ભક્તજનોમાં નિરાશા અને નારાજગી ફેલાવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.