હિતેશ રાવલ, સાબરકાંઠા:
રાજયભરમાં ફરી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજરોજ સાબરકાંઠામાં સાતમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ રાજ્ય પુરવઠા પ્રધાન ગજેન્દ્ર સિંહ પરમારના અધ્યક્ષ સ્થાને પ્રાંતિજના મહાદેવપુરા ખાતે યોજાયો હતો. જ્યાં એકસાથે 64 થી વધારે સેવાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટેનો પ્રયાસ હાથ ધરાયો હતો.
વિવિધ 64થી વધારે સેવાની ગ્રામ્ય કક્ષાએ વિધિવત શરૂઆત કરાઈ છે જેમાં આજે સાંજ સુધી વિવિધ સેવાઓ સરળતાથી મળી રહે તે માટેનો પ્રયાસ હાથ ધરાયો છે આ તકે રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે હાલની સરકાર આપના માટે ઘર ઘર સુવિધા આપવા માટે આવી છે જેથી જરૂરિયાતમંદ લોકોને લાભ મળે. તેમણે કહ્યું કે લોકોએ પણ સરકારની યોજનાનો શક્ય તેટલો લાભ લેવો જરૂરી છે જેમાં એકાદ દિવસ મંદિરે નહિ જવાય તો ચાલી શકશે પરંતુ હાલના આ સેવાયજ્ઞમાં ભાગીદાર બનશો તો કેટલાય લોકોનું કલ્યાણ થઈ શકશે માટે આજના સેવા સેતુમાં જરૂરિયાત મંદ લોકો સુધી વિવિધ સેવાઓ પહોંચાડવા માટે મદદરૂપ થવું અત્યંત જરૂરી છે.
જો કે સ્થાનિક ગ્રામજનોને એ સિવાય પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો સીધી જાણકારી થકી તેનો નિવેડો લાવવા માટે જ સેવા સેતુ યોજાતો રહે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખથી લઈ સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સુધીના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ હજાર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પણ ખાસ હાજર રહ્યા હતા તેમજ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો.