હિન્દુ પરંપરાનુસાર તિલક લગાવવાનું મહત્વ અને ફાયદાઓ
તિલક ધારણ કરવાનાં સ્થાનને ‘આજ્ઞાચક્ર’ પણ કહે છે
ભારતીય સંસ્કૃતિમાં ‘ભાલ’ એટલે કે કપાળ પર તિલક લગાવવાની પ્રથા આદિકાળથી ચાલી આવે છે. આ પ્રથા પાછળનાં ધાર્મિક, પ્રાસંગિક મહત્વથી તો સૌ કોઈ અવગત છે, પણ ઘણા ઓછા લોકોને આ રસમ પાછળનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ ખબર હશે, તો ચાલો જાણીએ ‘ભાલતિલક સોહાયે’ પાછળનું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ.
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કપાળ પર ‘તિલક’ લગાવવાની પ્રથા પાછળનું એક કારણ છે કે તેનાથી વ્યકિતત્વને ગરિમા પ્રદાન કરે છે.તિલક શરીરની પવિત્રતાનું પણ ધૌતક છે. તેથી ધર્મશાસ્ત્રોનુસાર તિલકને સ્નાન કર્યા બાદ જ ધારણ કરવાનું મહત્વ છે.
માનવ શરીરમાં સાત સૂક્ષ્મ ઉર્જા કેન્દ્ર હોય છે, જે અપાર શકિતના ભંડાર છે.તેને ચક્ર કહેવામાં આવે છે. મસ્તકના મધ્યમાં જયા તિલક લગાવવામાં આવે છે, તેને આજ્ઞાચક્ર કહેવામાં આવે છે. શરીરની મુખ્ય ત્રણ નાડીઓ ઈડા, પિંગલા અને સુષુમ્ના અહી આવીને મળે છે. તેથી તેને ત્રિવેણી અથવા સંગમ પણ કહેવામાં આવે છે. આ સ્થાન બંને ભ્રમરોની વચ્ચે થોડુ ઉપરનાં ભાગે આવેલું છે, તેથક્ષ આ સ્થાને તિલક લગાવવાથી આજ્ઞા ચક્રની ગત્યાત્મકતાને બળ પ્રાપ્ત થાય છે. આ સ્થાનને ગુરૂસ્થાન પણ કહેવામાં આવે છે. અહીથી જ સંપૂર્ણ શરીરનું સંચાલન થાય છે. તિલક મનુષ્ય ચેતનાનું પ્રમુખ સ્થાન છે. અને તેને જ મનનું ઘર પણ માનવામાં આવે છે.તેથી જ આ સ્થાન શરીરમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે. યોગ કરતી વખતે આના પર જ મન એકાગ્રકરવામાં આવે છે.
તિલક સામગ્રી અને મહત્વ
સામાન્ય રીતે તિલક ચંદન ‘લાલ અથવા સફેદ’, કુમ-કુમ માટી, હળદર, ભષ્મ, રોલી, સિંદૂર, કેસર તથા ગોપીચંદન વગેરેથી કરવામાં આવે છે. ઘણા લોકોને તિલક લગાવવાથી સુંદરતામાં અવરોધ જણાય છે. તો જળથી પણ તિલક લગાવી શકાય છે. પૌરાણિક માન્યતાનુસાર સંગમ તટ પર ગંગા સ્નાન બાદ તિલક લગાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી જ સ્નાન કર્યા બાદ પંડિતો દ્વારા તિલક કર્યા બાદ જ ધાર્મિક વિધિની શરૂઆત કરવામાં આવે છે.